પ્રશાંત દયાળ (નવજીનવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાતમાં મસ્જિદો પર રહેલા લાઉડ સ્પિકર્સ પર થતી અઝાનને મુદ્દે દેશભરની વિભિન્ન અદાલતોમાં અગાઉ પિટિશન્સ થયેલી છે. પરંતુ હવે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પણ જાહેરહિતની અરજી સ્વરૂપે આવ્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકાર અને કલેક્ટર સહિત સંબંધિતોને નોટિસ આપી પોતાનો પક્ષ રજુ કરવા આદેશ આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી 10 માર્ચે થશે.
અમદાવાદના ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં એવો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો કે, જાહેર સ્થળોએ મુકવામાં આવેલા લાઉડ સ્પિકર્સનો અવાજ 80 ડેસીબલથી ઓછો હોવો જોઈએ. અને 80 ડેસીબલથી ઓછા અવાજ વાળા લાઉડ સ્પિકર માટે પણ કલેક્ટરની મંજુરી હોવી અનિવાર્ય છે, પરંતુ વિવિધ મસ્જિદો પર લાગેલા લાઉડ સ્પિકર માટે કલેક્ટરની મંજુરી નથી અને તેમનો અવાજ 80 ડેસીબલ કરતાં વધારે છે. આથી અમારી કોર્ટને પ્રાથના છે કે મસ્જિદો પર લાગેલા લાઉડ સ્પિકર્સ હટાવવામાં આવે અથવા 80 ડેસીબલની ક્ષમતાથી ઓછો હોય તો તે અંગે કલેક્ટરની મંજુરી લેવામાં આવે. અરજદાર ધર્મેન્દ્ર પ્રજાપતિ તરફથી કાઉન્સિલ એડવોકેટ ધર્મેશ ગજ્જર હાજર રહ્યા હતા. ગુજરાત હાઈકોર્ટના ચિફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ કે જે શાસ્ત્રીની બેન્ચે કાઉન્સિલની રજૂઆત સાંભળા બાદ ગુજરાત સરકાર, સંબંધિત કલેક્ટર્સ અને સંબંધિત સત્તાવાળાઓને પોતાનો પક્ષ રજુ કરવા 10 માર્ચ સુધીનો સમય આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મસ્જિદો ઉપર અઝાન વખતે થતા અવાજને લઈને અનેક વિવાદો થયા છે. ભારતના સુપ્રસિદ્ધ ગાયક સોનું નિગમે પણ અઝાનને કારણે પોતાની ઉંઘમાં ખલેલ પહોંચે છે તેવું નિવેદન અગાઉ કર્યું હતું જેને કારણે પણ વિવાદ થયો હતો. સામે પક્ષે એવી પણ દલીલ છે કે મસ્જિદની જેમ હિન્દુઓના મંદિરોમાં પણ લાઉડ સ્પિકર્સનો ઉપયોગ થાય છે ત્યારે આ મુદ્દે કેમ વિવાદ થતો નથી?








