Amreli Lion attack case : બાળકો સહિતના લોકો પર સિંહના હુમલાના બનાવો વધી રહ્યાં છે. ગીરનાર પર કાકા સાથે નીકળેલા બાળક પર હુમલો કરીને સિંહે ફાડી ખાધો હોવાના સમાચારની વચ્ચે અમરેલીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. શેત્રુંજી વન વિભાગે અમરેલીના લીલીયા પંથકમાં સિંહ હુમલામાં મૃત્યુ પામેલા યુવક સહિત ત્રણ જણા સામે વન વિભાગે સિંહ પજવણી કરવાની કલમ હેઠળ ગુનો (Forest department registers lion harassment case) નોંધી સ્થાનિક અદાલતમાંથી આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
બે દિવસ અગાઉ અમરેલીના લીલીયા પંથકના અંટાળીયા નજીક સિંહે કરેલા હુમલામાં 21 વર્ષીય સોહિલ મુંજાવરનું મોત થયું હતું. સિંહ હુમલાની ઘટના બાદ શેત્રુંજી વન વિભાગની લીલીયા રેન્જના અધિકારી-કર્મચારીઓએ તપાસ આરંભી હતી. તપાસ દરમિયાન મૃતક સોહિલ મુંજાવર અને તેના બે મિત્રો યશરાજસિંહ રાઠોડ તથા રેહાનખાન પઠાણ સાથે સિંહ દર્શન કરવા ગયો હતો. ત્રણ મિત્રો ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા ગયા ત્યારે આ ઘટના ઘટી હતી. જેથી વન વિભાગે મૃતક સહિત ત્રણેય સામે સિંહ પજવણી કરવાનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કર્યા બાદ વધુ તપાસ માટે યશરાજ અને રેહાનને મોટા લીલીયા કોર્ટ (Liliya Court) માં રજૂ કરી વન વિભાગે રિમાન્ડ માગતા આરોપીઓેને બે દિવસના રિમાન્ડ પર સોંપાયા છે.








