Sale of adulterated food across Gujarat : શહેર હોય કે ગામ ભેળસેળીયા અને નકલી ખોરાક ગુજરાતમાં ઠેર-ઠેર વેચાય છે અને તેનું ઉત્પાદન પણ થાય છે. દિવાળીમાં વેચાતી મીઠાઈઓ માટે લાખો કિલોમાં માવો ક્યાંથી આવે છે અને કોણ તેનું ઉત્પાદન કરે છે ? તેની જાણકારી રાજ્ય સરકાર કે તેના વિભાગ પાસે નથી તે ખૂબ જ ગંભીર વિષય છે. હા, કયારેક ક્યારે નકલી/ભેળસેળવાળો માવો કે અન્ય ખાદ્ય પદાર્થ તંત્ર પકડે છે. ગત વર્ષે દિવાળી પૂર્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (Ahmedabad Municipal Corporation) કાલુપુર વિસ્તારમાં નકલી માવો વેચતી દુકાનને સીલ માર્યું તો BJPના એક ધારાસભ્યએ AMC ના સત્તાધીશો પર દબાણ કરી દુકાન ખોલાવી દીધી. આવા તો અનેક ભેળસેળીયાઓને રાજકીય નેતાઓ અને ગુજરાત ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ (Food and Drugs Department Gujarat) ના અધિકારીઓના આર્શિવાદ છે. તહેવારોના એકાદ-બે દિવસ અગાઉ સેમ્પલ લેવાના નામે સરકારી બાબુઓ વેપારીઓના ત્યાં ત્રાટકે છે અને તેનો રિપોર્ટ સપ્તાહો બાદ આવે છે. નકલી/ભેળસેળવાળા ખોરાકના ઉત્પાદનથી લઈને વેચાણ સુધી તંત્ર હપ્તા ઉઘરાવે છે અને આ વાત સરકાર સારી રીતે જાણે છે, આમ છતાં નાગરિકોના સ્વાસ્થ્યની તેમને ચિંતા છે તેવો દેખાડો કરવાનું સરકાર કે તેમના મંત્રી ક્યારેય ચૂકતા નથી.
દીપાવલીના તહેવારોને ધ્યાન ધ્યાને રાખીને નાગરિકોના સ્વાસ્થ્યની અર્થે સુરત ખાતેથી રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા (Praful Pansheria) ના અધ્યક્ષસ્થાને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિત રાજ્યના તમામ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે શનિવારે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આરોગ્ય મંત્રીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીને બિરદાવી તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં તત્વોને ક્યારેય સાખી લેવામાં આવશે નહીં તેવો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ડુપ્લીકેટ ઘી તેમજ એનાલોગ પનીર, ચીઝ, બટર, ટોમેટો સોસ, કેરીનો રસ અને પામ ઓઈલનો ભેળસેળયુક્ત ઉપયોગ કરી ડુપ્લીકેટ ખાદ્ય સામગ્રી બનાવતી કંપનીઓ અને એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાગરિકોના આરોગ્યની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ પ્રકારના દૂષણોને જડમૂળમાંથી ડામવા તંત્ર સજ્જ છે. બજારમાં ગેરમાર્ગે દોરતા પ્લાસ્ટિક રેપર પર માત્ર ‘ઘી’ લખીને વેચાતા પામ ઓઇલ જેવા ઉત્પાદનો સામે કાયદેસરના કેસ કરી ઉત્પાદકોને છોડવામાં નહીં આવે. હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ સ્ટ્રીટ્સ પર સ્વચ્છતાના ધોરણો અને SOPનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવામાં આવશે તેમજ સીલ ખોલીને માલની હેરાફેરી કરનારાઓ સામે પોલીસ સહયોગથી એફઆઈઆર દાખલ કરવામાં આવશે.
આરોગ્ય મંત્રી પ્રફુલભાઈને નાગરિકોના સ્વાસ્થ્યની ખૂબ ચિંતા છે. તેમના અગાઉ ભાજપ સરકારમાં અન્ય નેતા આરોગ્ય મંત્રી તરીકે હતા. ભેળસેળ અને નકલી ખાદ્ય પદાર્થો પહેલાં પણ બનતા અને વેચાતા હતા અને આજે પણ તે જ સ્થિતિ છે. જ્યાં સુધી નેતાઓ અને સરકારી બાબુઓ પોતાના આર્થિક સ્વાર્થને પ્રાધાન્ય આપતા રહેશે ત્યાં સુધી નાગરિકો પેટમાં ખોરાકના બદલે ઝેર પધરાવતા રહેશે.








