નવજીવન ન્યૂઝ. મહારાષ્ટ્ર: Maharashtra Politics News: મહારાષ્ટ્રનું રાજકારણ લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે. તેમાંય એકનાથ શિંદેએ (Eknath Shinde) ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સામે બળવો પોકારતા રાજકારણમાં હડકંપ મચી ગયો હતો. એકનાથે બળવો કરતા સાગમટે ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જતા ઉદ્ધવ સરકાર પડી ભાંગી હતી. ત્યારથી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે શાબ્દિક પ્રહારો થતા જોવા મળી રહ્યા છે. ત્યારે આજે ફરીથી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેએ સામસામે ‘અસલી શિવસેના (Shivsena) કોણ?’ તે વિશે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.
રવિવારે ઉદ્ધવ ઠાકરેએ જલગાંવ જિલ્લાના પચોરામાં જનસભાને સંબોધી હતી. ત્યારે ઉદ્ધવ ઠાકરેએ જાહેર સભામાં શિંદે સરકાર સહિત ચૂંટણીપંચ પર આકરા પ્રહારો કરી શિંદે સરકાર વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “અહીંના લોકોનો પ્રેમ જોઈને પાકિસ્તાન પણ કહેશે કે શિવસેના કોની છે, પરંતુ ચૂંટણી પંચને તે દેખાતું નથી”.
ઉદ્ધવ ઠાકરેએ કરેલા આ કટાક્ષથી મહારાષ્ટ્રના સી.એમ. એકનાથ શિંદે ભડકી ઉઠ્યા હતા. ઉદ્ધવ ઠાકરેના વિવાદિત નિવેદન પર એકનાથ શિંદેએ આજે સણસણતો વળતો પ્રહાર કરતા કહ્યું કે, “તમે મુંબઈમાં હનુમાન ચાલીસા વાંચનારાઓ સામે કેસ કરો છો. જ્યારે તમે મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ કરનારા દાઉદ સાથે જોડાયેલા લોકોની સાથે બેઠાં છો. તમે યાકુબ મેમણની કબરને સુશોભિત કરો છો”. વધુમાં તેમણે કહ્યું કે, “જો અસલી શિવસેના જાણવા માટે પાકિસ્તાનનું પ્રમાણપત્ર લેવું પડે તો આનાથી મોટું દુર્ભાગ્ય શું હોઈ શકે? આનાથી બાળાસાહેબનું હ્રદય કેટલું દુભાયું હશે તે કહેવાની જરૂર નથી.” વધુમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “તમે વારંવાર મર્દ હોવાની વાત કરો છો, શું કોઈ શંકા છે તમને?”
ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદે સાગમટે ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા હતા. ત્યારે ઉદ્ધવ ઠાકરેએ તેમની સાથે દગો કર્યો હોવાનો પણ દાવો કર્યો હતો. ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે રસાકસીનો માહોલ જામ્યો હતો. ત્યારે હવે ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે રેલીને સંબોધતા શિંદે સરકાર અને ફડણવીસની સરકાર ટુંક સમયમાં પડી ભાંગવાનો દાવો કર્યો હતો. હવે જોવું રહ્યું કે, મહારાષ્ટ્રની રાજનીતિ આગામી સમયમાં કેવા વળાંકો લે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








