Vadodara SSG Hospital: વડોદરાની SSG હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સરપ્રાઇઝ મુલાકાત દરમિયાન રેસિડેન્ટ ડૉક્ટરોએ સાઇકાઇટ્રિક વિભાગના એક એસોસિએટ પ્રોફેસર વિરુદ્ધ ગંભીર ફરિયાદો કરી હતી. ફરિયાદ મળ્યા બાદ આરોગ્ય વિભાગે ત્વરિત કાર્યવાહી કરતાં ડૉ. ચિરાગ બારોટની વડોદરાથી ભાવનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે તાત્કાલિક બદલી કરી છે.
ગત રોજ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વડોદરાની SSG હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. આ દરમિયાન તેમણે મેડિકલ વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડૉક્ટરો સાથે સંવાદ કર્યો હતો. ત્યારે સાઇકાઇટ્રિક વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરોએ મંત્રી સમક્ષ ડૉ. ચિરાગ બારોટ વિરુદ્ધ લેખિત ફરિયાદ રજૂ કરી હતી.
ફરિયાદમાં મેડિકલ કોલેજના R1, R2, R3 અને સિનિયર રેસિડેન્ટ સહિત આશરે 18 તબીબોએ ગંભીર આક્ષેપો કર્યા હતા. રજૂઆત અનુસાર, ડૉ. બારોટ દ્વારા રેસિડેન્ટ ડૉક્ટરોને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
રેસિડેન્ટ ડૉક્ટરોની લેખિત ફરિયાદમાં રેગિંગ, અભદ્ર મેસેજ મોકલવા, કામકાજના સમય બાદ પણ અયોગ્ય માંગણીઓ કરવા, હોસ્ટેલના રૂમ નંબર પૂછવા અને ચાલુ કામ દરમિયાન અશ્લીલ ટિપ્પણીઓ કરવા જેવા ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. ઉપરાંત થીસીસ અને પરીક્ષામાં ફેલ કરવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
મામલાને ગંભીરતાથી લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના આપી હતી. ત્યારબાદ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ડૉ. ચિરાગ બારોટની સરકારી મેડિકલ કોલેજ, વડોદરાથી સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે તાત્કાલિક અસરથી બદલી કરી છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને તબીબોની સુરક્ષા, માન-સન્માન અને માનસિક શાંતિ સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં. રેગિંગ, શારીરિક કે માનસિક શોષણ અને ગેરવર્તણૂક સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
મંત્રીએ કહ્યું હતું કે, વડોદરા મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અને ફરિયાદોને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતની કોઈપણ મેડિકલ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓ કે તબીબો સાથે હેરાનગતિ કે અશિસ્ત ચલાવી લેવામાં આવશે નહીં અને ભવિષ્યમાં પણ આવા મામલામાં કડક કાર્યવાહી કરવામાં આવશે.








