પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-11): Nadaan Series : સલીમની ફિલોસોફી ઉપર પી.એસ.આઈ. ચૌધરી આફરીન હતા. જમીન ઉપર બેઠેલા સલીમને તેમણે ખુરશી પર બેસવાનો ઇશારો કર્યો. સલીમ કંઈ સમજ્યો નહીં. કદાચ સમજી પણ ગયો હતો; પણ તે જે માની રહ્યો હતો, એવું થોડું હોય! એવું તેને લાગ્યું. તેના ચહેરા પર પ્રશ્નાર્થ ભાવ હતો. ચૌધરીએ તેને કહ્યું, “ઉપર બેસ.”
સલીમે ફરી ખાતરી કરવા માટે પોતાની છાતી પર હાથ મૂકતા પૂછ્યું, “હું?”
ચૌધરી હસ્યા અને કહ્યું, “તને જ કહું છું. ખુરશીમાં બેસ.”
સલીમના ચહેરા પર એક જુદા જ પ્રકારના ગૌરવની લાગણી હતી. તે ઊભો થયો અને ચૌધરીની બાજુની ખુરશીમાં બેઠો. તેને એટલો આનંદ થયો, જાણે કોઈએ તેને રાજસિંહાસન પર બેસવાનું કહ્યું હોય! તેના ચહેરા પર ચૌધરી સાહેબ માટે આદર અને આભારનો ભાવ હતો. એણે કહ્યું, “સાહેબ જિંદગીમાં કોઈ પોલીસ ઑફિસરે મને પહેલી વખત ખુરશીમાં બેસાડ્યો. અરે, મારી પાસે દારૂનો હપ્તો લેનાર, પોલીસનો વહિવટદાર પણ મને પોલીસ સ્ટેશનમાં ખુરશીમાં બેસવાનું કહેતો નથી!”
ચૌધરીએ બંને હાથની હથોળીઓથી આંખો સાફ કરતા પૂછ્યું, “સલીમ, તું મને આખી સ્ટોરી કહીશ?”
એક ક્ષણ અટકીને ઉમેર્યું, “સાચી જ કહીશ?”
સલીમના ચહેરા પર સ્મિત આવ્યું. તેણે કહ્યું, “ખુદા કસમ સાહેબ, હું માત્ર તમારી સામે જ નહીં, કોઈપણ પોલીસ અધિકારી સામે ખોટું બોલ્યો નથી. અને બોલવાનો નથી.”
પછી જાણે કોઈ ખાનગી વાત કહેતો હોય તેમ, પોતાનું મોઢું ચૌધરીના કાન પાસે લાવીને કહ્યું, “આપણી માર ખાવાની તૈયારી નથી સાહેબ. અને માર ખાધા પછી સાચું બોલવું, એના કરતાં મારા ખાધા વગર કહી દેવામાં ક્યાં વાંધો છે!”
ચૌધરી અને સલીમ બંને હસી પડ્યા. પછી સલીમે પોતાની વાતની શરૂઆત કરતા કહ્યું, “સાહેબ, મેં મારી સ્ટોરી તો તમને કહી. ગોપાલ મારો જૂનો દોસ્ત. આમ તો અમારા ધંધા જુદા, પણ કોણ જાણે મને તેના પર કોઈપણ કારણ વગર પ્રેમ છે. તેની જિંદગીમાં ભલુ કેવી રીતે કરી શકું? તેવું મને સતત લાગ્યા કરતું. તેના ઘરની આર્થિક સ્થિતિ સારી નથી; પણ ગોપાલ સતત એવા પ્રયત્નમાં રહેતો કે, તેના ઘરને મદદ કરી શકે. પણ સાહેબ, ગરીબનું નસીબ પણ ગરીબ હોય છે. એના લાખ પ્રયત્ન છતાં એમની જિંદગીમાં કોઈ ખાસ ફેર પડતો નહોતો. મારો ધંધો રહ્યો દારૂનો, મેં તેને અનેક વખત કહ્યું કે, મારા ધંધામાં આવી જા; પણ તે માન્યો નહીં. હા, બે ચાર વખત મેં એને દારૂની ડિલિવરી કરવા મોકલ્યો હતો. પણ એની પોલીસથી બહુ ફાટે છે.”
પછી કંઈક યાદ આવ્યું હોય તેમ, ધીમા અવાજે સલીમે કહ્યું, “સાહેબ, મને તો પોલીસ સ્ટેશનની આદત છે; પણ પેલો બીચારો ગોપાલ અડધો થઈ ગયો હશે. એને દારૂનો ધંધો કરવો નહોતો. ત્યાં પાછો એને પ્રેમ થઈ ગયો!”
વળી પાછો ગંભીર ચહેરો કરતા કહ્યું, “સાહેબ, આવા લોકો પ્રેમ શું કરવા કરતા હશે?”
ચૌધરીના ચહેરા પર કોઈ ભાવ નહોતો. સલીમ સમજી ગયો કે, કારણ વગર સ્ટોરી લાંબી થઈ રહી છે. સલીમે વાત આગળ વધારતા કહ્યું, “તેણે અમદાવાદ છોડવાનો નિર્ણય કર્યો ત્યારે હું તેની સાથે સંમત નહોતો. આ પાલનપુર જેવા નાનાં શહેરમાં તે શું કમાઈ લેવાનો હતો! પણ નિશી સામે તેનું કંઈ ચાલ્યું નહીં. અંતે એ પાલનપુર આવી ગયો. પછી અમારી ફોન ઉપર વાત થતી રહેતી. ક્યારેક એ અમદાવાદ આવે તો અમે મળતા પણ હતા.”
ચૌધરી તેની એક એક વાત ધ્યાનથી સાંભળી રહ્યા છે. તેવું સલીમે નોંધ્યું અને પોતાની વાત આગળ વધારતા કહ્યું, “ગોપાલ થોડા મહિના પહેલાં મને મળવા આવ્યો ત્યારે તેના ચહેરા પર ઉદાસી હતી. મેં જ્યારે તેને બહુ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું હતું કે, “અરે ધંધો તો શરૂ કર્યો, પણ ધંધામાં બરકત નથી.” મેં કહ્યું ચિંતા નહીં કરને કા, તેરા ભાઈ દેખ લેગા. પછી એક દિવસ હું પાલનપુર આવ્યો. એની દુકાને ગયો ત્યારે એનો ચહેરો પડેલો હતો. સાહેબ, આખી જિંદગી મેં બે નંબરનો ધંધો કર્યો એટલે મને કોઈ સીધું કામ તો આવડે નહીં! મેં એની દુકાનમાં કોમ્પ્યુટર અને પ્રિન્ટર જોયું. તરત જ મારી લાઇટ ઝબકી. મને યુટ્યૂબ જોવાનો શોખ છે. મેં એને કહ્યું કે, ભલા માણસ, તું તો નાસિકની સરકારી પ્રેસનો માલિક છે. તારે ત્યાં તો લક્ષ્મીનો વાસ છે!”
હવે ચૌધરીને લાગ્યું કે, ગાડી બરાબર પાટા પર આવી. સલીમે વાત આગળ વધારી, “મારી વાતો ગોપાલને સમજાઈ નહીં. તે મારી સામે જોઈ જ રહ્યો. મેં મારા ફોનમાં તેને કેટલાક વીડિયો બતાવ્યા. પણ તેનું મન મારી વાત માનવા તૈયાર જ નહોતું. મેં એમ પણ કહ્યું કે, ચાલ તને પ્રેક્ટિકલ કરીને બતાડું. જોકે આ કામ મેં પહેલાં ક્યારેય કર્યું નહોતું, એટલે મને પણ ત્રણ ચાર કલાક લાગ્યા. પણ મેં તેને સો રૂપિયાની એક નોટ છાપી બતાવી.”
પછી સલીમને કંઈક યાદ આવ્યું હોય તેમ, તરત પોતાની વાત સુધારી લેતા કહ્યું, “સોરી સર, નકલી નોટ.”
એક ક્ષણ રોકાઈને ઉમેર્યું, “અસ્સલને પણ ટક્કર મારે તેવી હતી. હા, કાગળ થોડો જાડો હતો; પણ સાહેબ સરકારી કાગળ લાવવો ક્યાંથી! પણ મેં ગોપાલને કહ્યું કે, તારું કામ થઈ જશે. ગોપાલના મનમાં ત્યારે શંકા હતી. તે થોડી થોડી વારે મેં છાપેલી નોટ હાથમાં પકડીને જોતો હતો. એટલે મેં એને કહેલું કે, ભાઈ તને ખાતરી ન થતી હોય તો ચાલ; તને ભરોસો થાય તેવું કંઈક કરીએ.
મેં બીજી પાંચ–સાત નોટ કાઢી અને ગોપાલની મોટર સાયકલ પર અમે નીકળ્યા. આ અમારો પહેલો પ્રયોગ હતો. મારા મનમાં પણ થોડીક શંકા હતી એટલે અમે હાઈવેનો રસ્તો પકડ્યો પાલનપુરની હદ વટાવી બહાર નીકળ્યા. અમે એક નાના ગલ્લા પર ગયા. મેં ગોપાલને કહ્યું તું અહીં જ ઊભો રહેજે. હું મોટર સાયકલ પરથી ઉતરીને ગલ્લા પર ગયો. પાન બીડી લીધાં. જેના પચાસ રૂપિયા થયા. મેં મારી પાસે રહેલી નકલી નોટ ગલ્લા વાળાને આપી. તેણે મારી નોટ ગલ્લામાં નાખી અને પચાસ પાછા આપ્યા.”
સલીમે ફરી ધીમા અવાજમાં કહ્યું, “સાહેબ, અસલી પચાસ પાછા આવ્યા.”
ચૌધરીએ માત્ર “હમમ…” કહ્યું.
સલીમે વાત ચાલું રાખી, “મેં મોટર સાયકલ પાસે ઊભા રહેલા ગોપાલ સામે જોયું. તેના ચહેરા પર મને હિંમત દેખાઈ. અમે ત્યાંથી બે ત્રણ કિલોમીટર આગળ વધ્યા. ફરી એક ચાની દુકાન પર રોકાયા. ચા અને બિસ્કીટ ખાધાં, એક પાણીની બોટલ પણ લીધી. પછી મેં ગોપાલ સામે જોયું. ગોપાલે એક સોની નોટ આપી. ચાની દુકાનવાળાએ સિત્તેર રૂપિયા પાછા આપ્યા. સાંજ પડતા સુધીમાં તો અમે સો રૂપિયાની પાંચ નકલી નોટ વાપરી નાખી. એક પણ જગ્યાએ અમને કોઈએ કંઈ જ પૂછ્યું નહીં. મને મારી ચાલાકી પર અભિમાન થયું અને ગોપાલને પણ હિંમત આવી ગઈ. પછી અમને લાગ્યું કે, આ કામ થઈ શકે છે.
અમે પાછા પાલનપુર આવ્યા. મેં ગોપાલને પ્રિન્ટર ઉપર નોટ કેવી રીતે કાઢવી, તે શીખવાડ્યું. ગોપાલ હોંશિયાર છે, બહુ જલદી શીખી ગયો. પછી તો રોજ સવારે પડે એટલે તે ચાર પાંચ નોટો કાઢીને બજારમાં ફેરવી નાખતો. મેં એ વખતે તેને ચેતવ્યો હતો કે, શહેરમાં નોટ ફેરવતો નહીં. કારણ કે શહેરવાળા થોડા ચાલાક હોય છે. ગામડામાં જ નોટ ફેરવજે.”
ચાલું વાતમાં એક ક્ષણ રોકાઈને, થોડા ગળગળા થઈને સલીમે ઉમેર્યું, “સાહેબ, ગોપાલનું બધું જ બરાબર ચાલી રહ્યું હતું. પણ મારી જ મતી ફરી. મને લાગ્યું કે, આ રીતે ગોપાલનું ગુજરાન તો ચાલશે; પણ મોટો માલ નહીં મળે. સાહેબ, એ પકડાયો એના ત્રણ દિવસ પહેલાં જ મારે ફોન પર એની સાથે વાત થઈ હતી. મેં એને એક નવો આઇડિયા પણ આપ્યો હતો. પણ મને જરા સરખોય અંદાજ નહોતો કે, મારો આઇડિયા ફેલ જશે! અને અંતે ગોપાલ પોલીસ કસ્ટડીમાં આવી જ ગયો.”
ચૌધરીએ પૂછ્યું, “કેવો આઇડિયા આપ્યો હતો.”
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
૪. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા (કિંમત રૂ. ૫૦૦)
૫. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમત રૂ. ૩૦૦)
૬. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા (કિંમત રૂ. ૩૦૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.








