નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ઉનાળો હવે ખરા અર્થમાં તીવ્ર બન્યો છે. અમદાવાદમાં આગામી છ દિવસ સુધી તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની આગાહી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને હવામાન વિભાગ દ્વારા ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ ગરમીના કારણે શહેરનું સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગરમીનો પ્રકોપ વધતા આરોગ્ય સંબંધિત કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 26 દિવસમાં રાજ્યમાં ગરમી સંબંધિત કુલ 1,518 કેસ 108 ઈમરજન્સી સેવાઓમાં નોંધાયા છે, જેમાંથી 243 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. શરીરનું તાપમાન વધવાના રાજ્યભરમાં 1,350 કેસ સામે આવ્યા છે, જેમાંથી 287 કેસ અમદાવાદના છે. છેલ્લા 6 દિવસથી હીટ રિલેટેડ ઈમરજન્સીના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
ઓરેન્જ એલર્ટને પગલે તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને બપોરના સમયે બહાર ન નીકળવાની, પૂરતું પાણી પીવાની અને તડકાથી બચવા માટે જરૂરી પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને ખાસ કાળજી રાખવા સૂચવાયું છે.
રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ગરમીનું જોર વધી રહ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને પાટણ સહિત અનેક જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તાપમાન સતત 40 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં હીટ સ્ટ્રોક અને ચક્કર આવવાના કેસોમાં વધારો થવાની શક્યતા છે.
હોસ્પિટલોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જેથી તાત્કાલિક સારવાર મળી શકે. તંત્રનું માનવું છે કે આગામી દિવસોમાં ગરમીનું જોર યથાવત્ રહેશે અને નાગરિકોએ સતર્ક રહેવું જરૂરી છે.








