Thursday, September 3, 2026
HomeGujaratAhmedabadજેલમાં દાખલ થયા પછી એક સીપાહીએ ગોપાલને કહ્યું ચાલ કપડા કાઢ

જેલમાં દાખલ થયા પછી એક સીપાહીએ ગોપાલને કહ્યું ચાલ કપડા કાઢ

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-16): ગોપાલનો જેલમાં પહેલો દિવસ હતો. આમ તો દિવસ નહીં પહેલી રાત હતી. ગોપાલના પેટમાં ઉંદરડા દોડી રહ્યા હતા. ભૂખ તો ખૂબ લાગી હતી; પણ જે પ્રકારનું જમવાનું તેની સામે આવ્યું હતું, તે જમી શક્યો જ નહોતો.

તેણે સલીમ સામે જોયું. સલીમને જોઈને વિચાર કરવા લાગ્યો, ખરો માણસ છે આ! મારા કારણે જેલમાં આવવું પડ્યું તોય પોલીસ સ્ટેશનમાં તો ઠીક, પણ જેલમાં આવ્યા પછીય મને કોઈ ફરિયાદ કરી નહીં કે ઠપકો આપ્યો નહીં! સલીમ પોલીસની નજરમાં ગુનેગાર હતો. હિંદુઓની નજરમાં મુસ્લિમ હતો. પણ ગોપાલ માટે કદાચ માજણ્યા ભાઈ કરતાં પણ વધારે હતો.

- Advertisement -



સલીમ જિંદગીને જે પ્રકારે સહજતાથી લઈ રહ્યો હતો, કદાચ ગોપાલે એ પ્રકારે જિંદગીની ક્યારેય કલ્પના જ કરી નહોતી. જેલમાં આવ્યા પછી જમવાનું પણ એટલું બધુ ખરાબ હતું, પણ સલીમને જમવા સામે પણ કોઈ ફરિયાદ નહોતી. બેરેકમાં પંખો હતો, પણ તે હવા ઓછી ફેંકતો અને અવાજ વધારે કરતો હતો. બેરેકમાં બે નાના બલ્બ સળગી રહ્યા હતા. જેના કારણે કોઈનો ચહેરો તો ન જોઈ શકાય, પણ તેણે ફરી સલીમ સામે જોયું. એ ઘસઘસાટ ઊંઘતો હતો. સલીમને આ જિંદગી સામે પણ કોઈ ફરિયાદ નહોતી.

- Advertisement -


સલીમને તે વર્ષોથી ઓળખતો હતો, પણ સલીમે આજ સુધી તેની જિંદગીના પ્રશ્ન અંગે ક્યારેય કંઈ કહ્યું જ નહોતું. અચાનક ગોપાલને યાદ આવ્યું, તેની પાસે મમ્મીએ સુખડી આપી છે. તેણે માથા પાસે રહેલા સામાનમાંથી પ્લાસ્ટિકની થેલી કાઢી. અંધારામાં તે થેલી ખોલી રહ્યો હતો. જેને કારણે રાતના અંધકારની નીરવ શાંતિમાં દખલ થઈ. થેલીનો અવાજ સાંભળી તેની બાજુમાં સૂઈ રહેલા કેદીએ પડખું ફેરવ્યું. શેનો અવાજ આવે છે? તે જોવા આંખો ખોલીને ગોપાલ સામે જોયું. ગોપાલને પહેલાં તો સંકોચ થયો. તેણે થેલીમાં હાથ બહાર કાઢી હાથમાં રહેલો સુખડીનો ચકતો તેની તરફ જોઈ રહેલા કેદી તરફ ધર્યો. કેદીને કંઈ ખબર પડી નહીં, તે જોતો રહ્યો. ગોપાલે ધીમા અવાજે કહ્યું, “સુખડી છે.”

તે પોતાની પથારીમાં બેઠો થઈ ગયો. તેણે ગોપાલના હાથમાંથી સુખડી લીધી. ગોપાલે આસપાસ જોયું. તેને ચિંતા થઈ કે, બીજા જાગી ગયા તો સુખડી ખૂટી પડશે. પાડોશી કેદીએ સુખડી ખાવાની શરૂઆત કરી. તેના ચહેરા પર એક પ્રકારની તૃપ્તીનો ભાવ હતો. તેણે હાથનો ઇશારો કરી કહ્યું, “મસ્ત છે.”

- Advertisement -

સુખડી પુરી થતાં પેલો કેદી ઊભો થયો, માટલા પાસે જઈ પાણી પીધું અને પાછો આવીને સૂઈ ગયો. ગોપાલના હાથમાં સુખડી હતી. તેણે એક બટકું ભર્યું. ફરી તેને મમ્મી, પપ્પા અને નિશીની યાદોએ ઘેરી લીધો.



ગોપાલ વિચાર કરવા લાગ્યો કે, કદાચ મમ્મી અને નિશી પણ હજી જાગતાં હશે. તેમની સ્થિતિ પણ પોતાના જેવી જ હશે. નિશીને તો તેના વગર ઊંઘ પણ આવતી નહોતી. હવે નિશીનું શું થતું હશે! મમ્મી પણ રડતી હશે! કદાચ પપ્પા જાહેરમાં રડતા નથી, તોય રાતના અંધારામાં તો તેઓ પણ રડી લેતા હશે!

આ બધી યાદોને કારણે ગોપાલની આંખ પણ ભીની થઈ ગઈ. ગોપાલ પહેલાં માની રહ્યો હતો કે, તે પોલીસ સામે ગુનો કબૂલ કરશે એટલે પોલીસ તેને જવા દેશે. પણ જેલમાં આવ્યા પછી ગોપાલને નિરાશાએ ઘેરી લીધો હતો. હવે તેને લાગી રહ્યું હતું કે, તેની જિંદગી પૂરી થઈ ગઈ છે. હવે જિંદગીનું શું થશે? તેની કશી જ ખબર પડતી નહોતી. ગોપાલે બેરેકના લોખંડી સળિયાની બહાર જોયું. બહારથી જેલની મોટી હેલોઝન લાઇટનો પ્રકાશ જાણે જેલની દીવાલોની આરપાર જોવા પ્રયત્ન કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. બેરેકને તાળુ મારીને ગયેલો સિપાહી ક્યાં હશે? એવો પણ વિચાર આવ્યો. કારણ કે સિપાહી પણ તેને દેખાઈ રહ્યો નહોતો.


ગોપાલને ઊંઘ આવી રહી નહોતી. તેની નજર બેરેકમાં દોડી રહી હતી. એવામાં તેનું ધ્યાન બેરેકના ખૂણામાં રહેલાં નાનકડાં મંદિર તરફ ગયું. લાકડાનું મંદિર દીવાલ પર ટીંગાડવામાં આવ્યું હતું. મંદિરમાં એક નાનકડો લાલ બલ્બ સળગી રહ્યો હતો. ગોપાલે મંદિર સામે જોયું અને હાથ જોડ્યા. મનોમન બબડ્યો, “હે ભગવાન, મને અહિંથી બહાર કાઢ.”

ગોપાલ ફરી આડો પડ્યો. તેનું શરીર જેલમાં હતું પણ મન તો બહાર જ ભટકી રહ્યું હતું. તેને ખબર જ ન પડી કે, તેની આંખ ક્યારે લાગી ગઈ! કદાચ વહેલી સવારે તેને ઊંઘ આવી હશે. અચાનક તેને લાગ્યું કે, કોઈ તેને લાત મારી રહ્યું છે. તેણે આંખો ખોલી, તો તેની બેરેકમાં રહેલો પાકા કામનો કેદી પગ મારીને ઉંઘી રહેલા કેદીને ઉઠાડી રહ્યો હતો.

ગોપાલ એકદમ પથારીમાં બેઠો થયો. ગોપાલે જોયું તો સલીમને પેલો પગ મારી ઉઠાડવા જતો હતો. ગોપાલે તરત પેલા કેદીને રોકતાં કહ્યું, “હું ઉઠાડું છું.”



પેલો કેદી બીજાને ઉઠાડવા માટે ગયો. ગોપાલે તરત સલીમને ઢંઢોળ્યો. બેરેકનો દરવાજો ખુલી ગયો હતો. દરવાજામાં એક સિપાહી ઊભો હતો. ગોપાલે સલીમને પેલા સિપાહી તરફ ઇશારો કર્યો. સલીમ આંખો ચોળતો બેઠો થયો. સિપાહીએ કહ્યું, “ચાલો બે–બેની જોડી કરીને લાઈનમાં બેસી જાવ.”

ગોપાલને ખબર પડી નહીં. પણ બેરેકમાં સલીમ જેવા બીજા પણ હતા. જેઓ ફાર્મ હાઉસની જેમ અવાર–નવાર જેલની મુલાકાતે આવી જતા હતા. સલીમે ગોપાલને કહ્યું, “કંઈ નહીં. ગણતરી થઈ રહી છે.”

બધા કેદીઓ બેરેકમાં બે–બે કેદીની જોડીમાં જમીન પર બેસી ગયા. પાકા કામનો કેદી હતો તેણે જોડીની ગણતરી કરી અને સિપાહીને આંકડો કહ્યો. સિપાહીએ પોતાની પાસેના કાગળમાં તેની નોંધ કરી. જ્યારે પણ બેરેક ખુલે અને બંધ થાય ત્યારે કેદીઓની સંખ્યા ગણવાનો નિયમ અંગ્રેજોના સમયથી ચાલી રહ્યો હતો. રાત્રે જેટલા કેદીઓ બેરેકમાં હતા, તેટલા જ છે કે કેમ; તે જોવા માટે થતી ગણતરી કરીને સિપાહી જતો રહ્યો.


સલીમે ગોપાલને કહ્યું, “ચાલ, બ્રશ કરી લે. હમણા ચા આવશે.”

ગોપાલે પોતાના થેલામાંથી બ્રશ અને પેસ્ટ કાઢી. સલીમ તેને બેરેકની બહાર આવેલા નળ પાસે લઈ ગયો. ત્યાં બીજા કેદીઓ પણ મોઢું ધોઈ રહ્યા હતા. ગોપાલે જોયું તો સલીમ યાર્ડમાં આવેલા લીમડાના ઝાડ પાસે ગયો અને એક પાતળી ડાળી તોડી, તેના પાંદડા કાઢીને ડાળીનું દાંતણ બનાવી દાંતણ કરવા લાગ્યો. પાંચ–સાત મિનિટ થઈ હશે. એક પેડલરિક્ષા લઈ સફેદ કપડાંવાળો કેદી આવ્યો. બધા કેદીઓ પોતપોતાની બેરેક તરફ ગયા. તેમને વાસણમાં જે વાટકી મળી હતી, તે લઈને બહાર આવ્યા. પેલા કેદીએ વાટકીમાં ચા આપવાની શરૂઆત કરી.

ગોપાલે વાટકી મોઢે માંડી. એક ક્ષણ તો તેને લાગ્યું કેસ થૂંકી નાખું. માત્ર ગળ્યા પાણી સિવાય કંઈ જ નહોતું. આદુ તો જાણે ચાને માત્ર સુંઘાડીને પાછું લઈ લીધું હોય એવું તેને લાગ્યું. ગોપાલને તો આદુ વગરની ચા ભાવતી જ નહોતી. પણ હવે આવી જ ચા રોજ મળવાની હતી! થોડીવાર પછી ગોપાલે જોયું કે, કેટલાક કેદીઓ જે નળ પાસે મોઢું ધોઈ રહ્યા હતા; તે જ નળ પાસે તેઓ ન્હાવા લાગ્યા હતા. ગોપાલને બધું બહુ વિચિત્ર લાગી રહ્યું હતું.

સલીમ બહુ બારીક નજરે ગોપાલને જોઈ રહ્યો હતો. તેણે ગોપાલ પાસે આવીને તેના ખભા પર હાથ મૂકતાં કહ્યું, “હવે ટેવ પાડી દેજે આ જિંદગીની. જેટલો વહેલો તૈયાર થઈ જઈશ, એટલી ઓછી તકલીફ પડશે.”



પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular