નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં કાંકરિયા (Ahmedabad Kankaria) ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં આજે બે બેંગાલ ટાઇગર (Bengal tiger) ની એન્ટ્રી થઈ છે. આ બે વાધણને ઓરંગાબાદ (Aurangabad)થી અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવ્યા છે. પહેલી નજરમાં જ આકર્ષક અને તંદુરસ્ત લાગતી એવી આ બંને વાઘણ આજથી મુલાકાતીઓ પ્રાણી સંગ્રહાલયમાં નિહાળી શકશે. અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ બાળકો સાથે આવતા હોય છે. તેવામાં આજે 2 વાઘણની એન્ટ્રી થતાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ અને ઓરંગાબાદ ઝૂ વચ્ચે પક્ષીઓના વિનિમય કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ પ્રાણી સંગ્રહાલય પાસે જરૂરિયાત કરતાં વધુ પ્રાણી-પક્ષીઓ જેવા કે ભારતીય શિયાળ 3, ભારતીય શાહુડી 10, ઈમુ 2 અને સ્પુનબીલ 6 હોવાથી તે પ્રાણી-પક્ષીઓ ઓરંગાબાદ પ્રાણી સંગ્રહાલયને આપવામાં આવ્યા હતા. આ પ્રાણી-પક્ષીઓના બદલામાં ઓરંગાબાદ પ્રાણી સંગ્રહાલયે કાળીયાર 6 અને રોયલ બેંગાલ ટાઇગરના બે માદા બચ્ચા અમદાવાદ પ્રાણી સંગ્રહાલયને આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચ જેવું કામ ટ્રાફિક DCP સફિન હસનની ટીમે કરી બતાવ્યું
આ રોયલ બેંગાલ ટાઇગર પૈકી એકનું નામ રંજના અને બીજાનું નામ પ્રતિભા છે. જેમની ઉંમર 2 વર્ષ 2 માસ જેટલી છે. ઓરંગાબાદથી આવેલા પ્રાણીઓને સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી નવી દિલ્હીના નીતી નિયમો અનુસાર 30 દિવસ સુધી ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. હવે તેમનો ક્વોરેન્ટાઈ સમય પૂર્ણ થતા કાંકરિયા ખાતેના પ્રાણીસંગ્રહાલયમાં આવતા મુલાકાતીઓને નીહાળવા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.
હાલમાં પ્રાણી સંગ્રહાલયમાં એક ‘પ્રતાપ’ નામનો વાઘ અને એક સફેદ વાઘણ છે. આજે મહારાષ્ટ્રના ઔરંગાબાદથી અમદાવાદ પ્રાણી સંગ્રહાલય માટે બે વાઘણ મળતા હવે પ્રાણી સંગ્રહાલયમાં એક વાઘ અને ત્રણ વાઘણ મળીને કુલ ચાર વાઘ-વાઘણ થયા છે. આવનારા સમયમાં ઉનાળુ વેકેશન પડતાં આ વાઘ-વાઘણ બાળકોનું મન મોહી લેશે તેમ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સુપરિટેન્ડન્ટ ડો. આર. કે. સાહુ જણાવે છે. ઔરંગાબાદના સિદ્ધાર્થ ઝૂમાં જન્મેલી 26 મહિનાની વાઘણ પ્રતિભા અને રંજનાને 19 ફેબ્રુઆરીએ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી. સામાન્ય રીતે વાઘ-વાઘણનું આયુષ્ય પંદર વર્ષનું હોય છે.
જે સમયે ઓરંગાબાદ પ્રાણી સંગ્રહાલય ખાતેથી બે વાઘણને અમદાવાદ મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં 3 સફેદ સહિત 10 વાઘ હતા. જ્યારે અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં માત્ર 1 બંગાળ વાઘ હોવાના કારણે 2 માદા વાઘણને અહીં લાવવામાં આવી હતી. હાલ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સિંહ-સિંહણ 3, સફેદ વાઘણ 1, રોયલ બેંગાલ ટાઇગર 3, દિપડા 4, હાથી 1, શિયાળ 16, હિપોપોટેમસ 2 સહિત અન્ય પ્રાણીઓ સહિત દુર્લભ પક્ષીઓની પ્રજાતિઓ પણ છે. હાલમાં પ્રાણી સંગ્રહાલયમાં વન્યપ્રાણી અને પક્ષીઓની કુલ સંખ્યા 2006 છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








