Junagadh Majevdi car accident: જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામ નજીક ફોર ટ્રેક રોડ પર આજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ રહેલા બનાસકાંઠાના એક પરિવારની અર્ટિગા કાર રસ્તા પર બંધ ઉભેલી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનામાં એક માસૂમ બાળકનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો.
મળતી વિગતો મુજબ, બનાસકાંઠા જિલ્લાનો આ પરિવાર પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન માટે અર્ટિગા કારમાં સવાર થઈને સોમનાથ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન જૂનાગઢના મજેવડી ગામ પાસે હાઈવે પર બંધ હાલતમાં ઉભેલી એક ટ્રક સાથે તેમની કાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને ચાર સભ્યોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108 ઇમરજન્સી સેવાની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરીને તમામ ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાંથી બે લોકોની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે મૃતકોના શબને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. તેમજ હાઈવે પર બંધ પડેલી ટ્રકના ચાલકની બેદરકારી સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ શરૂ કરી છે.








