Morbi BJP leader attacked by toll booth employees : સોમનાથ મહાદેવ દર્શન કરીને પરત ફરી રહેલાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી (Morbi District BJP General Secretary) સાથે ટોલ બુથના કર્મચારીઓએ ઝઘડો કરી હુમલો કર્યો છે. વેરાવળ નજીક જૂનાગઢ હાઈવે પર ડારી ટોલ બુથ ખાતે સામ-સામે થયેલી મારામારીની ઘટના બાદ પોલીસ એક ડઝન જેટલાં ટોલ બુથના કર્મચારીઓને ઉપાડી ગઈ છે. જેમાં મુખ્ય આરોપી યુ-ટ્યુબર લાલા આહિરને બનાવાયો છે. ટોલ બુથ સ્ટાફ ભાજપના તપન દવે (Tapan Dave BJP Morbi) સામે ફરિયાદ આપવા માટે પ્રયત્નશીલ છે. અત્રે નોંધનીય છે કે, ફાસ્ટ ટેગ બ્લેકલિસ્ટ થઈ ગયો હોવાથી ટોલ બુથના કર્મચારીએ કાર અટકાવી હતી અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી. જેના દ્રશ્યો ટોલ બુથના સીસીટીવી કેમેરામાં કેદ (Toll booth CCTV footage) થયાં છે.
મોરબી જિલ્લા ભાજપા મહામંત્રી તપન દવે તેમના ભાગીદાર તેમજ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી પરત ફરી રહ્યાં હતાં ત્યારે ડારી ટોલ બુથ ખાતે બબાલ થઈ હતી. તપન દવેએ ટોલ બુથના કર્મચારીઓએ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવતા પોલીસે ગુનો નોંધી 12 જેટલાં ટોલ બુથ કર્મચારીઓને અટકમાં લીધા છે. પ્રભાસ પાટણ પોલીસે હત્યાનો પ્રયાસ, લૂંટ અને રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. બીજી તરફ ટોલ બુથના મેનેજર દેવેન્દ્રસિંહ પરિહારે બંને પક્ષે મારામારી થયાનો દાવો કર્યો છે. સાથે સાથે વાયરલ થયેલાં સીસીટીવી ફૂટેજમાં બંને પક્ષે મારામારી થઈ હોવાનું દેખાય છે. ટોલ બુથના કર્મચારીઓએ પણ પોતાની ફરિયાદ નોંધવા પોલીસ પાસે આગ્રહ રાખ્યો છે.








