નવજીવન ન્યૂઝ. જૂનાગઢઃ જૂનાગઢ (Junagadh)માં તાજેતરમાં જ બે લોકોના ઝેરી પીણું પીવાના કારણે મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ કથિત લઠ્ઠાકાંડ હોવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે પોલીસ તપાસમાં કંઈક અલગ વાત હોવાનું જ સામે આવ્યું છે. પોલીસે ઉંડાણપુર્વક તપાસ કરતા પતિ-પત્ની ઓર વોનો કિસ્સો હોવાનું સામે આવ્યું હતું. પ્રેમીને પામવા માટે પતિનો કાંટો દુર કરવા પ્લાન બનાવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, જૂનાગઢમાં ગત 28 તારીખે ઝેરી પીણું પીવાના કારણે બે લોકોના મોત થતા ખળભળાટ મચી ગયો હતો. જોકે આ મામલે કથિત લઠ્ઠાકાંડ હોવાની આશંકા જે તે સમયે સેવાઈ રહી હતી. પરંતુ સમગ્ર મામલે હકીકત કઈક જૂદી જ સામે આવી છે. પોલીસે તપાસ કરતા મૃતકે રીક્ષામાં સોડાની બોટલમાં પીણું પીધું હતુ, જેમાંથી પોટેશિયમ સાઈનાઈડ મળી આવ્યું હતુ. જેને પીતા જ રફીક ઘોઘારીનું મોત નિપજ્યું હતુ. ઉપરાંત આ પીણું તેના મિત્ર ભરત ઉર્ફે જોને પણ પીધુ હતું અને આ બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
ઝેરી પીણું અંગે પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતુ કે, મૃતક રફીક ઘોઘારીની પત્ની આસિફ ચૌહાણ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબધ હતો અને પ્રેમીને પામવા માટે પત્નીએ પતિની હત્યા કરવા કાવતરું કરવામાં આવ્યું હતુ. પતિની રીક્ષા રાત્રીના સમયે પાર્ક કરેલી હતી તે દરમિયાન પ્રેમી આસિફે રીક્ષામાં મુકેલા સામાનને ચેક કરતાં એક દાવત જીરા નામની સોડાની બોટલ મળી હતી. જેમાં પોટેશિયમ સાઈનાઈડ મીલાવ્યું હતું. જે પીણું પીતા જ પતિ અને તેના મિત્રનું મોત થયું હતું.
પતિને મારવા માટે અગાઉ પત્ની દ્વારા પોટેશિયમ સાઈનાઈડથી પતિને મારવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ જેમાં નિષ્ફળતા મળી હતી. પ્રેમીએ અગાઉ પાણીની બોટલમાં અને પત્નીએ ઘરે પોટેશિયમ સાઈનાઈડ આપવાનો પ્રયત્ન કર્યો હતો. છેલ્લા એક વર્ષથી પત્નીનું આસિફે સાથે અફેર ચાલતું હતુ અને છેલ્લા છ મહિનાથી લગ્ન કરવા માટેનું પ્લાન બનાવી રહ્યા હતા. હાલ સમગ્ર મામલે પોલીસે પત્ની મમતાબેન, પ્રેમી આસિફે અને આસિફનો મિત્ર ઈમરાની ધરપકડ કરી છે. જોકે આરોપી પોટેશિયમ સાઈનાઈડ ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.