કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દેશના કોઈ પણ સ્થળના રેડલાઇટ વિસ્તાર તેની અંધકારભરી સ્ટોરી માટે જાણીતાં છે. પણ બિહારના (Bihar) મુઝફ્ફરનગરના રેડલાઇડ વિસ્તારમાં ‘જુગ્નુ’ પ્રકાશ ફેલાવી રહ્યું છે. જુગ્નુ એક મેગેઝિન છે જે આ રેડલાઇટ વિસ્તારમાંથી પ્રકાશિત થાય છે. આનું કન્ટેન્ટ તૈયાર કરનારાં રેડલાઇટ વિસ્તારના બાળકો છે. આ મેગેઝિનની શરૂઆત 1994માં થઈ હતી અને તે અત્યાર સુધી ચાલતું આવ્યું, તેનું મહત્ત્વનું કારણ ‘પરચમ’નામની સ્વૈચ્છિક સંસ્થા છે. 36 પાનાંના જુગ્નુમાં રેડલાઇટ વિસ્તારમાં નિવાસ કરતાં બાળકોની અભિવ્યક્તિ કવિતા, ચિત્રો અને લેખો દ્વારા થાય છે. ઘણી વાર તેમાં ખુદ સેક્સ વર્કર અને કેટલાંક સામાજિક કાર્યકરોનું પણ લખાણ આવે છે. હાથથી લખાયેલું આ મેગેઝિનની ધીરે-ધીરે ખ્યાતિ એટલે સુધી પહોંચી છે કે, આજે મોટાં ભાગના અંગ્રેજી મીડિયામાં તેની સ્ટોરી પબ્લિશ થઈ ચૂકી છે.

જુગ્નુમાં આવતી સ્ટોરીઓ એક સમયે મુખ્યધારાના અખબાર અને સામાયિકમાં લેવાતી ન હતી, તે જ કારણે ‘પરચમ’ સંસ્થાના પ્રમુખ નસીમા ખાતૂનને લાગ્યું કે, આ બાળકોને સમાજના અન્ય વર્ગોના બાળકોની જેમ સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. કેટલાંક બાળકો તો શાળામાંથી ડ્રોપ-આઉટ પણ થઈ ચૂક્યા છે. મેગેઝિન દ્વારા અમે વિસ્તારના દરેક બાળકોને એકઠાં કરીને બહારની દુનિયા માટે ભવિષ્ય દાખવી શકીએ છીએ. સામાન્ય રીતે રેડલાઇટ વિસ્તારના બાળકો બહારની દુનિયાને કલ્પી શકતા નથી. પરંતુ આજે જુગ્નુના કારણે તેઓ અંધકારભરી ગલીઓમાં પણ ઝળહળતો પ્રકાશ જોઈ રહ્યા છે અને આ નાનાં નાનાં સપના જ તેમને પાંખ આપશે.

આજે જ્યારે કન્ટેન્ટ બાબતે મીડિયામાં સતત મારો થઈ રહ્યો છે ત્યારે જુગ્નુની સફર સ્વાભાવિક જ પડકારભરી રહી. શરૂઆતના દોરમાં જુગ્નુ માત્ર છ પાનાંનું એક ચોપાનિયું હતું. પરંતુ ધીરે ધીરે તેની ખ્યાતિ પ્રસરી અને આજે તે 36 પાનાનું ત્રિમાસિક છે. હવે માત્ર મુઝફ્ફરનગર જ નહીં, પરંતુ રાજસ્થાન, ભોપાલ, બિહાર અને મહારાષ્ટ્રના રેડલાઇટ વિસ્તારમાંથી પણ તેનું કન્ટેન્ટ આવે છે. આ મેગેઝિનની અસરની નોંધ બહારના વિશ્વના મેગેઝિનમાં તો લેવાઈ રહી છે, પણ સાથે સાથે કેટલાંક સંગઠનો જે બાળકોના ક્ષેત્રમાં કાર્ય કરતાં હોય તે પણ આની અસરથી આશ્ચર્ય પામી રહ્યા છે. જેમ કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સ્થાનિક સેક્રેટરી પરેશ પ્રસાદ સિંઘ આ મેગેઝિનને આ રીતે જુએ છે: ‘જુગ્નુની અસર આ વિસ્તારમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. કન્ટેન્ટ જોઈને એવું લાગે છે કે અહીંયા પ્રતિભાવાન બાળકો કેદ થયા છે. તેમના ચિત્રો, કવિતા કે લેખો સમાજના અન્ય બાળકો કરતાં જરાસરખા પણ ઉતરતાં નથી, તેમને પણ અન્ય મીડિયામાં ચોક્કસ સ્થાન મળવું જોઈએ.’ દસ વર્ષની ફરઝાના જે મેગેઝિનમાં લખે છે તે તેના સપનાંને આ રીતે અભિવ્યક્ત કરે છે કે, ‘હું આ વિસ્તારમાં કામ કરવા માંગતી નથી. હું મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરીને ડોક્ટર બનવા માગુ છું. જેથી લોકો મારું સન્માન કરે અને મારી મમ્મીને પણ તે રીતે મુખ્યધારામાં લાવી શકાય.’

આજનું મીડિયા જગત કોઈ ઘટના બને ત્યારે કલાકો સુધી તેનું કવરેજ કરે. ઘણી વાર એકને એક કવરેજ દિવસો સુધી થાય. પરંતુ જ્યાં કોઈ આવું સપનાનું વાવેતર થતું હોય તે ઘટના હંમેશ માટે છૂટી જતી હોય છે અને જ્યારે આવી સંઘર્ષભરી કહાની ચૂકાઈ જાય ત્યારે તે તબકામાંથી જ કોઈ તેને બયાન કરે છે. જુગ્નુ સાથે એમ જ થયું છે. જુગ્નુનો વિચાર નાસિમા ખાતૂનને આવ્યો હતો. તેઓ પોતે રેડલાઇટ વિસ્તારમાં ઉછર્યા છે. તેમની ખ્યાતિ આજે માનવ અધિકાર કાર્યકર તરીકેની છે. પરંતુ તેમનું બાળપણ ગરીબીમાં વિત્યું અને શિક્ષણ મેળવવા માટે તેમને યોગ્ય વાતાવરણ પણ ન મળ્યું. નસિમા ખાતૂનના જીવનમાં ત્યારે કંઈ આશા દેખાઈ જ્યારે 1994 દરમિયાન તત્કાલિન IAS અધિકારી રાજબાલા વર્મા સેક્સ વર્કર બહેનો અને તેમના પરિવાર માટે એક કાર્યક્રમ લઈ આવ્યાં. નાસિમાં ખાતૂન એક આવા કાર્યક્રમનો હિસ્સો બની, જેનું નામ હતું ‘બેટર લાઇફ ઓપ્શન’. આ રીતે નાનાં નાનાં કામો કરીને નાસિમા તે વખતે 500 રૂપિયા જેટલી રકમ મહિને કમાવી લેતી. જોકે નાસિમાનું આ કાર્યક્રમ સાથે જોડાવવું તે વખતે તેમના પાડોશી અને પિતાને પણ પસંદ ન પડ્યું. પરંતુ કાર્યક્રમના કોર્ડિનેટર મક્કમ હતા, તેમણે તેના પિતાને સમજાવ્યા અને મુંબઈમાં નાસિમા પોતાનો પ્રાથમિક અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરી આપી. મુંબઈમાં શિક્ષણ લીધા પછી નાસિમા 2001માં પાછાં મુંબઈથી મુઝ્ઝફરનગર આવે છે અને ત્યારે જુએ છે કે અહીંયા કશુંય બદલાયું નથી. નાસિમા મુંબઈની દુનિયા જોઈ આવી હતી, તેને ખ્યાલ હતો કે માણસ ઇચ્છે તો આ દલદલમાંથી બહાર નીકળી શકે. બસ, આ સપનું તે અહીંયાના બાળકોમાં રોપવા માગતી હતી.

1994થી શરૂ થયેલું જુગ્નુનો વચ્ચે એવો પણ સમય આવ્યો જ્યારે તે બંધ થઈ ગયું અને લાંબા સમય સુધી બંધ રહ્યું. નસિમા તે વખતે પારિવારિક કારણોસર રાજસ્થાન જવું પડ્યું. અને જ્યારે તે ફરી 2021માં મુઝફ્ફરપુર આવ્યાં તો તે ફરી શરૂ થયું. હવે ત્રણ મહિને તેના નિયમિત અંકો નીકળે છે. આ ઉપરાંત ફેસબુક પેજ પર પણ આ અંકને વાંચી શકાય છે. અહીં એક લેખ નીના શ્રીવાસ્તવે લખ્યો છે. તેમાં મુઝફ્ફરનગરમાં ચર્તુભુજ સ્થાન કરીને જે જગ્યા આવી છે તેનું વર્ણન અને વાસ્તવિકતા છે. લેખનું મથાળું છે: ‘ઉજાલા નગર યા અંધેર નગરી’. તેમાં નીના એક અદ્દલ લેખકની જેમ હિંદીમાં લખે છે: ‘કોઈ અધિકારીક આંકડે મોજૂદ નહીં હૈ લેકિન એક કિલોમીટર મેં ફૈલે પૂરે ચતુર્ભુજ સ્થાન મેં સેક્સ વર્કર્સ કી કુલ સંખ્યા 2500 સે અધિક હો સકતી હૈ. 2005 મેં મુઝફ્ફરપુર જિલે કી SP દીપીકા સૂરી કે નેતૃત્વ મેં ચતુર્ભુજ સ્થાન મેં એક બહુત બડા રેડ હુઆ થા જિસમેં લગભગ દો સૌ લડકિયાં કો પકડકર સેન્ટ્રલ જેલ મેં લાયા ગયા.’ વાક્યોનું આ પ્રકારનું બંધારણ અને સહજ-સરળ લિખાવટ આ મેગેઝિનમાં એમ જ નથી આવી, તે માટે સ્થાનિક પત્રકારોની પણ મદદ લેવાઈ છે. ખાસ કરીને અહીંના સ્થાનિક પત્રકાર શિવશંકર પ્રસાદે તેમને લાંબી ટ્રેનિંગ આપી, જેથી આ બાળકો સરસ રીતે લખતાં થયાં છે. તેમનો સંદેશો સીધો વાચક સુધી પહોંચે છે.
એવું નથી કે સેક્સ વર્કરોની દુનિયા સિવાય જુગ્નુમાં કશુંય આવતું નથી. જુગ્નુના કેટલાંક પાનાં જોયાં તેમાં આપણા બંધારણ વિશેની માહિતી પણ વાંચવા મળી. સેક્સ વર્કરના જીવન પર જેઓ કામ કરે છે તેમની પણ વાત અહીંયા પ્રકાશિત થાય છે. મોહમ્મદ આરીફ અત્યારે સેક્સ વર્કરના જીવન પર કામ કરી રહ્યા છે. તેમના લેખ ઘણી વાર મેગેઝિનમાં પ્રકાશિત થાય છે. તેઓ અભ્યાસના આધારે કહે છે કે, ‘ઉંમર વીત્યા બાદ સેક્સ વર્કર્સ કોઈ બીજું કામ કરી શકતી નથી. મોટા ભાગની સેક્સ વર્કર્સ ભીખ માગીને તેમનું જીવન પૂરું કરે છે. એટલે જ્યારે સેક્સ વર્કર્સના વિસ્તાર અંગે નીતિઓ ઘડાય ત્યારે માત્ર સેક્સ વર્કર્સ યુવતિઓ પર જ વાત ન થાય, બલકે ઉંમર વટાવી ગયેલી સેક્સ વર્કર્સ વિશે પણ નીતિ ઘડાવી જોઈએ.’ જુગ્નુથી કેટલાંક તત્કાલ બદલાવેય આવ્યા છે. જેમ કે બાડમેરમાં જિલ્લામાં જુગ્નુ મેગેઝિનના રિપોર્ટર પ્રેમનાથ ત્યાંના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને મળ્યા. મેગેઝિન દાખવ્યું. અને વાતવાતમાં કહ્યું કે તેમના વિસ્તારમાં વીજળી નથી. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે કહ્યું શક્ય એટલાં વીજળી મળી જાય તેવા પ્રયાસ કરીશું. આ રીતે કેટલાંક તત્કાલ બદલાવ પણ જુગ્નુથી થયા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








