નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ઇંધણ બચત અને સરકારી ખર્ચમાં નિયંત્રણ લાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. ગત સપ્તાહે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને 11 નવા નિયમો અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. તમામ સરકારી વિભાગો, કચેરીઓ અને અધિકારીઓને ખર્ચ ઘટાડવા, ઈંધણની બચત કરવા અને ટેક્નોલોજી આધારિત કાર્યપદ્ધતિ અપનાવવા સૂચનાઓ આપવામાં આવી છે.
પરિપત્ર અનુસાર, સરકારી કામકાજ માટે માત્ર જરૂરી હોય ત્યારે જ પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. રૂબરૂ બેઠક બોલાવવાના બદલે ટેલિફોન, મોબાઈલ, ઈ-મેઈલ, વીડિયો કોન્ફરન્સિંગ અને અન્ય ઓનલાઈન માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે. અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ પર પણ રોક મૂકવામાં આવી છે. વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો, અભ્યાસ પ્રવાસો અને કોન્ફરન્સમાં ભાગ લેવાનું ટાળવાનું રહેશે.

અન્ય રાજ્યો અથવા કેન્દ્ર સરકાર દ્વારા યોજાતી બેઠકોમાં પણ શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન જોડાવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. જો પ્રત્યક્ષ પ્રવાસ જરૂરી બને તો ઉચ્ચ અધિકારીઓએ અત્યંત જરૂરી હોય તે સિવાય વધારાના સ્ટાફને સાથે રાખવાનો નહીં. અધિકારીઓ અને કર્મચારીઓને શક્ય હોય ત્યાં સુધી જિલ્લા બહારની મુસાફરી ટાળવા સૂચના આપવામાં આવી છે અને જરૂરિયાત હોય તો પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે.
સરકાર દ્વારા સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના વાહનો ‘વેહિકલ પુલ’માં જમા કરાવવા સૂચના આપવામાં આવી છે. એકથી વધુ વિભાગનો ચાર્જ સંભાળતા અધિકારીઓને એક મુખ્ય વાહન સિવાયના અન્ય તમામ વાહનો પરત કરવાના રહેશે. જ્યાં ઈલેક્ટ્રિક અથવા હાઈબ્રિડ વાહન ઉપલબ્ધ હોય ત્યાં આવા વાહનોને જ પ્રાથમિકતા આપવાની રહેશે.
જાહેર પરિવહનને પ્રોત્સાહન આપતાં મેટ્રો, એસટી બસ અને રેલવે જેવી સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. સરકારી કેન્ટીનમાં આગામી 6 મહિનામાં PNG ગેસ કનેક્ટિવિટી ફરજિયાત બનાવવામાં આવશે. ખરીદી નીતિમાં સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો, MSME અને ભારતીય સેવાઓને અગ્રતા આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બિનજરૂરી ખરીદી અને સંગ્રહખોરી અટકાવવા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. સાથે જ વિવિધ સરકારી કાર્યક્રમો સાદગીપૂર્ણ રીતે આયોજિત કરવા અને લોકાર્પણ જેવા કાર્યક્રમો ઓનલાઈન યોજવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત, વધતા પેટ્રોલ-ડીઝલ વપરાશ વચ્ચે ખાનગી ક્ષેત્રમાં ‘વર્ક ફ્રોમ હોમ’ કલ્ચરને પ્રોત્સાહન આપવા અંગે પણ સરકાર વિચારણા કરી રહી છે. શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું છે કે ખાનગી કંપનીઓ અને ઉદ્યોગ સંગઠનો સાથે ચર્ચા કરીને આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.








