જીંદગી આપણા ગણિત પ્રમાણે ચાલતી નથી, મુળ જુનાગઢ જિલ્લાનો વતની મોહીત મકવાણા સુરેન્દ્રમાં MBBS નો અભ્યાસ કરતો હતો અને 2014માં અચાનક તે ગુમ થઈ જાય છે, સાત સાત વર્ષથી ગુમ થયેલા મોહીતને શોધવા તેના પરિવારે કોઈ કસર છોડી નહીં કદાચ એટલે ઈશ્વરે તેમની મદદે માંગરોળના DYSP જુગલ પુરોહીતને મોકલ્યા હતા, આમ તો પોલીસના દફતરે મોહીત ગુમ થવાના ફાઈલ બંધ થઈ ગઈ હતી, પરંતુ જુગલ પુરોહીતે સાત વર્ષ જુના કેસને ફરી ખોલી તપાસ કરતા મુંબઈના અંબરનાથ વિસ્તારમાંથી મોહીતનો પત્તો લાગ્યો આ સ્ટોરી navajivan.in ઉપર પ્રસિધ્ધ થયા બાદ અનેક લોકોએ પોલીસની કામગીરી બીરદાવી અને ખુદ DGP આશીષ ભાટીયાએ આ સ્ટોરી ટવીટ કરી જુનાગઢ પોલીસને અભિનંદન આપ્યા હતા, પરંતુ અનેક વાંચકોને પ્રશ્ન હતો કે મોહીત સાત વર્ષ પહેલા ગુમ કેમ થયો અને સાત વર્ષ સુધી તે કયાં હતો.
આ પ્રશ્નનો ઉત્તર મેળવવા અમે મોહીતના પરિવારનો સંપર્ક કર્યો ત્યારે કેટલીક સુખદ આશ્ચર્યજનક બાબતો સામે આવી હતી, 2014માં મોહીત ગુમ થયો તેની પાછળ તેના મેડીકલના અભ્યાસનું દબાણ કારણભુત હતો, મોહીતના માતા પિતાની ખુબ ઈચ્છા હતી કે ભણવામાં હોશીયાર મોહીત ડૉકટર થાય એટલે મોહીતે મેડીકલમાં પ્રવેશ લીધો હતો, પરંતુ ત્રીજા વર્ષમાં તેને બે વિષયમાં એટીકેટી આવી હતી, મોહીતને સતત ડર લાગી રહ્યો હતો કે તે એટીકેટી સોલ્વ નહીં કરી શકે. મોહીત, સ્વભાવે આંતરમુખી હોવાને કારણે તેણે પોતાનો ડર અને મનમાં ચાલી રહેલી ગડમથલ કોઈ સામે વ્યકત કરી નહીં.
તેની પરિક્ષા નજીક હતી, અને માનસીક દબાણમાં તે ડીપ્રેશનમાં આવી ગયો, હવે જો નાપાસ થઈશ તો માતા પિતાને કેવો આધાત લાગશે તેવા ડરમાં તે સુરેન્દ્રનગરથી નિકળી મુંબઈ પહોંચ્યો હતો. સાવ અજાણ્યુ શહેર હતું કોઈ પરિચયમાં પણ ન્હોતુ, ઘણા દિવસની રખડપટ્ટી પછી મોહીતને એક ઈલેકટ્રોનીક શોપમાં નોકરી મળી હતી, મોહીતે પોતાની નવી સફરની શરૂઆત કરી હતી, જો કે ઘરે બધા ચીંતા કરતા હશે તેવી લાગણી થતાં અનેક દિવસો સુધી તે એકલામાં રડતો રહ્યો હતો, મુંબઈમાં થોડા મહિના કામ કર્યા પછી તે પુના પહોંચે છે ત્યાં એક મોલમાં બે વર્ષ સુધી કામ કરે છે, તેના મળતા પગારમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે, જો કે તેની પાસે બેન્ક એકાઉન્ટ નહીં હોવાને કારણે તે પોતાની બચતના પૈસા પોતાની પાસે જ રાખતો હતો.
બે વર્ષમાં તેની બચત રૂપિયા 2.36 લાખ થાય છે, હવે આટલી રોકડનું શુ કરવુ તે એક પ્રશ્ન હતો એક દિવસ તેનું ધ્યાન નજીકમાં આવેલા અનાથ આશ્રમમાં તરફ જાય છે, તે અનાથ આશ્રમમાં પહોંચે ત્યાં એક દાન પેટી હતી, તે પોતાની પાસે રહેલી રોકડમાંથી બે લાખ દાન પેટીમાં નાખી ત્યાંથી નિકળી જાય છે, પુનાથી નિકળી તે ત્રણ વર્ષ પહેલા પાછો મુંબઈમાં આવે છે, મુંબઈના એક મોલમાં નોકરી કરે છે, રહેવા ઘર ન્હોતુ એટલે નોકરી પુરી કરી મોલના સ્ટોરમાં સુઈ જતો હતો, આ જ મોલમાં થાણેનો સલીમ શેખ નોકરી કરતો હોય છે, સલીમ અને મોહીતની મિત્રતા થાય છે એક દિવસ સલીમ તેને પોતાના ઘરે જમવા લઈ જાય છે, સલીમની પત્નીને જયારે ખબર પડે છે કે મોહીત સ્ટોરમાં રહે છે ત્યારે ખુબ માઠુ લાગે છે.
રેશ્મા વિનંતી કરે છે કે અંબરનાથમાં તેમનો એક ફલેટ છે જેમાં બધી જ સુવીધા છે, મોહીત તેમા રહી શકે છે, પણ મોહીતને સંકોચ થતો હતો, સલીમ અને રેશ્મા કહે છે અમારે કોઈ સંતાન નથી તુ અમારા દિકરા જેવો છે તુ ત્યાં રહી શકે છે, એટલે સલીમ અને રેશ્માના ફલેટમાં મોહીત રહેવા આવે છે, મોલની નોકરી છોડી મોહીત એખ સોફટવેર કંપનીમાં ડેટા ઓપરેટરનું કામ શરૂ કરે છે, આ દરમિયાન રેશ્મ અને સલીમ તેને અનેક વખત તેના પરિવાર અંગે પુછે છે પણ મોહીત પોતાના ભુતકાળની વાત કરવા તૈયાર થતો નથી, રેશ્મા તેને સમજાવે છે કે તારો પરિવાર તારી ચીંતા કરતો હશે એક વખત વાત તો કર, પણ મોહીતને ઘરે ફોન કરવાની હિમંત થતી નથી.
આ દરમિયાન રેશ્માને દુબઈમાં કામ મળતા તે દુબઈ જાય છે અને સલીમ થાળેમાં કેટરીંગનું કામ શરૂ કરે છે, કોરોનાકાળમાં મોહીત મુશ્કેલીમાં મુકાય છે, પહેલા તો તેની કંપની તેને ઘરેથી કામ કરવાની સુચના આપે છે, પણ કંપનીનું કામ ઘટી જતા મોહીતને મળતા પૈસા નહી બરાબર થઈ જાય છે, પણ દુબઈમાં રહેલી રેશ્મા બધાની ચીંતા કરે છે, તે પોતાના પરિવાર અને મોહીત માટે દુબઈથી સાડા ત્રણ લાખ મોકલે છે, એક તરફ આપણે હિન્દુ મુસ્લીમના નામે લડી મરીએ છીએ ત્યારે રેશ્મા અને સલીમ એક હિન્દુ યુવકના માતા પિતા કરતા પણ વધુ થવાનો પ્રયત્ન કરે છે, મોહીત હવે પોતાના પરિવાર પાસે પાછો આવી ગયો છે તેની દુબઈમાં રહેલી રેશ્માને ખબર નથી મોહીત તેને સમાચાર આપવા આતુર છે કે હું મારા મમ્મી પપ્પા પાસે પાછો આવી ગયો છુ. મોહીત પોતાને પરિવારને મળી ગયો છે મોહીત અને તેનો પરિવાર જુનાગઢના એસપી વાસમતેજા શેટ્ટીને આભાર માનવા રૂબરૂ ગયા હતા.
મોહીત કેવી રીતે મળ્યો તે વાંચવા નીચેની લીંક કલીક કરો