કોઈ માણસનું મૃત્યુ થાય તેની પીડા કરતા પરિવારનો કોઈ ગુમ થાય તેની પીડા વધારે હોય છે કારણ મૃત વ્યકિતની કોઈ રાહ જોતુ નથી, પણ ગુમ થનાર વ્યકિત કયારે પાછી ફરશે તેની યાદમાં આંખોના આંસુ પણ સુકાઈ જાય છે, આવી જ એક ઘટના સાત વર્ષ પહેલા જુનાગઢ જિલ્લા માંગરોળ નજીક આવેલા શેરિયાજ ગામમાં ઘટી હતી, ભણવામાં ખુબ હોશીયાર મોહીત મકવાણાએ 12મું ધોરણ પાસ કર્યા પછી સુરેન્દ્રનગરની સી યુ શાહ કોલેજમાં મેડીકલમાં પ્રવેશ લીધો હતો, અત્યંત સામાન્ય પરીવારનો મોહીત ડૉકટર થઈ ઘરે આવશે તેવી મા-બાપ રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ત્રીજા વર્ષમાં આવેલો મોહીત તા 2 ફેબ્રુઆરીના 2014ના રોજ સંપર્ક વિહોણો થયો, માતા પિતાએ કોલેજમાં તપાસ કરી પણ તેનો પત્તો લાગ્યો નહીં, પહેલા મિત્રો અને સગાસંબંધીઓને તપાસ કરી પણ કોઈ ભાળ મળી નહીં આખરે મામલો સુરેન્દ્રનગર પોલીસ પાસે ગયો, પોલીસે નિયમ પ્રમાણે જાણવાજોગ ફરિયાદ નોંધી પણ મોહીતની ભાળ મળી નહીં.
મોહીતના પિતા અને કાકા મોહીતને શોધવા રાત દિવસ દોડી રહ્યા હતા, પણ તેનો પત્તો ન્હોતો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે રજુઆત કરતા મામલો સુરેન્દ્રનગર ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશીયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવ્યોે, સુરેન્દ્રનગરની આ બંન્ને એજન્સીઓ કામે લાગી પરંતુ તેમની દોઢ વર્ષની મહેતન પછી સુરેન્દ્રનગર પોલીસને કોઈ સફળતા મળી નહીં. આમ તો સુરેન્દ્રનગર પોલીસે હવે આગળ કઈ થશે નહીં તેવુ માની લીધુ હતું, પણ જેનો દિકરો ગુમ થયો હતો તેનો પરિવાર થાકી જાય કેમ ચાલે, મોહીતના પરિવારે સાંસદો અને ધારાસભ્યોને રજુઆત કરી એટલે ગૃહ વિભાગની સુચનાથી મામલો ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને 2016માં સોંપવામાં આવ્યો હતો. ગુજરાત સીઆઈડી ક્રાઈમના આઈજીપી એસ એસ ત્રિવેદ્દીએ સુરેન્દ્રનગર પોલીસ પાસેથી આવેલા તપાસના કાગળો જોયો અને તેમણે સીઆઈડી ક્રાઈમના ડીવાયએસપી જુગલ પુરોહીતને પોતાની ચેમ્બરમાં બોલાવી આ કેસ સંભાળી મોહીતને શોધવાની સુચના આપી હતી.
આમ તો જુગલ પુરોહીત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના ફ્રોડ સેલમાં કાર્યરત હતા, પરંતુ સિનિયર અધિકારીની સુચના હોવાને કારણે તેમણે તપાસ સંભાળી, મોહીતના ગુમ થવાની ઘટનામાં પોલીસ સામે અનેક અડચણો હતી, પહેલી મોહીતની તપાસના કાગળો જોતા સ્પષ્ટ થતુ હતુ કે તે સ્વૈચ્છાએ ગયો છે, જે વ્યકિત પોતે ગુમ થવા માંગતો હોય તેને શોધવો મુશ્કેલ હોય છે. મોહીત ગુમ થવાની ઘટનાને બે વર્ષ જેવો સમય થઈ ગયો હતો જેના કારણે નિયમ પ્રમાણે તેના ફોનની જુની કોલ ડીટેઈલ મેળવવી મુશ્કેલ હતી, સુરેન્દ્રનગર પોલીસ ખાસ્સી મહેતન કરી ચુકી હતી, એટલે નવેસરથી તેજ દિશામાં તપાસ કરવાનો અર્થ ન્હોતો, છતાં ડીવાયએસપી જુગલ પુરોહીતે નવેસરથી તપાસનો પ્રારંભ કર્યો, તેઓ સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજમાં પહોંચ્યા, મોહીતના મિત્રો, પ્રોફેસરને મળ્યા મોહીતના પરિવારના સભ્યો પાસેથી બારીકમાં બારીક માહિતી એકત્ર કરી પણ મોહીત સુધી લઈ જાય તેવી એક પણ માહિતી મળી નહીં.
જુનાગઢના એક ગામડામાં રહેતો પરિવાર થોડા થોડા દિવસે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં આવતો અને જુગલ પુરોહીત સામે લાચાર નજરે જોતો, એક પિતાની આવી સ્થિતિ જોવી પુરોહીત માટે મુશ્કેલ હતી, કયારેક પરિવાર શંકા વ્યકત કરતો કે મોહીત આ શહેરમાં છે તો કયારેક મુંબઈમાં છે તેવુ કહેતો, પરિવારની માનસીક સ્થિતિ સમજતા જુગલ પુરોહીતે ગુસ્સે અને નારાજ થયા વગર પરિવાર જયાં કહે ત્યાં તેમની સાથે જતા અને તપાસ કરતા મુંબઈ સુધી જઈ આવ્યા પછી પણ મોહીતનો પત્તો લાગ્યો ન્હોતો, સમય આગળ વધી રહ્યો હતો, પુરોહીતે પણ બે વર્ષ સુધી પ્રમાણિકપણે તપાસ કરી પણ તેઓ પણ મોહીતને શોધવામાં નિષ્ફળ ગયા, 2018માં ડીવાયએસપી જુગલ પુરોહીતની સીઆઈડી ક્રાઈમમાંથી ગાંધીનગર ખાતે બદલી એટલે તેમનો મોહીતના કેસ સાથેનો નાતો તુટી ગયો, દરમિયાન મોહીતની શોધવામાં સીઆઈડી ક્રાઈમ પણ નિષ્ફળ જતા કેસ પાછો સુરેન્દ્રનગર પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો, સુરેન્દ્રનગર પોલીસમાં મોહીત ગુમ થવાના કાગળો એક કેસ પેપર બની ગયા.
ગાંધીનગરમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા જુગલ પુરોહીતની એકાદ સવા વર્ષ પછી ફરી બદલી આવી અને તેમને જુનાગઢના માંગરોળ ખાતે ડીવાયએસપી તરીકે મુકવામાં આવ્યા હતા, સંજોગ એવા નિર્માણ થયા કે મોહીતનું ગામ શેરિયાજ તેમના તાબામાં આવતુ હતું, જુગલ પુરોહીત માંગરોળ આવ્યા છે તેવી ખબર મળતા મોહીતના પિતા અને કાકાએ ફરી પુરોહીતના ઓફિસમાં ચક્કર કાપવાનું શરૂ કર્યુ, પણ હવે સ્થિતિ એવી હતી કે તપાસ સુરેન્દ્રનગર પોલીસ પાસે હતી, તેથી તેઓ સીધી રીતે આ તપાસ આગળ વધારી શકે તેમ ન્હોતો, જો કે પોલીસ ખાતાના નિયમો સાથે મોહીતના પરિવારને કોઈ નીસ્બત ન્હોતી તેમને તો તેમનો મોહીત પાછો જોઈ હતો, પણ હવે પુરોહીત કઈ પણ કરે શકે તેવી સ્થિતિમાં ન્હોતા, પણ મોહીતનો પરિવાર થાકયો ન્હોતો, દસ દિવસ પહેલા તુઓ માંગરોળ ડીવાયએસપીની ઓફિસમાં ફરી આવ્યા, તેમણે જુગલ પુરોહીતને ફરી તપાસ કરવા વિનંતી કરી, પરિવાર સાથે વાતચીતમાં અચાનક પુરોહીતના મગજનાં એક સ્પાર્ક થયો
જુગલ પુરોહીત પોતાની ઓફિસમાંથી નિકળી માંગરોળના આરોગ્ય કેન્દ્રમાં પહોંચ્યા તેમની પાસે મોહીતનો આધારકાર્ડ નંબર હતો, તેમણે આરોગ્ય કેન્દ્રના અધિકારીને વિનંતી કરી કે આ નંબરના કાર્ડ ધારકે કોવીડની વેકસીન લીધી છે કે નહીં તેની તપાસ કરી અને જેવો મોહીતનો નંબર એન્ટર કર્યો તેની જાણકારી મળી કે આ નંબરના કાર્ડ ધારક મોહીતે મુંબઈના થાણેમાં વેકસીન લીધી છે પુરોહીતના આંખો ચાર થઈ પહેલો આનંદ એવો હતો કે મોહીત જીવીત છે અને બીજો આનંદ મોહીત મુંબઈમાં છે, વેકસીનની નોંધણીમાં એક મોબાઈલ નંબર પણ હતો, પુરોહીત પોતાની ઓફિસમાં પાછા આવ્યા અને પોતાના ટેકનીકલ ઓફિસરને મોબાઈલ નંબર આપી તપાસ કરવાની સુચના આપી તો જાણકારી મળી કે આ મોબાઈલ નંબર અન્ય કોઈ વ્યકિતનો છે તે મુંબઈની ઝુપડપટ્ટીના સરનામે છે, સાડા સાત વર્ષે પહેલી કડી મળી હતી નિયમ પ્રમાણે ગુમ થયેલી વ્યકિત સાત વર્ષ સુધી ના મળે તો તેને મૃત ધોષીત કરવામાં આવે છે,
તપાસ સુરેન્દ્રનગર પોલીસ પાસે હતી પણ હવે પોતે તપાસ કરવી જોઈએ તેવુ પુરોહીતે નક્કી કર્યુ પણ કાયદાકીય ગુંચ ઉભી થાય નહીં તે માટે જુગલ પુરોહીતે જુનાગઢ ડીએસપી રવિતેજા વાસમશેટ્ટીને કેસની માહિતગાર કર્યા, પણ ડીએસપી રવિતેજા તરફથી પણ એવો જ ઉત્તર મળ્યો કે કેસ આપણી પાસે છે કે બીજા પાસે તેના કરતા એક માણસ મળે તે જરૂરી છે તમે આગળ વધો, ડીએસપી તરફથી લીલી ઝંડી મળતા પુરોહીતે તપાસની ઝડપ વધારી, પણ હતી મોહીત મુંબઈમાં કયા છે તે શોધવુ મુશ્કે હતું, દેશના સૌથી મોટા શહેરમાં એક મોહીતને શોધવો મુશ્કેલ હતો, હવે એવી કોઈ કડીની જરૂર હતી કે જે મોહીતની નજીક લઈ જાય, આધારકાર્ડના આધારે તપાસ કરી તો બીજી કડી મળી કે મોહીતનું થાળેની સીબીઆઈ બેન્કમાં ખાતુ છે, અને બેન્કમાં તેનો એક રજીસ્ટ્રર મોબાઈલ નંબર છે, આ નંબર મહત્વનો સાબીત થયો
જુગલ પુરોહીતે આ મોબાઈલ નંબરને સર્વેલન્સમાં મુકયો તો મોહીતની હાજરી મુંબઈના અંબરનાથ વિસ્તારમાં હોવાની જાણકારી મળી , પોલીસ પાસે સાડા સાત વર્ષ પહેલાનો મોહીતનો એક જુનો ફોટો હતો પણ હવે તો મોહીત ખાસ્સો બદલાઈ ગયો હશે, તેવી ખબર હોવાને કારણે મોહીતના પિતા અને કાકાને પહેલા મુંબઈ પહોંચી જવાની સુચના આપી, જો કે તેમણે મોહીતને શોધવાનો કોઈ પ્રયત્ન કરવાનો નથી તેવી તાકીદ કરી , કારણ જો તેની મોહીતને ભનક લાગે તો ત્યાંથી ફરાર થઈ જવાની ભીતી હતી,. માંગરોળ પોલીસની ટેકનીકલ ટીમ મોબાઈલના આધારે મોહીત ઉપર બારીક નજર રાખી રહી હતી, જુગલ પુરોહીત તે જ દિવસ કોર્ટના કામે ગાંધીનગર આવ્યા હતા, તેમણે મોહીતના પિતાને કહ્યુ હતું કે જરૂર પડે હું તરત મુંબઈ પહોંચી જઈશ, પુરોહીતે મામલો રાજય બહારનો હોવાને કારણે પોતાના એસપી રવિતેજાને વાકેફ કરવા મુનાસીફ માન્યુ, પણ ડીએસપી પુરોહીત કરતા થોડુ આગળનું વિચારતા હતા,
તેમણે પુરોહીતને સુચના આપી કે જરૂર પડે તમે મુંબઈ જવા તૈયાર રહો, પણ હું મુંબઈ પોલીસના મારા બેચમેટ આઈપીએસ અધિકારીની મદદ લઉ છુ, થોડીક જ વારમાં મુંબઈની અંબરનાથ પોલીસનો જુગલ પુરોહીતનો ફોન આવ્યો ,પુરોહીતે પોતાની પાસે રહેલી તમામ વિગત મુંબઈ પોલીસને આપી, અને અંબરનાથ પોલીસ હરકતમાં આવી, પુરોહીત કોર્ટમાં પોતાની જુબાની આપી રહ્યા હતા ત્યારે સાયલન્ટ મોડ ઉપર રહેલા ફોનની રીંગ વાગી રહી હતી, પરંતુ કોર્ટમાં ફોનના ઉપયોગ ઉપર પાબંધી હોવાને કારણે કોર્ટ રૂમમાં બહાર આવી જોયુ તો અંબરનાથ પોલીસના સંખ્યાબંધ ફોન હતા પુરોહીતે વળતો ફોન કરતા સામેથી છેડેથી ફોન રીસીવ કરનાર પોલીસ અધિકારીના આનંદનો પાર ન્હોતો કારણ તેમણે મોહીતને શોધી કાઢયો હતો, મોહીતના પિતા અને કાકા પણ અંબરનાથ પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને અર્ધો કલાક સુધી મોહીત અને તેના પિતા એકબીજાને વળગી રડતા રહ્યા હતા.
આ દર્શ્ય જોઈ મુંબઈ પોલીસના આંખમાં પણ આંસુ આવી ગયા હતા, મોહીતના કાકાએ આખા પોલીસ સ્ટેશનમાં પેંડા વહેંચ્યા હતા,. મોહીત મળી ગયો છે તેવા સમાચાર મળતા પરિવારના સભ્યોએ મોહીતના સ્વાગત માટે મોહીતના કાકાના ઘરને શણગાર્યુ હતું, મોહીત ઘરે પાછો ફરતા કેવો આનંદ થયો તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી તેના માટે તેના પરિવારે તૈયાર કરેલો વિડીયો જુવો પડ઼ે,. પણ મોહીત પાછો આવશે નહીં ત્યાં સુધી પગમાં ચંપ્પલ પહેરીશ નહીં તેવી તેની માતાએ બાધા રાખી હતી હવે તેની માતાના પગમાં ચંપ્પલ આવશે, જુઓ ભાવવિભોર વિડીયો