Friday, September 4, 2026
HomeGujaratગુજરાત પોલીસ કંટ્રોલરૂમને જાણ કર્યા વગર રાજસ્થાન કેમ ગઈ? | શતરંજ- 18

ગુજરાત પોલીસ કંટ્રોલરૂમને જાણ કર્યા વગર રાજસ્થાન કેમ ગઈ? | શતરંજ- 18

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-18, નવજીવન ન્યૂઝ): નિઝામે પોતાની જિંદગીની શરૂઆત એક ગૅરેજ-મિકૅનિક તરીકે રાજસ્થાનના બાડમેરમાં કરી હતી. પાંચ ભાઈઓમાં સૌથી નાનો હતો. તેના ભાગે તો ક્યારેય સ્કૂલે જવાનો વખત પણ ન હતો. રેતાળ પ્રદેશમાં ઊડતી માટીની ડમરીઓ વચ્ચે તેની જિંદગીની શરૂઆત થઈ. તેને પણ ખબર ન હતી, આ ડમરીઓ તેની જિંદગીને ક્યાં લઈ જશે. નાનો હતો ત્યારે જિદ્દી અને ગુસ્સાવાળો હતો. તેની ઇચ્છા પ્રમાણે જ થવું જોઈએ તેવા તેનાં લક્ષણો જોતાં પિતાને લાગ્યું કે હવે આને કામે લગાડવો પડશે. તેના પિતા તેને એક પરિચિતના ગૅરેજ ઉપર નોકરીએ મૂકવા ગયા ત્યારે તેની ઉંમર માત્ર અગિયાર વર્ષની હતી. તે દિવસે તેણે લાલ કલરની ચડ્ડી અને પીળા કલરનું હાફ ઉપબાયનું શર્ટ પહેર્યાં હતાં. નિઝામને ગૅરેજવાળાએ ઉપરથી નીચે સુધી જોયો… તેને લાગ્યું કે આટલું બટકું શું કામ કરશે. નિઝામ નાનો હતો, પણ સામેની વ્યક્તિની નજર વાંચી શકતો હતો. તેણે તરત ગૅરેજવાળાને જવાબ આપ્યો, “ચાચા, આપ બોલો વો કામ કરૂંગા.” તેમ કહી નજીકમાં પડેલા એક કપડાના ગાભાને લઈ ગૅરેજમાં રિપૅરિંગ માટે આવેલી કારને ગાભો મારવા લાગ્યો અને પછી પિતા અને ગૅરેજ-માલિક સામે જોતાં કહ્યું : “કૈસે ચમકા દિયા ના?” ગૅરેજવાળાએ રોજના પાંચ રૂપિયાના પગારે નિઝામને રાખી લીધો. થોડા દિવસમાં નિઝામને પણ મજા પડી ગઈ. તેને મજા તો કામ કરતાં બપોરે શેઠના ઘરેથી આવતા ટિફિનને કારણે પડી ગઈ હતી. તે કામ કરતાં કરતાં ઘડિયાળ સામે જોયા કરતો. તેને લાગતું કે ક્યારે બે વાગે અને શેઠ ટિફિન ખોલે. શેઠ તેને પોતાના ટિફિનમાં જ જમાડતા હતા. ઘણી વખત મીઠાઈ હોય તો કોઈક વખત નિઝામને ભાવતું ચિકન હોય. જ્યારે નિઝામ જમતો હોય ત્યારે શેઠ તેને ધ્યાનથી જોતા હતા, જેની નિઝામને ખબર ન હતી. નિઝામ પેટ ભરી જમતો, પછી તેના ચહેરા ઉપર જે સંતોષ હોય તે કંઈક જુદો જ હોય.

મોટા ભાગે તેને તો રિપૅરિંગ પછી ગ્રાહકને કાર આપવાની હોય તેની સફાઈ કરવાની રહેતી હતી. મોટા ભાગના ગ્રાહકો કાર લેવા આવે ત્યારે નિઝામને કામ કરતો જોઈ ખુશ થઈ જતા. કદાચ નાની ઉંમરને કારણે દયા ખાઈ અથવા તેનું કામ જોઈ કોઈ કોઈ ગ્રાહકો તેને ટિપમાં બે-પાંચ રૂપિયા આપી દેતા, ક્યારેક તો તેના રોજના પગાર કરતાં વધુ ટિપ મળતી હતી. પગાર તો રોજ તે ઘરે જઈ પોતાની માને આપી દેતો. તેની પાસે પૈસા રહેતા તેના કારણે તેની ઉંમરના મિત્રોમાં તે પૈસાદાર ગણાતો હતો. તે ગૅરેજ ઉપરથી આવે તેની મિત્રો રાહ જોતા હતા. પછી તે તેમની સાથે ક્યારેક આઈસક્રીમની લારી ઉપર તો ક્યારેક જુગાર રમાતો હોય ત્યાં પહોંચી જતો. હજી તે નાનો હતો. તેને આઈસક્રીમ ખાવાની મજા આવતી હતી. એટલી પાનાં રમવામાં આવતી ન હતી, છતાં તેની જાણ બહાર તે, એ તરફ જઈ રહ્યો હતો. એક દિવસ તેના અબ્બા તેને જુગાર રમતા જોઈ ગયા હતા. તેને મારતા મારતા ઘરે લાવ્યા હતા. તે રડતો હતો. ત્યારે તેણે ગુસ્સામાં બાપને જવાબ આપતાં કહ્યું : “ખેલૂંગા, રોજ ખેલૂંગા, મૈં કમાતા હૂં… મૈં કુછ ભી કરૂં… મુઝે આપકી તરહ ગરીબ નહીં રહના હૈ.” નિઝામનો બાપ અને મા ધ્રુજી ગયા હતા. તેમણે મનોમન માની લીધું કે નિઝામ કોઈક અલગ દુનિયામાં જઈ રહ્યો છે, હવે તે તેમના હાથમાં નથી. નિઝામની માએ વાક્ય સાંભળતાં જ હાથમાં સાવરણી લીધી ત્યારે તેની આંખમાં આંસુ દોડી આવ્યાં. તેણે નિઝામને ફટકારતાં કહ્યું : તું બડા હો ગયા હૈ? અબ્બુ સે જબાન લડાયેગા? કુછ ભી કરેગા? હમ ગરીબ હૈ. નિકલ જા હમારે ઘર સે.” કહી તેને ઘરની બહાર ધક્કો માર્યો. રડતાં રડતાં તે જતો રહ્યો. તે ગયો ત્યારે તેનાં મા-બાપ પણ ઘરમાં રડી રહ્યાં હતા.

- Advertisement -

રાત થઈ ગઈ. ગામ સૂઈ ગયું હતું, પણ નિઝામના ઘરે કોઈ સૂતું ન હતું. કારણ કે હજી નિઝામ આવ્યો ન હતો. માને પોતાના બોલવા ઉપર પસ્તાવો થતો હતો. તેને ખબર ન હતી કે નિઝામ ખરેખર જતો રહેશે. નિઝામને પણ જતા રહેવું હતું. તેને પોતાની ઉપર પણ ગુસ્સો હતો, કે તેને કોઈ દિવસ સ્કૂલે જવા મળ્યું નથી. તેને ગુસ્સો હતો… તેના પિતાની ઓછી આવક હોવાને કારણે સારાં કપડાં કે સારું ખાવાનું મળ્યું નથી. તેના નાનકડા મનમાં જે વિચારો હતા, તે પ્રમાણે જુગારમાં ખૂબ પૈસા મળે તો તે સારું ઘર બનાવશે. તેનાં મા-બાપ અને ભાઈઓ સારી રીતે રહેશે. તેને લાગતું કે કોઈ તેને સમજી શકતું ન હતું. નિઝામનો મોટો ભાઈ હતો, નૂરુ. તેને નિઝામ સાથે અનહદ લગાવ હતો. તે રાતે નિઝામને શોધવા નીકળ્યો. પહેલાં સૂઈ ગયેલા મિત્રોના દરવાજા ખખડાવી તેમને ઉઠાડી નિઝામ વિશે પૂછ્યું. પણ તેમને ખબર ન હતી. આખરે તે રામના ઘરે ગયો. રામ સાથે તેની સારી મિત્રતા હતી. જ્યારે નૂરુ રામના ઘરે ગયો ત્યારે રામને પણ ચિંતા થઈ કે નિઝામ ક્યાં ગયો હશે. જ્યારે જુગાર રમતી વખતે અચાનક નિઝામના પિતાજી આવ્યા ત્યારે નિઝામના તમામ મિત્રો ત્યાંથી ભાગી નીકળ્યા હતા. જેમાં રામ પણ હતો. પછી તેણે નિઝામને જોયો જ ન હતો.

નૂરુ ત્યાંથી નીકળ્યો. તેની ચિંતામાં વધારો થઈ રહ્યો હતો. ક્યાં ગયો હશે તેનો ભાઈ. તે જ્યારે પાછો ફરી રહ્યો હતો ત્યારે ગામના એસ.ટી સ્ટૅન્ડ ઉપર નજર પડી… રાતે તો કોઈ બસ પણ આવતી ન હતી. એટલે ત્યાં માણસોની અવરજવર તો ના જ હોય અને અંધારું પણ હતું, એટલે તે બસ-સ્ટૅન્ડની નજીક હોવા છતાં બરાબર જોઈ શકતો ન હતો. તેને લાગ્યું કે સ્ટૅન્ડના બેસવાના પાટિયા ઉપર કોઈ સૂઈ રહ્યું છે. તે નજીક ગયો. જોયું તો તે નિઝામ જ હતો. ટૂંટિયું વાળી ઘસઘસાટ ઊંઘતો હતો. નૂરુ દ્રવી ઊઠ્યો. તેણે નિઝામને ટટોળ્યો. તે સફાળો જાગી ગયો. પહેલાં તો અંધારાના કારણે નિઝામને પણ કોણે જગાડ્યો તેની ખબર પડી નહીં. પછી તેના કાને અવાજ પડ્યો : “બેટા નિઝામ, ઘર ચલ.” તે પોતાના ભાઈનો અવાજ ઓળખી ગયો. તે તેને વળગી પડ્યો. કંઈ પણ બોલ્યા વગર ભાઈની આંગળી પકડી તે ઘર તરફ ચાલવા લાગ્યો. ખરેખર તો તેને પણ ઘરે જવું હતું, પણ નાનકડા નિઝામનો મોટો અહં ઘરે જતા રોકતો હતો. માએ તેને કહ્યું હતું કે ઘરની બહાર જતો રહે માટે જતો રહ્યો હતો. પણ પછી ક્યાં જવું તેની ખબર ન હતી અને કોઈ બોલાવે નહીં ત્યાં સુધી ઘરે જવું ન હતું.

નૂરુ તેને ઘરે લઈ પહોંચ્યો ત્યારે રાતના એક વાગ્યો હતો. મા તેને જોતાં જ વળગીને રડી પડી. તેને જમાડ્યો અને પછી છાતીસરસો ચાંપી સૂઈ ગઈ. ત્યારે નિઝામને જે સુરક્ષિતતાનો અનુભવ થયો તે પહેલાં ક્યારેય થયો ન હતો તેવું લાગ્યું ન હતું. બાડમેરના આ નાનકડા નિઝામને દેશના ત્રણ રાજ્યની પોલીસ શોધતી થશે, તેવી કોઈને ક્યારેય કલ્પના ન હતી. બાડમેરના લોકો પણ જ્યારે અખબારમાં નિઝામના સમાચાર વાંચતા ત્યારે તેમનું મન પણ નિઝામ આવું કરી શકે તેવું માનવા તૈયાર ન હતા. અખબારમાં નિઝામના અવારનવાર સમાચાર આવતા તેનો આઘાત તેની અમ્મી સહન કરી શકી નહીં, તેમનું ઇન્તકાલ થઈ ગયું હતું. ઘરમાં અબ્બા હતા. પણ જે દિવસે નિઝામના સમાચાર આવ્યા હોય તે દિવસે નૂરુ અખબાર સંતાડી દેતો હતો જેથી કરી તેના પિતા સમાચાર વાંચી દુ:ખી ના થાય.

- Advertisement -

નૂરુ રાજસ્થાનની વીજ કંપનીમાં નોકરીએ લાગ્યો હતો. ઘણી વખત તેની ઑફિસમાં પણ નિઝામની ચર્ચા નીકળતી ત્યારે તેનો ભાઈ ગૅંગ્સ્ટર બની ગયો છે તે વાતને લીધે તેને શરમ પણ આવતી હતી અને ભાઈ હોવાને કારણે નિઝામ અંગે દુ:ખ પણ હતું. શરૂઆતના સમયમાં તો નિઝામ પકડાય ત્યારે પોતાના ભાઈ તરીકેની ફરજ નિભાવવા પોલીસ સ્ટેશન અને કોર્ટમાં પહોંચી જામીન પણ કરાવતો હતો. તે તેને સલાહ પણ આપતો હતો ત્યારે નિઝામ તેને ફિલ્મી ડાયલૉગ કહેતો કે, “ભાઈ, ઇસ ધંધે મેં યુ ટર્ન નહીં હોતા.” પછી તો નિઝામે જ નૂરુને સલાહ આપી હતી કે તું મને મળવા માટે આવીશ નહીં, કારણ તું સરકારી અમલદાર અને આબરૂદાર છે, શું કામ તારી જિંદગી બગાડે છે?”

બીજી તરફ એસીપી દિનેશ નાયરની ટીમ સોલાપુર પહોંચી ગઈ હતી. આમ તો નાયરને પોતાના હોદ્દા પ્રમાણે બાય ઍર જવાની મંજૂરી હતી, પણ તેમને હતું કે કૉન્સ્ટેબલથી લઈ ઇન્સ્પેક્ટર સુધીના લોકો સાથે મિત્રતા થાય તે જરૂરી છે. કારણ કે જે બાબતો પોલીસ-ટ્રેનિંગ કે પછી ઇન્ડિયન પિનલ કોડનાં પુસ્તકોમાં શીખવા નથી મળતી તે આમની સાથે શીખવા મળે છે, તેથી તેમણે સોલાપુર બાય ઍર જવાને બદલે તોમર અને રાવ સાથે બાય રોડ ટ્રાવેલ કરવાનું મુનાસિબ માન્યું હતું. આખા રસ્તામાં તે વિનય તોમર અને મહેશ રાવ પાસે ‘તમે કેવી રીતે ઇન્ફર્મેશન એકઠી કરો છો, બાતમીદાર કેવી રીતે તૈયાર થાય, અગાઉનાં ઍન્કાઉન્ટર કેવી રીતે થયાં, ક્રાઇમ-બ્રાન્ચમાં પોસ્ટિંગ લેવા માટે કોને કેટલા પૈસા આપવા પડે’ તેવા અનેક પ્રશ્નો પૂછ્યા હતા. તોમર અને રાવને લાગતું કે ‘સાહેબ એક દિવસમાં બધું શીખી જવા માગે છે’ …પણ નાયર તેમના સિનિયર હોવાને કારણે કંટાળો આવતો હોવા છતાં તે બંને જવાબ આપી રહ્યા હતા.

નાયર બંને સાથે વાત કરતાં બહુ આદરપૂર્વક તેમની વાતો સાંભળી રહ્યો હતો. નાયરને લાગતું કે હજી સુધી તેણે કોઈ ગુનેગારને સરખી રીતે માર્યો પણ નથી, જ્યારે આ બે છોકરડાઓ પાંચ પાંચ ઍન્કાઉન્ટર કરીને બેઠા! તેમનો ચહેરો જોતાં તેમના ચહેરા ઉપરથી માખી પણ ઊડતી નથી. બૅંગલોર પહોંચતાં સુધી તેમની વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. સોલાપુર પહોંચ્યા ત્યારે સોલાપુર પોલીસની એક કાર પહેલાંથી તેમની રાહ જોઈ ઊભી હતી. નાયરે ફોન કરી સોલાપુર પોલીસના પોતાના બૅચમેટ નયન કુલકર્ણીને જાણ કરી દીધી હતી. કુલકર્ણીએ નાયર માટે આઇપીએસની મેસમાં અને તેમના અન્ય સ્ટાફ માટે એક સારી કહેવાતી હોટલમાં વ્યવસ્થા કરી રાખી હતી.

- Advertisement -

ગુજરાત પાસિંગની બે કાર જોતાં સોલાપુર પોલીસે તેમની કાર અટકાવી. નાયરે પોતાનો પરિચય આપતાં પોલીસે તેમને સલામ કરી અને ડ્રાઇવરે પોતાની પાછળ આવવાની સૂચના આપી હતી. પહેલાં બધા પોલીસની મેસમાં ગયા અને પછી તોમર અને રાવ સાથેના સ્ટાફને હોટલમાં ડ્રૉપ કરી દીધા હતા. લાંબી મુસાફરીને કારણે બધા થાકી ગયા હતા. નાયર બહુ એક્સાઇટ હતો. તેના મનમાં હજી કેટલાક પ્રશ્નો બાકી હતા. જો નિઝામ જેવા ગુનેગારને પકડવો જ હોય તો શા માટે ગુજરાત પોલીસના સરકારી વાહનમાં તેઓ નીકળ્યા નહીં! નિયમ પ્રમાણે રાજ્યની બહાર જતાં સ્ટેટ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવી પડે, પણ વછરાજાની સરે કંટ્રોલરૂમને જાણ કરવાની કેમ ના પડી હશે?! આ બધા વિચારો વચ્ચે તેમને ઊંઘ આવી ગઈ, તેની ખબર જ ના પડી.

(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular