નવજીવન ન્યૂઝ.જામનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રીય નેતાઓની અવરજવર વધી છે, કારણ છે ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂટણી. ચૂંટણીમાં ભાજપ નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સતત અવરજવર રહી છે, ગૃહમંત્રી અમિત શાહ પણ આવ્યા હતા. આ ઉપરાંત આપ નેતા અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી અને આપ નેતા, ભગવંત માન, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવી ચુક્યા છે. દરમિયાનમાં આજે વડાપ્રધાન મોદી જામનગર આવવાના છે જે વખતે આમ આદમી પાર્ટી જામનગર દ્વારા પોતાના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હોવાના આરોપ લગાવાયા છે.
જામનગરમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી મોટી જનમેદનીને સંબોધવાના છે. આ દરમિયાન કોઈ વિરોધ પ્રદર્શનો થાય તેને અટકાવવા માટે તંત્ર કામે લાગ્યું હોય તેવી સ્થિતી નિર્માણ થઈ હોવાની વાત આમ આદમી પાર્ટીએ કરી છે. આપ દ્વારા આ મામલે જામનગરના ટ્વીટર હેન્ડલ પરથી પોસ્ટ મુકાઈ છે કે, ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપને ઈશારે હિટલરશાહી… જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવવાના હોવાથી આમ આદમી પાર્ટીના નેતાઓને નજર કેદ કરવામાં આવી રહ્યા છે. આ લોકશાહીની હત્યા છે…!








