દિલીપ ચાવડા (નવજીવન ન્યૂઝ. સુરત): સુરત ગ્રામ્ય પોલીસના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં દેસી અને વિદેશી દારૂના વેચાણ સંદર્ભે પ્રોહિબિસન એક્ટ મુજબ નોંધાયેલા કેસના આંકડા પરથી સુરત ગ્રામ્યમાં પુરુષ બુટલેગરો કરતા ત્રણ ગણી વધુ મહિલા બૂટલેગરો દારૂનો વ્યવસાય કરે છે તેવું સામે આવ્યું છે. જે ખુબ જ ચોંકાવનારી બાબત છે. એટલુ જ નહીં પણ સુરત ગ્રામ્યમાં ઓલપાડ તાલુકામાં સૌથી વધુ મહિલાઓ દારૂના વ્યવસાય થકી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે મહિલા બૂટલેગરો દ્વારા રોજગારીનો અભાવ અને પરિવારના જવાબદારી કારણભૂત હોવાનું કહેવાય છે. ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાં દેશી બનાવટનો દારૂ બનાવી છુટક વેચાણ કરવા સાથે સુરત શહેરમાં સપ્લાય કરવાનો મોટા પાયે વેપલો હોય, ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાં મહિલા બુટેલગરો દ્વારા દારૂડિયાઓના સ્વાસ્થયને ખતરારૂપ વિવિધ ઝેરી કેમીકલોથી દેશી દારૂ બનાવામાં આવે છે.
અરબી સમુદ્રના કાંઠાના ગામોમાં રોજગારી ન મળતા મહિલાઓ દારૂની બદીમાં લાગી હોય ત્યારે દારૂના દુષણથી તેમને દુર કરવા સાથે આત્મનિર્ભર બની પગભર કરવાના સારા હેતુથી સુરત ગ્રામ્ય પોલીસ અને એક ખાનગી સંસ્થાએ ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાં સ્વરોજગારની જવાબદારી ઉપાડી હતી. જે થકી મહિલા બુટલેગરો દારૂના વ્યવસાયથી દુર થઈને સ્વનિર્ભર બનવા ઈચ્છતી હોય તેવી મહિલા બુટલેગરોને સ્વરોજગાર લક્ષી ટ્રેનિગ આપી ગૃહ ઉદ્યોગોમાં જોડવાનો IPS ઉષા રાડાનો પ્રથમ અને સરાહનિય પ્રોજેક્ટનું તેમની બઢતી સાથે બદલી થતાં બાળ મરણ થયાનું નોધાયું છે.
સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકો જે દેશી અને વિદેશી દારૂના વેચાણથી પંકાયેલો છે. મહારાસ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોઆ, રાજસ્થાન અને દમણથી વિદેશી દારૂ અહીં વેંચાણ માટે મોટા પાયે ઠલવાય છે. ત્યારે પોલીસ સાથેની સુવ્યવસ્થિત ગોઠવણ સાથે રાજકીય વગ ધરાવતા નામચીન બુટલેગરો વિદેશી દારૂના વેચાણ કરવામાં સક્રિય છે. જ્યારે આટલું જ નહીં પણ ઓલપાડ તાલુકાના તમામ 108 ગામોમાં દેશી દારૂ બનાવવા સાથે છૂટક વેચાણ અને તાલુકા બહાર સપ્લાય કરવાનો મોટા પાયે વેપલો ચાલે છે. હળપતિ અને આદિવાસી સાથે ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાં તળપદા કોળી સમાજના કેટલાક પરિવારોની મહિલાઓ દેશી દારૂ બનાવવા અને વેચવાનું ગૃહ ઉદ્યોગની માફક કામ કરતા આવ્યા છે.
ઓલપાડ તાલુકામાં ફેલાયેલી દારૂની બદી દૂર કરી દારૂના વ્યવસાય સાથે જોડાયેલી મહિલા બુટલેગરોને અન્ય ગૃહ ઉદ્યોગો તરફ વાળી સન્માનભેર નવું જીવન જીવવાની રાહ દેખાડવાનું બીડું સુરત ગ્રામ્ય પોલીસના તત્કાલિન મહિલા પોલીસ અધિક્ષક IPS ઉષા રાડાએ એક ખાનગી સંસ્થા સાથે મળીને ઉપાડ્યું હતું. દેશી બનાવટનો ઝેરી કેમિલોથી બનતો સ્વાસ્થ્યને હાનીકાર દેશી દારૂ પીવાથી અનેક યુવાનો જીવ ગુમાવવા સાથે દારૂના વ્યસનનો આદિ બની પોતાના પરિવારને દુઃખી કરવા સાથે અનેક પરિવાર વેરવિખેર થઈ ગયા છે. ત્યારે સમાજ માટે ખુબ જ નુકસાન કરતા દારૂના દુષણથી મહિલાઓને દૂર કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવવા સાથે જીવન નિર્વાહ માટે અન્ય વ્યવસાય ઉભો કરવો જરૂરી હતો, જેના કારણે સુરત ગ્રામ્ય પોલીસ અને ખાનગી સંસ્થાના સહયોગથી આ કામગીરીનો ઓલપાડ તાલુકાના કાંઠાના લવાછા ગામથી આરંભ કરવાના ભાગરૂપે મહિલા બુટલેગરો સાથે બેઠક કરી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.
સુરત ગ્રામ્ય તત્કાલિન જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા અને સુરતના કાજલ ત્રિવેદી કુંડલીયા સંચાલિત તથાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ ભેગા મળી 31 જાન્યુઆરીએ ઓલપાડ તાલુકાના છેવાડાના લવાછા ગામે દેશી દારૂ બનાવવા અને વેચવાનો વેપલો કરતી મહિલા બુટલેગરો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું જેમાં 50 મહિલા બુટલેગરો હાજર રહી હતી. બેઠકમાં હાજર તમામ મહિલા બુટલેગરોએ દારૂના વ્યવસાયમાંથી દૂર થવાની તૈયારી બતાવતા SP ઉષા રાડા અને ખાનગી સંસ્થાએ તેમને સ્વનિર્ભર બનાવવા જુદા જુદા લઘુ તેમજ ગૃહ ઉદ્યોગોની તાલીમ આપવાની કામગીરી હાથ ધરાવવાની હતી, ત્યાં જ ગણતરીના દિવસોમાં IPS ઉષા રાડાની સુરત ગ્રામ્ય SP થી DCP તારીકે સુરત શહેરમાં બદલી થતાં આત્મનિર્ભર પ્રોજેકટનું બાળ મરણ થયું.
મહિલાઓને દેસી દારૂના વ્યવસાયની બદીથી દૂર કરીગૃહ ઉધ્યોગના વ્યવસાય થકી પગભર કરવાનો પ્રોજેકટ હવે ટલ્લે ચઢ્યો છે. ત્યારે બોટાદની જીવલેણ ઘટના બાદ રાજ્ય ગૃહ વિભાગ દ્વારા સદર પોજેક્ટની નોંધ લઈને કાર્યરત કરવા સુરત ગ્રામ્ય પોલીસને પ્રોત્સાહિત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાં બોટાદ જેવી ઘટના થતી અટકે. આટલુ જ નહીં પણ દારૂની બદીને લઈને યુવાનોના મૃત્યુથી નિર્દોષ મહિલાઓ અને બાળકોનું જીવન ઉજળતું બંધ થશે.
સુરત ગ્રામ્યમાં દેસી દારૂના વ્યવસાય સાથે જોડાયેલી મહિલા બુટલેગરોને નાના ગૃહ ઉધ્યોગ થકી પગભર કરવા માટેનો પ્રોજેકટ આત્મનિર્ભળ એ SP ઉષા રાડાના સહયોગથી પ્રથમ પ્રયત્ન હતો. ઓલપાડ તાલુકાનાં કાંઠાના ગામોમાં પ્રોજેકટ કાર્યરત કરવાની સાથે જ SP ઉષા રાડાની બદલી થતાં પ્રોજેકટ અટક્યો છે. પોલીસના સહયોગ વગર આવો પ્રોજેકટ કરવો શક્ય નથી, જેથી ત્યાર બાદ આ પ્રોજેકટ માટે રાજ્ય ગૃહ વિભાગ સહયોગી બને તે માટે મે હર્ષ સંઘવીને એક ખાનગી સંસ્થા દ્વારા મળીને રજૂઆત કરવામાં આવી છે.








