કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ફૂલન દેવીની (Phoolan Devi) હત્યાને બે દાયકાથી વધુ સમય થઈ ચૂક્યો છે અને હવે ફૂલન દેવી નામ લોકોની સ્મૃતિમાંથી પણ ભૂંસાઈ ચૂક્યું છે. પરંતુ એક વખત હતો જ્યારે ફૂલન દેવીની ચર્ચા દેશના ગલીએ ગલીએ થતી હતી અને તેના નામે પુસ્તકો લખાયાં અને જાણીતાં ડિરેક્ટર શેખર કપૂરે ‘બેન્ડિટ ક્વિન’ (Bandit Queen) નામની ફિલ્મ પણ બનાવી. ફૂલન દેવીનું નામ આજે જેટલું અજાણ્યું લાગે છે તેટલું દેશભરમાં જાણીતું હતું. વિશેષ કરીને તો એ ઘટના પછી જ્યારે 1981માં ઉત્તર પ્રદેશના બેહમાઈ ગામમાં ઠાકુર જ્ઞાતિના 20 પુરુષોને તેની ગેન્ગે હત્યા કરી. આ ઘટનાથી દેશભરમાં હાહાકાર મચ્યો અને ઉત્તર પ્રદેશ-મધ્ય પ્રદેશ સરકારે ફૂલન દેવીને પકડવાનું ફરમાન જાહેર કર્યું. જોકે તેમ છતાં બે વર્ષ સુધી ચંબલના વિસ્તારોમાં ફૂલન અને તેની ગેન્ગ પોલીસના હાથમાં ન આવ્યાં. અંતે, સરકાર અને પોલીસ દ્વારા ફૂલનને સમર્પણ કરવા માટે મનાવવામાં આવી. એક તરફ સરકાર કોઈ પણ હિસાબે ફૂલનની ધરપકડ ઇચ્છતી હતી, પણ ફૂલનને એ રીતે પકડવી મુશ્કેલ જણાતાં, તેની સામે સમર્પણનો વિકલ્પ મૂકવામાં આવ્યો હતો. આ સમર્પણમાં ફૂલન અને તેની ગેન્ગે અનેક શરતો મધ્ય પ્રદેશ સરકાર સામે રાખી હતી. મુખ્યત્વે આ શરતો હતી : સજામાં મૃત્યુ દંડ ન થાય, વધુમાં વધુ જેલની સજા આઠ વર્ષ, તેને કે તેનાં કોઈ ગેન્ગના સભ્યને હાથકડી ન બાંધવી, ઉત્તર પ્રદેશ નહીં પણ મધ્ય પ્રદેશમાં જ જેલવાસ, આ ઉપરાંત પરિવારને જમીન અને ભાઈને સરકારી નોકરી. ફૂલનની આ બધી શરતો માનવામાં આવી અને આખરે 1983માં દુર્ગા અને મહાત્મા ગાંધીની તસવીર સામે ફૂલન અને તેનાં ગેન્ગના સાત ડાકુઓએ હથિયાર હેઠાં મૂક્યા. ભીંડ ક્ષેત્રમાં થયેલાં આ સમર્પણ વખતે મધ્ય પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી અર્જુનસિંહ હાજર હતા અને આસપાસના ગામની હજારોની ભીડ એકઠી થઈ હતી. ફૂલનની આ કથા અત્યારે માંડવાનું કારણ એટલું જ કે 1981માં જે ઠાકુરોની તેણે હત્યા કરી હતી, તેનો ચૂકાદો હાલ કાનુપરની કોર્ટે આપ્યો છે અને તેમાં એક 65 વર્ષીય વ્યક્તિને આજીવન સજા ફરમાવવામાં આવી છે. ફૂલન સહિતના બાકીના તમામ 35 આરોપીઓની આગળ સ્વર્ગીય લખાઈ ચૂક્યું છે.
ફૂલનનું સમર્પણ તેના જીવનનો એક પડાવ હતો, તે પછી પણ ફૂલન ચર્ચામાં રહી અને તેનું કદ એટલું મોટું બન્યું કે તે સાંસદ સુધ્ધા બની. જોકે તે પહેલાં તેનાં જીવનનો એ હિસ્સો જાણી લેવો જોઈએ જ્યારે તે ડકૈત બનવા મજબૂર બની. સિત્તેરના દાયકાના શરૂઆતમાં ઉત્તર પ્રદેશના જાલૌન ગામમાં ફૂલન જન્મ હતી. ગરીબ પરિવાર અને કહેવાતાં નીચલી જ્ઞાતિમાંથી તે આવતી હતી. ઉત્તર પ્રદેશ આજે પણ જ્ઞાતિ ને સમાજની બંદિશોમાંથી મુક્ત થયું નથી, ત્યારે આ વાત તો આજથી પાંચ દાયકા પહેલાની છે. ત્યારે તો ગામમાં કહેવાતાં ઉચ્ચ વર્ણના જ્ઞાતિના લોકોનો ત્રાસ રીતસરનો નીચલી જ્ઞાતિના લોકો પર થતો અને તેમાં એક દિવસ ફૂલન પણ તેમનો શિકાર બની.
ફૂલન કહેવાતાં સુવર્ણ સાથે બાથ ભીડી તે અગાઉ તો તેના કાકા અને કાકાના દીકરા સાથે જ તેમનો જમીન બાબતે વિવાદ હતો. ફૂલનના પિતા અને કાકાનો એક જમીનને લઈને વિવાદ હતો અને ફૂલન એવું દૃઢપણે માનતી હતી કે આ જમીન કોઈ પણ હિસાબે તેના કાકાની નથી, તેથી અનેક વાર તેના કાકા અને કાકાના દીકરા સાથે તેણે બાથ ભીડી. આખરે ફૂલનનો પરિવાર પણ કંટાળ્યો અને ફૂલનના લગ્ન પુટ્ટીઆલ નામના એક વ્યક્તિ સાથે કરાવ્યા. આના બદલામાં પુટ્ટીઆલે ફૂલનના પરિવારને સો રૂપિયા આપ્યા, એક ગાય અને સાયકલ આપી. ફૂલન કરતાં પુટ્ટીઆલ ત્રણ ગણી ઉંમર ધરાવતો હતો, એટલે પરિવારે એમ નક્કી કર્યું કે ફૂલન ત્રણ વર્ષ પછી પુટ્ટીઆલ સાથે રહેવા જશે. પહેલાં પરિવારની જમીન ગઈ, તે પછી પુટ્ટીઆલ જેવાં મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન, અને તે પછી જે ઘટના બની જે કારણે તે ચંબલના ડાકુઓમાં સામેલ થઈ. તે ઘટના બની 1979માં જ્યારે બાબુ ગુજ્જરના ડાકુએ ફૂલન દેવીનું તેના ઘરેથી અપહરણ કર્યું. બાબુ ગુજ્જરે અનેક વાર તેના પર બળાત્કાર ગુજાર્યો. બાબુ ગુજ્જરના ગેન્ગમાં વિક્રમ મલ્લાહ સેકન્ડ ઇન કમાન્ડ હતો. બાબુ ગુજ્જર દ્વારા જે અત્યાચાર ફૂલન પર થઈ રહ્યો હતો તેનો વિરોધ વિક્રમે કર્યો. જોકે તે અત્યાચાર અટક્યો નહીં, અંતે વિક્રમે બાબુ ગુજ્જરની હત્યા કરી અને તે જ ગેન્ગનો લીડર બન્યો. અને તે પછી વિક્રમના ગેન્ગમાં ફૂલન સામેલ થઈ. વિક્રમ તરફથી જ ફૂલનને રાઇફલ ચલાવવાની ટ્રેઇનિંગ મળી. વિક્રમની આગેવાનીમાં આ રીતે બે વર્ષ સુધી ફૂલન ડાકૂ બની. ગામના વાહનો અને કહેવાતાં ઉચ્ચ વર્ણને લૂંટતા રહ્યા. કેટલીક વાર આ જૂથે પોલીસ સ્ટેશનમાંથી પોલીસનો યુનિફોર્મ પણ લૂંટ્યા. આ ગેન્ગ ચંબલના અનેક વિસ્તારોમાં સતત ફરતી રહેતી અને તેમાં ફૂલનનું નામ ચર્ચામાં આવ્યું. ફૂલન એકએક કરીને તેની સાથે ખરાબ વર્તન કરનારાઓને શોધતી અને તેમને ફટકારતી કે મારી નાંખતી. ફૂલનના ટારગેટમાં તેના કાકા અને કાકાનો દીકરો હતો; તે પછી તેનો પતિ પુટ્ટીઆલ પણ આવ્યો. પુટ્ટીઆલને તેણે બેરહમીથી ફટકાર્યો. ફૂલનની આ વાત પૂરા ઉત્તર પ્રદેશમાં પ્રસરી અને કહેવતી નીચલી જ્ઞાતિમાં તેનું નામ પ્રસરવા લાગ્યું. ફૂલન તેમનું જાણે સુરક્ષા કવચ બની. પ્રથમ વાર ઠાકુર અને સવર્ણ કહેવાતાં જ્ઞાતિના લોકોમાં ડર પ્રસર્યો. આ જ કારણે તેને ગ્રામવાસીઓ ‘ડાસ્યુ સુંદરી’[બ્યુટીફૂલ બેન્ડિટ] નામે પોકારવા લાગ્યા. ફૂલન અમીરો પાસેથી બધું લૂંટતી અને ગરીબોને તે આપતી. ફૂલનનું આ સામ્રાજ્ય ત્યારે તૂટ્યું જ્યારે 1980ના અરસામાં રામસિંગ ઠાકુર જેલમાંથી છૂટ્યો અને તેણે ઠાકુર લોકોને લઈને એક ગેન્ગ બનાવી. રામસિંગ અને વિક્રમ મલ્લાહની ગેન્ગ વચ્ચે પાવર વોર શરૂ થઈ. આખરે રામસિંગે વિક્રમની હત્યા કરી અને ફૂલન દેવીનું અપહરણ કર્યું. ફૂલન દેવીને રામસિંગ બહેમાઇ ગામે લઈ ગયો અને ત્યાં તેણે અન્ય ઠાકુર સાથે મળીને તેનાં પર બળાત્કાર ગુજાર્યો. અહીંયા જ રામસિંગે તેને નગ્ન કરીને કુવામાંથી પાણી કાઢવા મજબૂર કરી. ફૂલનને નગ્ન જોવા માટે પૂરું ગામ ભેગું થયું હતું.
રામસિંગના દાબામાંથી ફૂલન ભાગી જવામાં સફળ રહી. તેણે ફરી એક ગેન્ગ બનાવી. અને ફરી ફૂલનનો આંતક પૂરા રાજ્યમાં પ્રસર્યો, ખાસ કરીને ઉચ્ચ વર્ણના લોકોમાં. આખરે તે અને તેની ગેન્ગ બેહમાઇ ગામમાં 14 ફેબ્રુઆરી 1981ના રોજ રાતરે જાય છે અને કોઈ પણ હિસાબે રામસિંગ અને તેના ભાઈને હાજર કરવાનું ગ્રામવાસીઓને ફરમાન મોકલે છે. રામસિંગ તો મળતો નથી, એટલે તે ગામના જ 22 ઠાકુરોને એક સાથે ઉભા રાખીને ગોળી મારી તેમની હત્યાનો પ્રયાસ કરે છે. તેમાંથી બે વ્યક્તિ બચી જાય છે. આ હત્યાકાંડની ગુંજ છેક દિલ્હી સુધી પહોંચે છે અને વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી પર સુધ્ધા ફૂલન દેવીને પકડવા માટે દબાણ થાય છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે વી. પી. સિંઘને રાજીનામું આપવું પડે છે. 1983માં જ્યારે ફૂલન દેવી આત્મસમર્પણ કરે છે ત્યારે તેનું નિવેદન છે કે તે હત્યાકાંડ સમયે ગામમાં હાજર નહોતી. બેહમાઇ ગામમાં હત્યાકાંડ થયો તેમાં જેઓ માર્યા ગયા તેમાં 17 ઠાકુર હતા, એક મુસ્લિમ, એક દલિત અને અન્ય પછાત જાતિના હતા. ફૂલન દેવીના આત્મસમર્પણ પછી તેના પર લૂંટ, હત્યા અને અપહરણ સહિત 48 ગુનાઓમાં આરોપ ઘડાયા. જોકે આત્મસર્પણ થયું તે સમયે જે શરતો સરકારે પાળવાની હતી, તે ન પળાઈ. આઠની જગ્યાએ દસ વર્ષ ફૂલન દેવી જેલમાં રહી. આ દરમિયાન તેને ટી.બી થયો. તે પછી 1994માં ઉત્તર પ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી મુલાયમસિંઘે ફૂલન દેવી પરના તમામ આરોપોથી મુક્ત કરી અને તેણે જેલમાંથી બહાર આવીને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ. આશ્ચર્ય વચ્ચે ઉત્તર પ્રદેશની મિરઝાપુર બેઠકથી તે સાંસદ બની અને એ રીતે ફૂલન દેવીના જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો. જોકે ઉપલી કોર્ટમાં તે તમામ આરોપોમાંથી મુક્ત ન થઈ શકી. સુપ્રિમમાં તેના વિરુદ્ધમાં ચૂકાદો આવ્યો અને બહેમાઇ હત્યાકાંડનાં આરોપોમાંથી તે મુક્ત ન થઈ.
સાંસદ બન્યા પછી તેણે ઉમેદ સિંઘ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા. તેણે ફિલ્મોમાં કામ કર્યું અને બૌદ્ધ ધર્મ પણ અપનાવ્યો. 1998ના ચૂંટણીમાં તેની ભાજપના વિરેન્દ્ર સિંઘ સામે હાર થઈ. જોકે બીજા જ વર્ષે થયેલી લોકસભાની ચૂંટણીમાં ફરી ફૂલન દેવીની જીત થઈ અને તે સાંસદ બની. હવે તે ફૂલટાઇમ પોલિટીશયન બની ચૂકી હતી અને દિલ્હીની ગલિયારોમાં તેને ચંબલની જેમ જ ફાવી ગયું હતું. પરંતુ શેરસિંઘ રાણાએ 25 જુલાઈ 2001ના રોજ ફૂલન દેવીની દિલ્હીમાં 44 અશોક રોડ પર આવેલા તેના ઘરની બહાર ગોળી મારી હત્યા કરી દીધી. ફૂલનના મૃત્યુ સમયે તેની ઉંમર 37 વર્ષ હતી, જેમાં તે આટઆટલાં ઘટનાક્રમમાંથી પસાર થઈ. ફૂલનના જીવનમાં ગર્વ લેવા જેવું કશું નથી, પરંતુ ઇતિહાસની આ ઘટનાઓ આજે પણ ફૂલન જ્યાં જ્યાં રહી ત્યાં ધરબાયેલી પડી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796