Thursday, April 23, 2026
HomeBusinessયુક્રેન વોર, કોરોના ઉત્પાત અને વધતાં ફુગાવા છતાં સોના/ચાંદીના ભાવ નવા તળિયા...

યુક્રેન વોર, કોરોના ઉત્પાત અને વધતાં ફુગાવા છતાં સોના/ચાંદીના ભાવ નવા તળિયા કેમ શોધે છે?

- Advertisement -

ફુગાવાના અજગરને કોથળે પૂરવા વર્ષાત સુધીમાં ફેડ તેના વ્યાજદર બમણા કરી નાંખશે

છેલ્લા એક વર્ષમાં સોનું માત્ર ૩.૭૦ ટકા ઘટ્યું છે, તેની તુલનાએ ચાંદી ૨૭.૫ ટકા ઘટી ગઈ

- Advertisement -

રોકાણકારો પૂછી રહ્યા છે કે શું ૧૭૦૦ ડોલરના ભાવે સોનામાં લેણ કરવું સલામત ગણાશે?

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): અસંખ્ય ટ્રેડરો અને રોકાણકારોને એ સમજાઈ ગયું છે કે તેજીવાળા સાથે કઇંક અજુગતું બની રહ્યું છે, તેમને આખરે એ સમજાવા લાગ્યું છે કે બુલિયન બજાર પર મંદિવાળાઓની નાગચૂડ પકડ આવી ગઈ છે. સોના ચાંદીના ભાવ એટલા બધા ઘટી ગયા છે, છતાં રોકાણકાર કે ટ્રેડર હજુ પણ લેણ (તેજીના સોદા) માંડવા કે નહીં તેની અસમનજસતા અનુભવે છે. તેઓ એવું પણ પૂછી રહ્યા છે કે યુક્રેન વોર, કોરોનાનો ઉત્પાત અને વધતાં ફુગાવા છતાં સોના ચાંદીના ભાવ નવા તળિયા કેમ શોધે છે? બુધવારે ઇન્ટ્રાડેમાં સોનાના ભાવ એપ્રિલ ૨૦૨૦ની બોટમ ૧૭૧૦.૨૦ ડોલર અને ચાંદી ૧૮.૮૧ ડોલરે બોલાઈ ગયા. શુક્રવારે અનુક્રમે ભાવ …….    ડોલર    અને .. ડોલર બોલાયા હતા.

છ કરન્સી બાસ્કેટનો અમેરિકન ડોલર ઇંડેક્સ બુધવારે ૧.૫ ટકા વધીને ડિસેમ્બર ૨૦૦૨ પછીની નવી ઊંચાઈએ ૧૦૭ પોઈન્ટ નોંધાયો, ત્યાર બાદ થોડો પોરો ખાધો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વ જમ્બો વ્યાજદર વધારશે, એવા સતત ભય વચ્ચે સતત નવી ઊંચાઈએ જવાનું નવેમ્બર ૨૦૨૧થી ડોલર ઇંડેકસે નાનાં નાના સ્ટોપ કરી, આરંભ કર્યું હતું. હવે તો વ્યાજદર વધારવાની આખી દુનિયામાં જાણે સ્પર્ધા જામી છે.

- Advertisement -

ફેડરલ રિઝર્વ હવે તો અટક્યાં વિના વ્યાજદર વધાર્યે જઇ રહી છે, ત્યારે સોનું અત્યારે ગભરાટ અનુભવી રહ્યું છે. શકયાતા એવી છે કે ફુગાવાના અજગરને કોથળે પૂરવા વર્ષાત સુધીમાં ફેડ તેના વ્યાજદર બમણા કરી નાંખશે, સેન્ટ્રલ બેન્કો સ્થિત નીતિ ઘડવૈયાઓ કોઈ પીછેહઠ કરવાના મૂડમાં નથી, તેથી છેલ્લા કેટલાંક સપ્તાહોથી તેજીવાળાની કમર ભાંગી ગઈ છે.

આથી કહી શકાય કે વર્તમાનમાં ફુગાવા વૃધ્ધિએ એ સાબિત કરી આપ્યું છે કે તમામ એસેટ્સ ક્લાસ બજારો ફુગાવાને ડિસ્કાઉન્ટ કરી ગઈ છે. વર્તમાન ભાવ વધઘટ જોઈએ તો કહી શકાય કે અસંખ્ય એસેટ્સ ક્લાસ કોમોડિટીના ભાવ સારી રીતે પુન: નિર્ધારિત થવા જઈ રહ્યા છે. કારણ કે આ બધા ઉપરાંત ઘણી બધી કોમોડિટી અત્યારે ડિસ્કાઈન્ટેડ થઈ ગઈ છે, પણ સોનાએ નિર્ધારિત ૨૦૦૦ ડોલર ઉપરની નિર્ણાયક સપાટી વટાવી નથી, તે વારંવાર ૨૦૧૧ની ઓલ ટાઈમ હાઇ સપાટી મેળવવામાં નિષ્ફળ ગયુ છે.

ચાંદી તો તેની સખી ગણાતા સોનાની ચાલ પણ જાળવી શકી નથી. છેલ્લા એક વર્ષમાં સોનું માત્ર ૩.૭૦ ટકા ઘટ્યું છે, તેની તુલનાએ ચાંદી ૨૭.૫ ટકા ઘટી ગઈ છે. સોનાએ તેજીની ચાલ પકડવામાં વારંવાર નિષ્ફળતા જોઈ છે, જે એવા દિશાનિર્દેશ આપે છે કે તેણે હજુ ઉપર જવા માટે પૂરતી સ્વસ્થતા કેળવી નથી. અલબત્ત, પ્રથમ તેને હજુ વધુ નીચે જવું છે. બજારમાં રીછડા નૃત્ય કરી રહ્યા છે, ત્યાં સુધી સોનું તેની નિયમિત સાયકલીકલ બોટમ નિર્ધારિત કરી નહીં શકે.

- Advertisement -

જ્યાં સુધી વ્યાજદર વૃધ્ધિ અને ડોલર ઇંડેક્સ વધતાં રહેશે ત્યાં સુધી બુલિયનમાં ઘટાડો ચાલુ રહેવાની સંભાવના સપ્તાહો સુધી જળવાઈ રહેશે. શક્ય છે કે કોઈક તબક્કે સોનું અને ચાંદી ઘટતા અટકી પ્રત્યાઘાતી સુધારો દાખવે અને મજબૂતી ધારણ કરે ત્યારે સમજવાનું કે હવે ભાવ તેની બોટમ સ્થાપિત કરવામાં છે. અલબત્ત, હજુ સુધી આપણે એ તબક્કે પહોંચ્યા નથી.

રોકાણકારો પૂછી રહ્યા છે કે શું ૧૭૦૦ ડોલરના ભાવે સોનામાં લેણ કરવું સલામત ગણાશે? આ પ્રશ્ન અત્યંત વાજબી છે, જેનો જવાબ, બુધવારથી આજ સુધીના સોનાના ભાવ કેટલે નીચે ગયા તેના પરથી મેળવી શકાય છે. ટેકનિકલ એનાલીસ્ટો કહે છે કે જો તેજીવાળા ૧૭૬૮ ડોલરના ભાવને તૂટતાં નહીં બચાવી શકે તો, મંદિવાળા ૧૭૨૨ ડોલર અને ૧૬૯૮ ડોલરના ભાવને લક્ષ્યાંક બનાવશે. ડોલર ઈન્ડેક્ષ અને ફેડરલ રિઝર્વની ઉતાવળી નીતિઓ સોનાને એકાદ બે વધુ મુક્કા મારી દેશે તો, ભાવ ફેબ્રુઆરી ૨૦૨૦નું તળિયું ૧૫૯૨ ડોલર પણ અશક્ય નહીં ગણાય.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular