નવજીવન ન્યૂઝ.કચ્છઃ કચ્છના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ નેતા જયંતિ ભાનુશાળીની હત્યાના ચકચારી કેસમાં છબીલ પટેલે બીજી વખત કરેલી રેગ્યુલર જામીન અરજી ભચાઉ કોર્ટે નકારી કાઢી હતી. છબીલ પટેલે પોતાને રાજકીય કાવાદાવા હેઠળ આ કેસમાં ફસાવ્યા હોવાનું તેમજ લાંબો સમય જ્યૂડિશિયલ કસ્ટડીમાં હોવાનું કારણ આપતા જામીન માગ્યા હતા. છબીલ પટેલના વકીલની દલીલ હતી કે આરોપીને સંડોવતા સીધા કોઈ પુરાવા નથી. કેસની તપાસ પુરી થઈ ગઈ છે અને ચાર્જશીટ રજૂ થઈ ગઈ છે. આ તરફ સરકારી વકીલ તુષાર ગોકાણીએ જામીન અરજીનો વિરોધ કરી કહ્યું કે પ્રથમદર્શીય પુરાવા છે, આ એક રાજકીય હત્યા અને ષડયંત્રની કડીઓ રેકોર્ડ પર પુરવાર થાય છે. બંનેની દલીલો સાંભળ્યા પછી કોર્ટે રેગ્યુલર જામીનની અરજીને નકારી કાઢી હતી.
જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. તેઓ સયાજીનગરી ટ્રેનમાં ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ નેતા છબીલ પટેલ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ અને જયંતિ ભાનુશાળી રાજકીય હરીફ હતા.
ભાનુશાળીની હત્યા થઈ ત્યારે છબીલ પટેલ અને અન્ય વ્યક્તિઓની સામે શંકાની સોય હતી. પોલીસે તેમની ધરપકડ કરી અને કોર્ટમાં કેસ ચાલ્યો છબીલ પટેલે, બીજી વખત કરેલી રેગ્યુલર જામીન અરજી ભચાઉ કોર્ટે નકારી કાઢી હતી. કોર્ટે ટાંક્યું કે હાલની જામીન અરજી કે પુરાવા પર ચર્ચાની જરૂર નથી. ગુનાની ગંભીરતાને અહીં ધ્યાને લેવી જોઈએ. અરજદારના સામાજીક રુઆબને ધ્યાને લેતા કોર્ટ તેમની અરજી માન્ય રાખવાના પક્ષમાં નથી.