નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ મહેસાણાના (Mehsana) યુવક-યુવતીએ કેનેડામાં (Canada) લગ્ન કરી લેતા મહેસાણામાં મોડી રાત્રીના સમયે ધિગાણું સર્જાયું હતું. કેનેડામાં યુવક-યુવતીએ લગ્ન કર્યા હોવાનો ખાર રાખીને યુવતીના પરિવારજનો હથિયારો લઈને મોડી રાત્રે યુવકના ઘરે પહોંચી ગયા હતા. ત્યાર બાદ યુવકના ઘરમાં ઘુસીને તેના માતા-પિતાને માર મારવામાં આવ્યો હતો. સાથે જ ધમકી પણ આપવામાં આવી હતી કે, આ વખતે તો બચી ગયા છો હવે પછી મળશો તો જાનથી મારી નાખીશું. સમગ્ર બનાવ અંગે મહેસાણાના લાડોલ પોલીસ સ્ટેશનમાં 15 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, મહેસાણાના વિજાપુર (Vijapur) તાલુકામાં રહેતા પંકજ પટેલ ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની એક દિકરી ઓસ્ટ્રેલીયા ખાતે રહે છે. જ્યારે દિકરો પ્રિન્સ ત્રણ માસ અગાઉ કેનેડા અભ્યાસ માટે ગયો છે. હાલ વિજાપુરમાં પંકજ પટેલ તેમની પત્ની ભાવનાબેન સાથે રહે છે. બાજુના ગામ બલિયાનાની યુવતી પણ ખુશી પણ કેનેડામાં રહે છે. પ્રિન્સ અને ખુશી વચ્ચે પ્રેસ સંબંધ હોવાથી તેમણે કેનેડામાં લગ્ન કરી લીધા હતા. જેની અદાવાત રાખીને ખુશીના કુટુંબીજનો 4 ગાડીઓ અને એક પિકઅપ ડાલામાં હથિયારો સાથે પ્રિન્સના ઘરે પહોંચ્યા હતા.
ખુશીના કુટુંબીજનો પ્રિન્સના ઘરે પહોંચતા જ બૂમો પડતાં હતા કે, ‘બહાર આવ અમારી દિકરીને કેનેડામાં મારી નાખી છે’ એમ કહીને અપશબ્દો કહીને પ્રિન્સના માતા-પિતાને બહાર નીકળવા માટે બુમો પાડી રહ્યા હતા. જોકે યુવકના માતા-પિતાએ ઘરનો દરવાજો ન ખોલતા, ટોળાએ મકાનને ઘેરીને ઘરની લોંખડની જાળીઓ તોડીને મકાનમાં ઘુસી ગયા હતા અને ઘરમાં ફર્નિચરના કાચ તોડી નાખ્યા, વાયર કારી નાખ્યા, ઘરના સામાનમાં તોડફોડ કરવા લાગ્યા હતા. યુવકના પિતાના પર ટોળાએ લોખંડની પાઈપથી હુમલો કરતાં પિતાએ જીવ બચાવવા ખેતરમાં ભાગી ગયા હતા.
ટોળાએ યુવકની માતાના પર હુમલો કરીને કપડા ફાડી નાખ્યા હતા. દંપતીએ બુમાબુમ કરતાં આસપાસના લોકો વચ્ચે પડતાં મામલો શાંત પડ્યો હતો. ત્યાર બાદ ખુશીના કુટુંબીજનો જતાં રહ્યા હતા. સમગ્ર મામલે યુવકના માતા-પિતાએ 15 લોકોના ટોળા સામે લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, યુવતીના પરિવારજનોને એવી વાત મળી હતી કે, ખુશીનું કેનેડામાં મૃત્યુ થયું છે. જેથી પોલીસ તપાસ કરતાં યુવતી કેનેડામાં સલામત હોવાની વિગતો જાણવા મળી હતી. હાલ હુમલાખોરોને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








