ગત સપ્તાહે ગુજરાતના નવા પ્રધાન મંડળની રચના પછી નવા મંત્રીઓએ કેટલો અભ્યાસ કર્યો હતો તેની ઉપર ચર્ચા શરૂ થઈ હતી ખાસ કરી રાજયના નવા ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી માત્ર આઠ ધોરણ જ અભ્યાસ કરેલો છે તેને લઈ મઝાક શરૂ થઈ હતી, આ જ પ્રકારે મંત્રી પ્રદિપ પરમાર સહિત અન્ય મંત્રીઓ પણ દસમાં સુધી જ ભણ્યા છે તેવો ઉલ્લેખ થતો હતો. હર્ષ સંઘવી ગૃહરાજય મંત્રી હોવાને કારણે UPSC પરીક્ષા પાસ કરી આઈપીએસ થયેલા અધિકારીને હવે આઠમુ પાસ હર્ષ સંઘવીને સલામ કરવી પડશે તેવી ટીખ્ખળ થઈ રહી હતી, આવુ પ્રજા જ માને છે તેવુ નથી અધિકારીઓનો મોટો વર્ગ ખાનગીમાં નારાજગી વ્યકત કરે છે તેમના મતે તેમને જે રાજનેતા સાથે કામ કરવાનું તેમની શૈક્ષણિક લાયકાત પોતાના કરતા ઓછી હોવાને કારણે તેમને સમજ પડતી નથી, આમ આ તેમનો અંતિમ મત છે, પણ આપણે જે શાસન વ્યવસ્થા સ્વીકારી છે તેમાં અધિકારી અે રાજનેતા આ બંન્નેનું સરખુ મહત્વ છે કોઈ એકબીજા કરતા ઉતરતા નથી.
યુપીએસસી અને જીપીએસસી પરીક્ષા પાસ કરી જે અધિકારીની ભુમીકામાં બેઠા છે તેમને સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન છે તે પણ સનાતન સત્ય નથી અને રાજનેતા ઓછુ ભણેલા છે તેઓ અક્કલ બુઠ્ઠા છે તેવુ પણ નથી, અધિકારીએ પોતે જે વિષયનો અભ્યાસ કર્યો છે તેનું જ્ઞાન છે જયારે રાજનેતાએ વગર અભ્યાસે વર્ષો સુધી પ્રજાના પ્રશ્ન માટે કામ કર્યુ છે તેનો અનુભવ છે, આમ સુચારૂ રાજ વ્યવસ્થા માત્ર જ્ઞાનના આધારે ચાલતી નથી તેના માટે જ્ઞાનની સાથે પ્રજાના પ્રશ્નનો અનુભવ પણ એટલે જ જરૂરી છે આમ જ્ઞાન અને અનુભવ ભેગા થાય તો પ્રજાનું કલ્યાણ થઈ શકે છે, જેઓ યુપીએસસી-જીપીએસસી પરીક્ષા પાસ કરે છે તેઓ પણ સલામને પાત્ર છે કારણે રાત દિવસ ચોટી બાંધી તેઓ મહેનત કરે છે લાખો વિધ્યાર્થીઓમાંથી માંડ પાંચસો -હજાર સરકારી વ્યવસ્થા માટે સીલેકટ થાય છે એક આઈએએસ-આઈપીએસ અધિકારીએ એક પદ મેળવવા માટે એક વખત પરીક્ષા પાસ કરવાની હોય છે ત્યારે સરપંચથી લઈ વડાપ્રધાન સુધીના રાજનેતાને પ્રજાની પરિક્ષામાં દર પાંચ વર્ષે પાસ થવાનું હોય છે.
અધિકારીને પ્રજાની પરિક્ષામાં પાસ થવાનું હોતુ નથી, અધિકારીને પ્રજાને નારાજ કરવાનું પરવડી શકે નહીં કારણ પ્રજા નારાજ થાય તો રાજનેતા નાપાસ જાહેર થાય છે, અનેક વખત મેં જોયુ છે અધિકારી પ્રજાનું નાનુ મોટુ કામ હોય ત્યારે નિયમાવલી લઈ બેસે છે. જયારે રાજનેતા નિયમોની વચ્ચે રહીને પણ કઈ રીતે પ્રશ્નનો ઉકેલ આવે તે દિશામાં વિચારે છે, હજી થોડા મહિના પહેલા મારે મારા આધારકાર્ડનું સરનામુ બદલવાનું હતું, હું તે માટે સંબંધીત અધિકારીઓ પાસે ગયો, તેમણે મને કયા કયા દસ્તાવેજની જરૂર છે તેની યાદી પકડાવી કહ્યુ આ લેતા આવો, મેં યાદી જોઈ હું મુંઝાઈ ગયો કારણ હું ટ્રસ્ટના મકાનમાં રહેતો હોવાને કારણે મારા નામે લાઈટબીલથી લઈ ટેકસબીલ ન્હોતુ, સરનામુ બદલવા માટે આ દસ્તાવેજ મહત્વનો હતો, હું ફરી મારી સમસ્યા લઈ અધિકારી પાસે ગયો તેમણે મને કહ્યુ આ દસ્તાવેજ વગર શકય જ નથી, મેં વિનંતી સાથે કહ્યુ કે મારી જેવી જ સ્થિતિ બીજા કોઈની હોય તો કોઈ રસ્તો તો હશે અધિકારીએ નન્નો ભણી દીધો.
હું એક રાજનેતાને મળ્યો તેમણે મને કહ્યુ લો આધાર કાર્ડમાં સરનામુ બદલવુ છે તે કયાં મોટો પ્રશ્ન છે, આધાર કાર્ડ માટે એક બીજી વ્યવસ્થા પણ છે કે તમારા વિસ્તારના કોર્પોરેટર-ધારાસભ્ય જો પ્રમાણિત કરી આપે કે તમે આપેલા સરનામે રહો છો સરનામુ બદલાઈ શકે છે કારણ સ્થાનિક કોર્પોરેટર-ધારાસભ્ય પોતાના મત વિસ્તારના લોકોથી પરિચીત હોય છે હું મારા કોર્પોરેટર પાસે ગયો તેમણે મને પ્રમાણિત કરી આપ્યો અને મારૂ કામ થઈ ગયુ, આ એક નાની ઘટના અને નાનુ કામ છે પણ રાજનેતા પ્રશ્ન અને ઉકેલ બંન્નેથી વાકેફ હોય છે અને તેમને પ્રશ્ન કરતા ઉકેલમાં વધુ રસ હોય છે. અધિકારીના પદ ઉપર બેઠા પછી અધિકારીને લોકોના પ્રશ્નની રાજનેતા કરતા સંવેદનશીલતા ઓછી હોય છે કારણ અધિકારીને પ્રજાની વચ્ચે જવાનો ભાગ્યે જ અવકાશ મળે છે જયારે રાજનેતા માટે લોકોની વચ્ચે રહેવુ જરૂરી હોય છે કોરોનાકાળમાં રેમડીસીવીર ઈન્જેકશનની તંગી હતી, લોકો સરકારી હોસ્પિટલમાં કતાર લગાવી ઉભા હતા.
તંત્ર નિયમ પ્રમાણે કામ કરી રહ્યુ હતું, લોકોના જીવન મરણનો પ્રસંગ હતો, તંત્ર ઈન્જેકશન પુરા પાડવામાં નિષ્ફળ જઈ રહ્યુ ભાજપના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ઈન્જેકશનનો જથ્થો લઈ આવ્યા તેમણે સુરતમાં લોકોને ઈન્જેકશન વહેચ્યા.પાટીલ ઈન્જેકશન કયાંથી અને કેવી રીતે લાવ્યા તે અંગે ખુબ વિવાદ થયો, મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો પણ પ્રાથમિકતા લોકોને ઈન્જેકશન મળે તેની હતી, જો સી આર પાટીલ આટલો મોટો જથ્થો લઈ આવ્યા તો તંત્રમાં બેઠેલા અધિકારી કેમ આવુ કરી શકયા નહીં તે પણ એક પ્રશ્ન છે સી આર પાટીલ રોજે રોજ લોકોની વચ્ચે જતાં હતા, તેઓ લોકોના પ્રશ્ન જોતા અને અનુભવતા હતા, સુરતના સનદી અધિકારીઓ પણ લોકો માટે કામ કરતા હતા પણ તેઓ પોતાની ચેમ્બરમાં બેસી પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, રાજનેતા રસ્તા ઉપર ઉતરી સ્થિતિનો તાગ મેળવી તંત્રમાં રહેલા અધિકારીને વાકેફ કરતા હતા, આમ રાજનેતાના શિક્ષણ કરતા તે પ્રજાના પ્રશ્નને કેટલુ સમજે છે અને તેના ઉકેલ માટે કેવુ કામ કરે છે તે મહત્વનું છે, અને કોઈ અધિકારીને એવુ લાગે કે આપણે રાજનેતા કરતા હોશીયાર હોવા છતાં આપણે ઓછુ ભણેલા નેતાના હાથ નીચે કામ કરવુ પડે છે તો અધિકારીને રાજીનામું આપી રાજનેતા થતાં કોણ રોકે છે, કરો નવી શરૂઆત.









