પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-2):ગોપાલની જીંદગીનો આ પહેલો અનુભવ હતો, આ પહેલા તે કયારેય પોલીસ સ્ટેશનું પગથીયુ ચઢયો ન્હોતો, લોકઅપમાંથી એક વિચિત્ર પ્રકારની વાસ આવી રહી હતી અને તે અસ્હય હતી, પણ હવે તેને આ વાસની આદત નાખવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો. પણ તેની સાથે લોકઅપમાં રહેલા બે ચેઈન સ્નેચર્સ બીન્દાસ ગપ્પા મારી રહ્યા હતા, જાણે તેમને ઘર અને લોકઅપમાં કોઈ ફેર લાગતો જ ન્હોતો. બપોરે બે વાગે એક પોલીસવાળો ગોપાલને જમવાનું આપવા આવ્યો ત્યારે ગોપાલને પહેલા તો આશ્ચર્ય થયું, તેણે એક વખત પોલીસવાળા સામે અને બીજી વખત તેની સાથે રહેલા સેન્ચર્સ સામે જોયુ. સ્નેચર્સ ગોપાલની મજા લઈ રહ્યા હતા. એક જણો બોલ્યો હમણાં જમી લે પછી રાત્રે જમવામાં ડંડા મળવાના છે. આ સાંભળતા ગોપાલના શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ હોય તેવો કરંટ લાગ્યો. પોલીસવાળો જમવાનું મુકી લોકઅપ બંધ કરી જતો રહ્યો. ઘણી વાર સુધી ગોપાલ એમ જ બેસી રહ્યો પછી તેણે પ્લાસ્ટીકની થેલીમાં રહેલુ જમવાનું ખોલ્યુ એક છાપાના ટુકડામાં પુરીઓ બાંધેલી હતી અને બીજામાં શાક હતું શાક માટે એક પડીયુ પણ હતું. ગોપાલે સંકોચ સાથે જમવાનું શરૂ કર્યું. જેવો પહેલો કોળીયો મોંઢામાં મુકયો તેની સાથે ગોપાલને મમ્મી અને નીશીની યાદ આવી ગઈ, આમ તો રોજ બપોરે ગોપાલ દોઢ વાગ્યા સુધી ઘરે પહોંચતો હતો, પણ આજે બપોરના બે વાગી રહ્યા હતા. કદાચ નીશી કયારે આવે છે તેવુ પુછવા ફોન પણ કર્યો હશે, પણ પોલીસે ગોપાલને લોકઅપમાં મુકતા પહેલા પાકીટ અને મોબાઈલ ફોન લઈ લીધો હતો.
ફોન સ્વીચ ઓફ આવતો હશે તો નીશી ચિંતા પણ કરતી હશે, તેવો પણ ખ્યાલ આવ્યો, પણ ગોપાલને અડ્ડા ઉપર માર ખાધા પછી ભુખ પણ લાગી હતી. તેણે બધા વિચારોને બાજુ ઉપર હડસેલી જમવાનું શરૂ કર્યું, જો કે ચાર પુરી અને બટાકાનું રસાવાળું શાક જમતા વાર લાગી નહીં, હજી પણ ભુખ હતી પણ કહેવું કોને. ઘરે હોત તો આવુ પાણીવાળુ શાક જોઈ ગોપાલ નીશી ઉપર ભડકયો હોત, પણ અહિયા કોની ઉપર ગુસ્સો કરવો. ગોપાલને આશ્ચર્ય થઈ રહ્યું હતું કે તેને પોલીસ સ્ટેશન લાવી લોકઅપમાં મુકયો પછી કોઈ પોલીસવાળા કે સાહેબ તેને કઈ જ પુછવા આવતા નથી. પોલીસ સ્ટેશનના માહોલને તે લોકઅપમાં બેસી જોઈ અને અનુભવી રહ્યો હતો. કેટલાક પોલીસવાળા જેને આવે તેને ગાળ બોલી વાત કરતા હતા, પણ કેટલાંક ભલા પોલીસવાળા પણ હતા. એક પોલીસવાળો મસાલો મસળી રહ્યો હતો. ગોપાલ તેની સામે જોઈ રહ્યો હતો, લોકઅપમાં મુકયાને ચાર પાંચ કલાક થઈ ગયા હતા, ગોપાલને તંબાકુ ખાવાની આદત હતી, એટલે પોલીસવાળો મસાલો ઘસી રહ્યો હતો તેના પ્લાસ્ટીકનો અવાજ ગોપાલને બેચેન બનાવી રહ્યો હતો કારણ ગોપાલનું શરીર નિકોટીન માંગી રહ્યું હતું. ત્યાં અચાનક પેલા પોલીસવાળાનું ધ્યાન ગોપાલ તરફ ગયું, ગોપાલ અને પોલીસવાળાની નજર એક થઈ, પોલીસવાળો મસાલો ઘસી રહ્યો હતો, તેનો હાથ અટકી ગયો.
તેણે ગોપાલને મસાલા તરફ ઈશારો કરતા પુછયું તું ખાય છે, ગોપાલ ઝંખવાણો પડી ગયો, તેણે સંકોચ સાથે માથુ હલાવી ના પાડી પણ પોલીસવાળો જમાનો ખાધેલો હતો તે સમજી ગયો કે ગોપાલની નામાં હા છે. તેણે ફરી મસાલો ઘસતા કહ્યું ઉભો રહે તને પણ ખવડાવીશ, પાંચ સાત મિનીટ મસાલો ઘસ્યા પછી અડધા ઉપરાંતનો મસાલો પોતાના ગલોફામાં દબાવ્યો અને બાકીનો મસાલો લોકઅપના સળીયામાંથી ગોપાલ તરફ ધર્યો, ગોપાલે મસાલો લીધો તે જ વખતે પોલીસવાળાએ ગોપાલને પુછયું શેમા આવ્યો છે. ગોપાલ ચુપ રહ્યો, તે જોઈ સ્નેચર્સ બોલ્યા, સાહેબ તેને જ ખબર નથી શેમાં આવ્યો છે રાત્રે તેને ખબર પડશે શેમાં આવ્યો છે. ગોપાલ પાછો ધ્રુજી ગયો, તેને સ્નેચર્સ ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. કારણ તેઓ થોડી થોડીવારે ડરાવી રહ્યા હતા. લોકઅપ બહાર રહેલા પોલીસવાળાએ ગોપાલ સામે જોયું અને પાછો તે નજીકમાં આવેલી બારી પાસે ગયો અને એક પીચકારી મારી પાછો આવ્યો, અને બોલ્યો સારા ઘરનો લાગે છે. જે હોય તે સાચુ કહી દેજે અને જામીન લઈ ઘરે જતો રહેજે. ગોપાલ શાંત રહ્યો પોલીસવાળાએ લોકઅપ પાસે ઉભા રહીને સામેના ટેબલ ઉપર બેઠેલા હેડ કોન્સટેબલને પુછયું આ છોકરો શેમાં આવ્યો છે. બપોરના બે વાગી ગયા હતા એટલે શીફટ બદલાઈ ગઈ હતી, ગોપાલને પોલીસ સ્ટેશન લાવ્યા ત્યારે બીજા હેડ કોન્સટેબલ હતા, છતાં તેમણે જવાબ આપ્યો ડી સ્ટાફવાળા લઈ આવ્યા છે હજી ઉપલક રાખ્યો છે.
ગોપાલને ઉપલક શબ્દ બીજી વખત સાંભળવા મળ્યો તેને સમજાતુ ન્હોતુ ઉપલક એટલે શું… પણ હવે પુછવું કોને? અને પેલા બે ચોરંટાઓ સાથે વાત કરવાનો અર્થ જ ન્હોતો. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો તેમ તેમ ગોપાલ મુંઝાઈ રહ્યો હતો, બીજા કોઈને ભલે ખબર ન્હોતી કે ગોપાલનો ગુનો શું છે પણ ગોપાલને તો અંદાજ આવી ગયો હતો કે તેની રમત હવે પુરી થઈ ગઈ છે, પણ ગોપાલની મુંઝવણ એવી હતી કે તેને અંદાજ આવી રહ્યો ન્હોતો કે તેની રમત અંગે પોલીસને કેટલી ખબર છે, એટલે તેનું મન તેને પોલીસ પુછે ત્યારે કેવા જવાબ આપવા તેની તાલીમ આપી રહ્યું હતું. છતાં મનમાં એક જ ડર હતો કે પોલીસ ફટકારશે તો શું કરવુ કારણ મારની બહુ બીક લાગતી હતી. સ્કૂલમાં કયારેક ટીચરનો માર ખાધો હતો, બાકી કયારેય કોઈની સાથે મારા મારી સુધ્ધા કરી ન્હોતી અને પેલા ચોરંટાઓ તો માર પડશે જ તેવું કહી રહ્યા હતા. એક તરફ ડર લાગી રહ્યો હતો, બીજી તરફ ઘરનો વિચાર પણ આવી રહ્યો હતો. ગોપાલ દુકાને જવાનું કહી નિકળ્યો હતો, દુકાને ગયો પણ હતો પણ ત્યાંથી તે જુમ્મનના અડ્ડે પહોંચી ગયો હતો. ઘરે આ અંગે કોઈને હજી ખબર ન્હોતી એટલે પપ્પા અને નીશી દુકાન ઉપર પણ તપાસ કરવા ગયા હશે, પણ દુકાન તો બંધ જોઈ હશે એટલે તેમના હ્રદયની શું સ્થિતિ થઈ હશે તેનો વિચાર આવી રહ્યો હતો.
બપોર પછી એક પોલીસવાળો બાથરૂમ કરવા પોલીસ સ્ટેશનના બાથરૂમમાં લઈ ગયો હતો તે સિવાય તે લોકઅપની બહાર નીકળ્યો ન્હોતો. સાંજ થઈ અને બહાર અંધારૂ થયું અને એ એટલે ખબર પડી કે પોલીસ સ્ટેશન અંદરની લાઈટો ચાલુ થઈ હતી. જો કે લોકઅપમાં લાઈટ ન્હોતી, પણ પોલીસ સ્ટેશનની લાઈટનો પ્રકાશ લોકઅપમાં આવી રહ્યો હતો. સાંજ પાડતા મન વધુ બેચેન થયુ હતું હવે મારનો દુખાવો પણ વધ્યો હતો. જો કે હજી મારના દુખાવાનો વિચાર બાજુ ઉપર હતો પણ હવે શું થશે અને પોતાના અંગે મમ્મી પપ્પા અને નીશીને ખબર પડશે ત્યારે શું થશે તેનો જ વિચાર આવી રહ્યો હતો. જે પોલીસવાળાએ મસાલો ખવડાવ્યો હતો તે પોલીસવાળો જ આઠ વાગે આવ્યો તેના હાથમાં જમવાના ત્રણ પાસર્લ હતા, પોલીસ સ્ટેશનના પીવાના પાણીના કુલરમાંથી ભરેલા પાણીની ત્રણ બોટલ હતી, તેણે લોકઅપમાં રહેલા ત્રણેને જમવાનું અને પાણની બોટલ આપી કારણ હવે પાછી પોલીસની શીફટ બદલાઈ રહી હતી. પેલા બે સ્નેચરો તો જમીને જાણે બાપના ઘરે હોય તેમ લોકઅપમાં લંબાવી સુઈ ગયા પણ ગોપાલને ઉંઘ સાથે દુશ્મની હોય તેમ તે જમ્યા પછી લોકઅપના સળીયા પાસે બેસી રહ્યો હતો. રાત થતાં હવે પોલીસ સ્ટેશન શાંત થઈ ગયું હતું. નાઈટ ડ્યૂટીમાં રહેલા પોલીસવાળા ગપ્પા મારી રહ્યા હતા. કેટલાંક પોલીસ સ્ટેશનના ટીવી ઉપર ફિલ્મ જોઈ રહ્યા હતા. રાતના અગીયાર વાગ્યા હશે, બપોરે ગોપાલને જે પોલીસવાળો જુમ્મનના અડ્ડા ઉપર લઈ આવ્યો હતો તે જ પોલીસવાળો આવ્યો તેણે લોકઅપનો દરવાજો ખોલતા ગોપાલને કહ્યું ચાલ ભાઈ હવે સાહેબ બોલાવે છે, આ વાકય સાંભળતા ગોપાલને ધ્રુજારી છુટી ગઈ કારણ હવે ખરી પરીક્ષાનો સમય આવી ગયો હતો.
(ક્રમશ:)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.