પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.જુનાગઢ): સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી સામાન્ય માણસોને શિકાર બનાવતી અનેક ગેંગ્સ દેશના ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને દિલ્હીમાં કાર્યરત છે, પણ વાત જ્યારે ચારિત્રયની આવે ત્યારે તમારા મારા જેવા માણસોના પગ ઢીલા થઈ જાય છે અને આ ગેંગના તાબે થઈ જવાય છે. વર્ચ્યૂઅલ રીતે કામ કરતી આ ગેંગ્સ પહેલા પોતાના શિકારને ફસાવે છે અને પછી હજારોથી લઈ લાખો રૂપિયાની માગણી કરે છે. આવા જ કિસ્સા જુનાગઢ પોલીસ સામે આવ્યા છે, પરંતુ પોલીસની કુનેહના કારણે શિકાર થયેલા લોકોનો બચાવ થયો છે. આ માત્ર જુનાગઢની જ ઘટના નથી ગુજરાત સહિત દેશના અનેક લોકો સાથે આવું રોજબરોજ બની રહ્યું છે પરંતુ કાયદાની અજ્ઞાનતા અને સમાજના કહેવાતા ડરને કારણે સામાન્ય જન આ મામલો પોલીસ સુધી લઈ જતો નથી. આપ પણ આ અહેવાલને આપના પરિજનો સ્વજનો સુધી પહોંચાડો અને કઈ રીતે તમે આ ગેંગથી બચી શકો તેનો રસ્તો આપો.
આ એક કોમન પ્રેક્ટીસ છે, સોશિયલ મીડિયાના યુગમાં તમને અનેક જાણિતા અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે અને તમે તેનો સહજ સ્વિકાર કરો છો. ખાસ કરી ફેસબુક પર રૂપાળા ચહેરા ધરાવતી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે ત્યારે પુરુષ તેની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવામાં બહુ ઉત્સાહી હોય છે, પરંતુ અજાણી સ્ત્રી તરફથી આ રિક્વેસ્ટ તેના માટે કેટલી જોખમી છે તેનો અંદાજ હોતો નથી. પ્રારંભીક તબક્કામાં Hi-Hello, Good Morning, Good Night જેવા મેસેજ પછી વોટ્સએપ નંબરની આપ-લે થાય છે.
સામાન્ય રીતે એકલવાયું જીવન જીવતા માણસો જેમની ઉંમર ખુબ જુવાન છે અથવા તેઓ પ્રૌઢ અવસ્થામાં પહોંચી ગયા છે તેવા લોકો આ ગેંગનો સોફ્ટ ટાર્ગેટ હોય છે. વોટ્સેપ નંબરની આપ-લે પછી અચાનક એક દિવસ વોટ્સએપ નંબર પર એક યુવતીનો વીડિયો કોલ આવે છે. પ્રારંભીક સહજ વાતો થાય છે, યુવતી પોતાના વસ્ત્રો તે પછી એક પછી એક દુર કરે છે પુરુષ સ્વભાવે આખી ઘટના બંનેને પ્રફુલીત કરનારી છે, યુવતી દરખાસ્ત મુકે છે કે તમારે પણ વસ્ત્રો દુર કરવા જોઈએ અને પુરુષ પણ તેની ઈચ્છાને તાબે થાય છે. પાંચ, દસ, પંદર મિનિટ ચાલેલો આ વીડિયો કોલ કેટલો ઘાતક બનશે તેની ત્યારે કલ્પના નહીં થતી.
આ વીડિયો કોલ પુરો થતા જ પુરુષને પોતાનો જ એક નગ્ન વીડિયો મળે છે જેની સામે હજારોથી લઈને લાખો રૂપિયાની માગણી થાય છે. પુરુષની આ નબળાઈને સમજતી આ ગેંગ બખુબી તેનો ઉપયોગ કરે છે અને આબરું જવાના ડરે માગણી પ્રમાણે પૈસા આપવાની શરૂઆત થાય છે. પરંતુ પૈસા આપવાની પણ એક મર્યાદા હોય આ ગેંગનો શિકાર બનેલી વ્યક્તિ સામે બે વિકલ્પ હોય છે જો શક્તિ છે તો પૈસા ચુકવવા અન્યતા જીવન ટુંકાવવું. કારણ કે જો પોતાનો નગ્ન વીડિયો પોતાના પરિજનો પાસે પહોંચે તો કઈ સ્થિતિમાં તે પોતાનો સામાજીક ચહેરો બચાવી શકે. આવી જ સ્થિતિ થોડા દિવસ પહેલા જુનાગઢના દિપક (નામ બદલ્યું છે)ની થઈ હતી. દિપકને આ ગેંગનો શિકાર થયા પછી જીવન ટુંકાવી દેવાનો વિચાર આવ્યો હતો ત્યારે તેને કોઈએ જુનાગઢના ડીવાયએસપી અને સંવેદનશિલ પોલીસ અધિકારી એવા પ્રદીપસિંહ જાડેજાનો સંપર્ક કરવાનું કહ્યું.
ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ આખો મામલો સાંભળ્યા પછી દિપકને સલાહ આપી કે તારે મરવાનું નથી, ભુલ તારી હોય તો પણ દોષ તારો નથી. તારે તારો પરિવાર છે તેમની જીંદગીનો વિચાર કરવાનો છે. તારું નામ ગુપ્ત રહેશે અને અમે કાર્યવાહી કરીશું. હવે જો તારી પાસે તને બદનામ કરવાના ઈરાદે આ ગેંગ પૈસાની માગણી કરે તો તારે એ ગેંગને તે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે તેવું કહેવું પડશે. દિપકે ડીવાયએસપી જાડેજાની સૂચના પ્રમાણે પૈસાની માગણી કરનારને જવાબ આપતા તેની પાસે હવે પૈસાની માગણી થવાની બંધ થઈ ગઈ છે. આ મામલે ડીવાયએસપી જાડેજાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, મોટાભાગના લોકો આબરુ જવાની બીકે પોલીસ પાસે આવતા જ નથી, પરંતુ જો પોલીસ પાસે આવા મામલા આવે તો પોલીસ તેમની આબરુ સહિત અનેક બાબતોનો ઉકેલ લાવી શકે તેમ છે.








