Saturday, April 20, 2024
HomeGujaratAhmedabadસોશિયલ મીડિયાના સીઇઓ અમેરિકામાં જાહેરમાં કેમ માફી માંગી રહ્યા છે….

સોશિયલ મીડિયાના સીઇઓ અમેરિકામાં જાહેરમાં કેમ માફી માંગી રહ્યા છે….

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ‘ફેસબુક’ અને ‘ઇન્સ્ટાગ્રામ’ની માલિકી ધરાવતા ‘મેટા’ કંપનીમાં કામ કરતાં આર્ટુરો બેજાર નામનો વ્યક્તિ હવે કંપનીની જ વિરોધમાં ઊભો થયો છે. આર્ટુરોએ ‘મેટા’ કંપની માટે પંદર વર્ષ કામ કર્યું અને તેમનું કાર્યક્ષેત્ર યુઝર્સને વધુને વધુને વધુ પ્રોટેક્શન મળે તે હતું. મતલબ કે, યુઝર્સનો ડેટા સુરક્ષિત રહે, અને ક્યારેક બાળકો પણ જો સોશિયલ મીડિયા પર આવે તો તેઓ પણ તેના વળગણથી બચી શકે. પરંતુ ‘મેટા’ કંપની સાથે સતત કામ કરતા હોવા છતાં જ્યારે તેમણે પોતાના દીકરીનો જ અનુભવ ‘ઇન્સ્ટાગ્રામ’ ઉપયોગ દરમિયાન જાણ્યો તો તેઓ ડરી ગયા. તેમની 14 વર્ષની દીકરી સોશિયલ મીડિયા પર થઈ રહેલી જાતિય સતામણીથી પીડિત હતી. જે કંપનીમાં આર્ટુરો કામ કરતો હતો તે કંપનીના પ્લેટફોર્મથી જ પોતાની દીકરીની સતામણી થઈ રહી હતી. તેમણે તેમના સાથી કર્મચારીઓ સાથે વાત કરી તો જાણ્યું કે તેઓ પણ પોતાના બાળકોની આ સ્થિતિ જોઈ રહ્યા છે. અને સોશિયલ મીડિયા પર થઈ રહેલી આ પ્રકારની સતામણીથી બચવા કે ફરિયાદ કરવાનો કોઈ માર્ગ નહોતો.

mark us sanate
mark us sanate

હવે જ્યારે આર્ટુરો બેજારે આ બધું જોયું-અનુભવ્યું ત્યારે તેમને આ વાત ગંભીર લાગી અને તેમણે બાળકોના પ્રોટેક્શન માટે કંપનીએ કંઈ કરવું જોઈએ તે માટે કંપનીના સ્થાપકો સમક્ષ પોતાની રજૂઆત કરી. 2021માં તેઓ ‘ઇન્સ્ટાગ્રામ’ના સર્વેસર્વા એડમ મોસરીને મળ્યા. એડમને મળ્યા ત્યારે તેમને લાગ્યું કે તે બધી જ વાત સમજી ચૂક્યા છે. એડમ સાથેની મિટિંગમાં સોશિયલ મીડિયામાં બાળકો માટે કેવાં પ્રોટેક્શન તૈયાર કરવા જોઈએ તે માટે આર્ટુરોએ વિગતવાર વાત કરી. પરંતુ આર્ટુરોને પછીથી એમ લાગ્યું કે કાગળની વાત અમલમાં લાવવામાં ગલ્લાંતલ્લાં થઈ રહ્યા છે. આર્ટુરો ‘ઇન્સ્ટાગ્રામ’ના ચીફ એડમને મળ્યા ત્યારે તેઓ આ વિષય અંગે પૂરો અભ્યાસ કરીને ગયા હતા. તેમણે જાણ્યું કે ‘ઇન્સ્ટાગ્રામ’નો ઉપયોગ કરતાં 13થી 15 વર્ષના દર આઠમાંથી એક બાળક એક અઠવાડિયામાં અનવોન્ટેડ સેક્સુઅલ એડવાન્સનો શિકાર બને છે. આર્ટુરો માનતા હતા કે આ કંપનીની જવાબદારી બનતી હતી કે કોઈ પણ રીતે બાળકોને આ પ્રકારની પીડાથી બચાવે. કાર્યવાહી ન થતાં તેમણે ફરી વાર કંપનીના સ્થાપકોને ઇ-મેઇલ કર્યા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.

- Advertisement -
mark facebook us
mark facebook us

એવું નથી કે આ વાત માત્ર આર્ટુરોના જ ધ્યાને આવી હતી. અમેરિકામાં એવાં અનેક માતા-પિતા હતા જેમણે ‘મેટા’ અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓ પર કેસ કર્યા છે. આ બધા માતા-પિતાની એક જ ફરિયાદ હતી કે સોશિયલ મીડિયાના કારણે તેમના બાળકોની માનસિક સ્થિતિ બગડી રહી છે. પછી તો આ મુદ્દો અખબાર અને ન્યૂઝ ચેનલોમાં ધ્યાને લેવાયો; ત્યારે ‘મેટા’ કંપનીના પ્રવક્તાએ એમ કહ્યું, “અમે નિરાશ છીએ કે બાળકો માટે યોગ્ય સુરક્ષા ઊભી કરવાના બદલે એટરની-જનરલે બીજો માર્ગ પસંદ કર્યો છે.” મતલબ કે ‘મેટા’ પર થઈ રહેલાં કેસથી તેઓ ઉકેલ શોધવાના બદલે એટરની-જનરલને જ ભાંડવા લાગ્યાં. આર્ટુરો અને સોશિયલ મીડિયાથી પીડિત બાળકોના માતા-પિતા ‘મેટા’ અને અન્ય સોશિયલ મીડિયાની કંપનીઓની સામે પડ્યા હતા, તે પછી વ્હિસલબ્લોવર ફ્રાન્સિસ હોગેન પણ ‘મેટા’ કંપની સામે પડ્યા. ફ્રાન્સિસે પોતાના અભ્યાસથી એવું સાબિત કરી આપ્યું કે સોશિયલ મીડિયાથી બાળકોની માનસિક સ્થિતિ પર ગંભીર અસર થઈ રહી છે.

Mark zuckerberg
Mark zuckerberg

આ પૂરી કવાયતના પરિણામે હાલમાં ‘મેટા’, ‘ટીકટોક’, ‘સ્નેક’, ‘ડિસ્કોર્ડ’ અને ‘ટ્વિટર’ જે હવે ‘એક્સ’થી ઓળખાય છે; તે બધા કંપનીના સીઇઓએ અમેરિકામાં ‘સેનેટ જ્યુડિસરી કમિટિ’ સામે હાજર થવું પડ્યું હતું. ‘સેનેટ જ્યુડિસરી કમિટિ’ અમેરિકાના સાંસદોથી ગઠિત થયેલી કાયદાકીય સમીક્ષા કરતી સમિતિ છે. આ સમિતિ સમક્ષ જ્યારે સોશિયલ મીડિયા કંપનીના તમામ સીઇઓ હાજર રહ્યા ત્યારે તેમને અનેક પ્રશ્નોના જવાબ આપવાના થયા. જ્યુડિસરી કમિટિના પ્રશ્નો અને માતા-પિતાની વ્યથા જાણીને માર્ક ઝુકરબર્ગે એમ કહેવું પડ્યું કે, “જે રીતે આ પરિવારો પીડામાંથી પસાર થયા છે, તેવું ક્યારેય ન થવું જોઈએ.” માર્ક ઝુકબર્ગ આમ કહેવાનું કારણ એટલું જ કે થોડાં વખત પહેલાં ‘ધ ગાર્ડિયન’ અખબારે એક ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટમાં ‘મેટા’ કંપનીના ઇન્ટરનલ દસ્તાવેજોમાંથી એવી માહિતી મળી હતી કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજેરોજ એક લાખ બાળકો સાથે જાતિય સતામણી થાય છે. આ પ્લેટફોર્મના કેટલાંક ટુલ્સ તો બાળકોના ટ્રાફિકિંગમાં પણ ઉપયોગમાં લેવાય છે. ભારતમાં અત્યારે 60 કરોડ સ્માર્ટફોન યુઝર્સ છે અને તેમાં બાળકોની સંખ્યા ઝ઼ડપથી વધી રહી છે. એટલે આપણે ત્યાં જોખમ વધુ તોળાઈ રહ્યું છે.

2018માં પણ માર્ક ઝુકરબર્ગને અમેરિકાની કોંગ્રેસ સામે હાજર થવું પડ્યું હતું. એ વખતે બે દિવસ સુધી અમેરિકાના સોથી વધુ સાંસદોએ માર્ક ઝુકરબર્ગને છસ્સોથી વધુ પ્રશ્નો કર્યા હતા. માર્ક ઝુકરબર્ગને અમેરિકાની સાંસદો આગળ આ જવાબો આપવાના થયા તેનું કારણ ફેસબુકે નવ કરોડથી વધુ લોકોનો ડેટા એક પોલિટીકલ કન્સલ્ટિંગ ફર્મને આપી દીધો હતો. આ પોલિટીકલ કન્સલ્ટિંગ ફર્મ અમેરિકાની પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંકળાયેલી હતી. માર્ક ઝુકબર્ગને જે પ્રશ્નો પૂછાયા તેમાં ‘ફેસબુક’ યુઝર્સના ડેટા લિકની વાત તો હતી, પણ સાથે જે કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર કોઈ ફિલ્ટર વિના આવે છે તે પણ મુદ્દો હતો. અમેરિકા જેવાં દેશમાં જ્યારે સોશિયલ મીડિયાની કંપની પોલિટિકલ કન્સલ્ટિંગ ફર્મને ડેટા વેચીને ચૂંટણીની પૂરી પ્રક્રિયાને અસર કરી શકતી હોય, તો આપણા દેશમાં આ મામલે શું થઈ શકે તે વિચારવું રહ્યું. સોશિયલ મીડિયા દ્વારા આજે લોકોનું માનસ જાણીને બાજી પલટાવાનો ખેલ ચાલી રહ્યો છે અને તે રમત રમાઈ જાય છે ત્યાં સુધી યુઝર્સે કશો ખ્યાલ આવતો નથી.

- Advertisement -

દુનિયા હવે સોશિયલ મીડિયાના વમળમાં ફસાઈ ચૂકી છે અને તેના જોખમી પરિણામો પ્રત્યક્ષ-પરોક્ષ રીતે દેખાઈ રહ્યા છે, ત્યારે એ જરૂરી છે કે આ બાબતે થોડા કાયદા સખ્ત બને. અમેરિકામાં તો આ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આપણે ત્યાં બાળકો સાથે જાતિય સતામણીના કેસ જોઈએ તો ખ્યાલ આવે કે આ ચિત્ર કેટલું ગંભીર છે. ‘નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો’ મુજબ હાલમાં 28 ટકા બાળકો કોઈને કોઈ રીતે આ પ્રકારની સતામણીનો અનુભવ કરે છે. 2022માં 38,911 બાળકો સાથે થયેલાં બળાત્કારના કેસ નોંધાયા છે. ન નોંધાયેલા કેસો તો ખૂબ વધુ છે. આમાંથી 3500 જેટલાં કેસ ઓનલાઈન સેક્સુઅલ એક્સ્પ્લોઈટેશનના છે. સૌથી પહેલાં તો આને લઈને વ્યાપક રીતે લોકજાગ્રતિ થવી જોઈએ.

આપણા દેશમાં એ શક્ય નથી કે મોટી મોટી કંપનીના માલિકોને આ રીતે સીધા જ જવાબ આપવા પડે. સુપ્રિમ કોર્ટમાં અને સંસદમાં આપણે ત્યાં કોઈ ઉદ્યોગપતિને જવાબ આપવા આવવું પડ્યું હોય તેવા જૂજ કિસ્સા છે. અમેરિકામાં છેલ્લા પાંચ વર્ષમાં માર્ક ઝુકરબર્ગ સામે આ રીતે બે વાર જાહેરમાં જવાબ આપવા આવવું પડ્યું છે. આ પૂરી પ્રક્રિયામાં જ્યારે ‘સ્નેપચેટ’ના સીઇઓ એવન સ્પીગલ આવ્યા ત્યારે તેમની સામે એક માતાએ પોતાના બાળકે કેવી રીતે ‘સ્નેપચેટ’થી જાન ગુમાવી તેની વ્યથા કહી. ‘સ્નેપચેટ’ દ્વારા તે બાળકે ખોટી દવા મંગાવી અને તે લેવાથી તેનું મૃત્યુ થયું. આ પૂરી વ્યથા વર્ણવી ત્યારે ‘સ્નેપચેટ’ સીઇઓએ માફી માંગી. પણ બાળક ગુમાવનારા માતાને એવું જરાસરખું ન લાગ્યું કે કંપનીના પ્રતિનિધિને કોઈ અફસોસ છે.

મોટા ભાગના સીઇઓ સામે થયેલી રજૂઆતમાં તેમણે માફી માંગી. પણ સાંસદો અને પીડિત બાળકોના માતા-પિતા કંપની સામે કાર્યવાહી ઇચ્છતા હતા. આ ઉપરાંત ભવિષ્યમાં આવું ન થાય તે માટે કાયદો અને કંપની તરફથી સોશિયલ પ્લેટફોર્મ પર સુરક્ષા ઇચ્છતા હતા. જોકે હજુ સુધી કંપનીઓએ તે અંગે કશું ઠોસ નિવેદન આપ્યું નથી. સોશિયલ મીડિયાનું આ દૂષણ હવે ભવિષ્યનું નથી રહ્યું પરંતુ તે વર્તમાનનું બની ચૂક્યું છે અને શક્ય એટલાં વહેલાં તે અંગે સૌએ જાગ્રત થવું પડશે. આપણા જેવાં દેશમાં વિશેષ કાળજીની જરૂર છે, જ્યાં બાળકોની સંખ્યા વધુ છે અને ડિજિટલ નિરક્ષરતાનો દર પણ.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular