Saturday, April 25, 2026
HomeGeneralઈસ્લામ ખતરામાં મુકાઈ રહ્યો છે કારણ મુસ્લિમોના મોટા સમુદાયે મૌન રહેવાનું પસંદ...

ઈસ્લામ ખતરામાં મુકાઈ રહ્યો છે કારણ મુસ્લિમોના મોટા સમુદાયે મૌન રહેવાનું પસંદ કર્યુ છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ) : 2002 ગોધરા સ્ટેશન ઉપર સાબરમતી એકસપ્રેસને આગ ચાંપી દેવામાં આવી, જેમાં 56 કાર સેવકો જીવતા ભુંજાઈ ગયા હતા. હું બપોરના ત્રણ વાગે ગોધરા સ્ટેશન ઉપર પહોંચ્યો, વર્ષોથી ક્રાઈમ રિપોર્ટીંગ કર્યુ હોવાને કારણે લાશો-લોહી વગેરે જોવુ મારા માટે આમ વાત હતી, પણ તે દિવસે આટલી બધી લાશો જોઈ હું અંદરથી હચમચી ગયો હતો, મારો અનુભવ આવનાર તોફાનના એંધાણને સુંઘી શકતો હતો, મેં તરત ત્યાંથી અમદાવાદ મારા મિત્ર પ્રોફેસર ડૉ રીઝવાન કાદરીને ફોન જોડયો, મેં કહ્યુ રીઝવાન હું ગોધરા છું, મને લાગે છે આવતીકાલે ગુજરાતની દશા સારી નહીં હોય, મને લાગે છે કે આ આખી ઘટનાને ગુજરાતના વિવિધ મુસ્લિમ આગેવાનો આ ઘટનાને લેખિતમાં વખોડવી જોઈએ, રીઝવાન મારી વાત તરત સમજી ગયો, તેણે કહ્યું સારૂ હું તરત આગેવાનોને મળવા નિકળુ છું, મોડી સાંજે રીઝવાનનો ફોન આવ્યો તેના સુરમાં નીરાશા હતી, તે જેમને પણ મળ્યો બધા જ આગેવાનું કહેવુ હતું જે થયુ તે બરાબર થયુ નથી, પણ ઘટનાના આરોપીઓ મુસ્લિમ હોવાને કારણે મુસ્લિમ આગેવાનો જાહેરમાં તેમની ટીકા કરવા તૈયાર ન્હોતા, આ અહિયા વાત હિન્દુ મુસ્લિમના પરિપ્રેક્ષમાં હું જોતો નથી, હું તમામ ઘટનાઓનું મુલ્યાંકન તેના મેરીટ પ્રમાણે થાય તે જરૂરી છે તે સમજાવવા માગુ છું, આરોપી અને ભોગ બનનાર કયા ધર્મના છે તેને ધ્યાનમાં લઈ ઘટનાનું મુલ્યાંકન થાય તે યોગ્ય નથી.



ગોધરા સ્ટેશનની ઘટના પછી બીજા દિવસથી આખા ગુજરાતમાં જે પ્રત્યાધાત પડયા તેનાથી આપણે બધા જ સારી રીતે વાકેફ છીએ, જેમાં મોટી સંખ્યામાં ભોગ બનનાર મુસ્લિમો હતા, પણ તેની સામે બહુ મોટી સંખ્યામાં એવા હિન્દુઓ પણ હતા, જેમણે હિન્દુઓ દ્વારા અચારવામાં આવેલી હિંસાનો જાહેરમાં વિરોધ કર્યો, ગોધરાનો બદલો અમદાવાદના નરોડા – ગુલબર્ગ અને મહેસાણાના સરદારપુરાના મુસ્લિમોને મારી લઈ શકાય નહીં જેવો મત વ્યકત કર્યો, ભોગ બનેલા મુસ્લિમોને કાનુની સહાય આપવા મુુકુલસિન્હા જેવા હિન્દુ વકિલો ખડેપગે તૈયાર હતા, આમ જયારે હિન્દુઓએ કાયદો હાથમાં લીધો ત્યારે તેનો વિરોધ કરનાર હિન્દુઓનો મોટો સમુદાય હતો, એટલુ જ નહીં હિંસા રોકવામાં ભાજપ સરકાર નીષ્ફળ ગઈ છે તેવુ કહેનાર પણ હિન્દુઓ જ હતા, પણ રંજ તે વાતનો છે કે જયારે કોઈ એક મુસ્લિમ અથવા મુસ્લિમોનું કોઈ જુથ ધર્મના નામે જયારે કાયદો તોડે ત્યારે સૌથી પહેલો વિરોધ ખુદ મુસ્લિમોમાંથી ઉઠવો જોઈએ, પણ તેવુ જાહેરમાં થતુ નથી. મારા અનેક મુસ્લિમ મિત્રો છે જેઓ વ્યકિતગત રીતે હિંસા આચરનાર મુસ્લિમોની ખાનગીમાં ટીકા કરે છે પણ જાહેરમાં તેઓ મૌન બની જાય છે.

હિન્દુ ધર્મ ગુરૂઓ માને છે કે હિન્દુત્વને ખતરો છે તેવુ ઈસ્લામ ઉપર ભરોસો કરનાર માને છે કે ઈસ્લામ ખતરામાં છે, ખરેખર કોઈ પણ ધર્મને પોતાના વિરોધી મતથી ખતરો હોતો જ નથી ખતરો તો પોતાના લોકોથી જ હોય છે. હિન્દુ ધર્મમાં ચાલતી આભડછેટ અને સ્ત્રીઓના શિક્ષણના મુદ્દો હોય કે પતિના મ઼ત્યુ પછી પત્નીએ સતી થવુ તેમાં કોઈ વિધર્મી તરફથી હિન્દુઓને ખતરો ન્હોતો, ખતરો હિન્દુની કટ્ટર વિચારધારાથી હતો, પણ હિન્દુઓના સદ્દનસીબે જયોતીબા ફુલે અને રાજારામ મોહનમરાય જેવા સુધારકો મળ્યા જેમણે હિન્દુ ધર્મને કોરી ખાતી વ્યવસ્થાને પડકારી અને એક આદર્શ વ્યવસ્થાનું નિર્માણ કર્યુ. ભારતના મુસ્લીમોની કમનસીબી છે કે ઈસ્લામને નામે જે લોકો પોતાની દુકાન ચલાવી રહ્યા છે તેમનો વિરોધ કરવાનું અથવા તેમને ઉઘા઼ડા પડાવની હિંમત કરનાર મુસ્લિમ આગેવાનો બહુ ઓછા છે, બધા જ મુસ્લિમોએ મૌન રહેવાનું પસંદ કર્યુ તેવુ પણ નથી વિધ્યાબહેન શેઠ જેવી મહિલા સાથે લગ્ન કરનાર અને અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેનાર કોંગ્રેસી નેતા રઉફવલી ઉલ્લાહએ અમદાવાદનાા ડૉન લતીફના ગેરકાયદે ધંધા સામે બંડ પોકાર્યુ અને તેમા તેમણે પોતાનો જીવ પણ ગુમાવ્યો, આવા અનેક રઉફની મુસ્લીમ સમાજને જરૂર છે કારણ રઉફ ઈસ્લામની ઓળખ છે અને ઈસ્લાામને બચાવશે.



હું મુળ વાત ઉપર આવુ, અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કિશનની હત્યા થાય છે, કિશન નામ હોવાને કારણે કિશન કોણ છે તે કહેવાની જરૂર નથી, પણ હવે મામલો માત્ર ગુજરાત સુધી સિમિત રહ્યો નથી કારણ કંગના રાણાવત મેદાનમાં છે, કિશનની હત્યાના મામલે અમદાવાદ-મુંબઈ-દિલ્હી અને પાકિસ્તાન સુધી વાત પહોંચી છે એટલે હું તેની અહિયા ચર્ચા કરતો નથી, અહિયા કિશન કયાં ધર્મનો હતો અને તેને મારનાર શબ્બીર કયા ધર્મનો હતો તેની વાત નથી, પણ શબ્બીરે જે કર્યુ તે યોગ્ય નથી તે મુદ્દા ઉપર વાત થવી જોઈએ પણ તેવું થતું નથી, મેં આ આ અંગે અનેક ટીવી ટીબેટ સાંભળી જેમાં અનેક મુસ્લિમ આગેવાનોને સાંભળ્યા તેમનો સુરમાં કિશનની હત્યા અંગે દુ:ખ હતુ પણ તેના કરતા વધારે ભારતમાં મુસ્લિમનોને થઈ રહેલા અન્યાયની વાત હતી. હું વ્યકિતગત રીતે માનુ છું કે માત્ર મુસ્લિમો સાથે સાથે નહી પણ દેશની હિન્દુ પછાતજાતી સાથે આટલા વર્ષ પછી પણ અન્યાય થઈ રહ્યો છે, પણ તેના કારણે તમે કિશનની હત્યા કરનારની ટીકા કરો નહી તે વાજબી નથી.

કિશનની હત્યા શબ્બીરે કોઈ વ્યકિતગત કારણસર કરી હોત અને મુસ્લિમો મૌન રહ્યા હોત તો વાંધો ન્હોતો. કિશને ઈસ્લામની વિરૂધ્ધમાં કોઈ પોસ્ટ કરી અને ઈસ્લામમાં ભરોસો કરનારે નારાજ થઈ તેની હત્યા કરી તે વખતે ઈસ્લામમાં ભરોસો કરનાર લોકોએ કિશનના પરિવાર સાથે ઉભા રહેવાની જરૂર હતી. જો તેવુ થયુ હોત તો કિશનની દીકરીના માથે હાથ મુકી રેલીઓનું આયોજન કરનાર હાથ અને મનસુબા હેઠા પડતા, ખરેખર ઈસ્લામને ખતરો હિન્દુઓથી નથી, પણ ઈસ્લામના નામે બંદુક ઉપાડનાર ઈસ્લામ સામે ખતરો બની રહ્યા છે. તે એક એક મુસ્લિમને સમજાય તો જ ઈસ્લામ બચશે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular