એમસીએકસ ચાંદી મે વાયદો એક તબક્કે વૈશ્વિક પ્રવાહોને અનુરૂપ રૂ. ૧૦,૫૦૮નાં ઉછાળે રૂ. ૨,૯૭,૭૯૯ની ઊંચાઈ સર કરી રૂ. ૨,૮૦,૦૦૦
નબળા બોન્ડ યીલ્ડ અને કરન્સી તેમજ ઘટતા શેરબજારોમાંથી મૂડી નીકળીને બુલિયનબજારમાં આવી
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): વિશ્વ યુદ્ધના તખ્તે બેસુમાર જોખમ વધ્યું છે, સાથે જ શેરબજારમાં ખુંવારી વધતા, રોકાણકારો તેમની મૂડીની સલામતીના સ્ત્રોત શોધવા સોના અને ચાંદી તરફ આકર્ષિત થયા. નબળા ડોલરે પણ સોનાચાંદીની તેજીમાં ઇંધણ પૂર્યું. જ્યાં સુધી મધ્યપૂર્વમાં સ્થિરતા પાછી નહી ફરે ત્યાં સુધી, બુલિયનબજારમાં તેજીવાળાનો હાથ ઉપર રહેવાનો. આ તબક્કે રોકાણકારોને એવી સલાહ આપવામાં આવે છે કે બજારમાં પ્રવર્તતા અને ઝડપથી બદલાતા આંતરપ્રવાહો પર સટીક નજર રાખવામાં આવે, કોઈ ઉતાવળા નિર્ણય લેતા પૂર્વે બજાર અને ભાવનાં વલણનું આકલન કરવામાં આવે. આડેધડ બોલાતા પ્રોક્સી ભાવ પ્રીમીયમ તરફ ધ્યાન નહિ આપવામાં આવે તો, આરંભમાં દેખાતો નફો લાખના બાર હજાર પુરવાર થઇ શકે છે.
જ્યારે જ્યારે જોખમનું પ્રમાણ વધે ત્યારે ત્યારે શેરબજાર અને જોખમી અસ્કયામતોમાં વેચવાલીનું દબાણ વધે છે. રોકાણકારોએ તેમની મુડી ક્યા ઉત્તમ અને સલામત સ્ત્રોતમાં પાર્ક કરવી? તેની શોધમાં સોના અને ચાંદીને ઉપલા ક્રમમાં મુકવા લાગ્યા છે. વિશ્વમાં જ્યારે જ્યારે અચોક્કસતા નિર્માણ થાય અને રોકાણકાર મૂંઝવણમાં મુકાય ત્યારે સોનું અને ચાંદી ઉત્તમ બેરોમીટર બની જતું હોય છે. આપણે જ્યારે વૈશ્વિક ભૂ-રાજકીય ચિંતાઓના નવા યુગમાં દાખલ થાય છીએ ત્યારે ચોક્કસપણે સોનાચાંદીના ભાવ ઉપર જવાનાં માર્ગે અગ્રેસર થતા હોય છે. સોમવારે મલ્ટી કોમોડીટી એક્સચેન્જ પર ચાંદી મે વાયદો એક તબક્કે વૈશ્વિક પ્રવાહોને અનુરૂપ રૂ. ૧૦,૫૦૮નાં ઉછાળે કિલો દીઠ રૂ. ૨,૯૭,૭૯૯ની ઊંચાઈ સર કરી રૂ. ૨,૮૦,૦૦૦ સોમવારે બંધ થયો હતો. જ્યારે એમસીએકસ સોનું એપ્રિલ વાયદો ઉછળીને ૧૦ ગ્રામ દીઠ ૧,૬૯,૮૮૦ બોલાયા બાદ રૂ ૧,૬૬,૧૯૯ બંધ થયો હતો. હવે એ જોવાનું રહેશે કે ૨૯ જાન્યુઆરીએ કોમેકસ સોનું ૫૬૨૬ ડોલર અને ચાંદી ૧૨૧.૬૭ ડોલરની વિક્રમ ઉન્ચાઇઓ ટૂંકાગાળામાં આંબી જશે કે નહિ?
આ વર્ષે ભૂ-રાજકીય સમસ્યાઓ, સેન્ટ્રલ બેન્કોની ખરીદી અને અમેરિકન ફેડરલ રીઝર્વે વ્યાજદર ઘટાડતા અત્યાર સુધીમાં સોનું ૨૫ ટકા વધી આવ્યું છે. હવે જ્યારે ત્રીજા વિશ્વ-યુદ્ધનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે ત્યારે, આવનારી પુરવઠા અછત અને મૂડી સલામતી માટે રોકાણકારો સોનાચાંદીમાં રોકાણકારોનું ખરીદી મોમેન્ટમ કેટલું વધે છે તે પણ જોવાનું રહેશે. નબળા બોન્ડ યીલ્ડ અને કરન્સી તેમજ ઘટતા શેરબજારોમાંથી મૂડી નીકળીને બુલિયનબજારમાં આવી હતી. સેન્ટ્રલ બેન્કોની ખરીદી અને યુદ્ધનો ખળભળાટ જેવા કારનોસર ૧૯૭૩ પછી પહેલી વખત, સોનાએ સતત સાતમાં મહીને ફેબ્રુઆરીમાં વૃદ્ધિ દાખવી હતી.
સોમવારે એક તબક્કે કોમેકસ સોનું એપ્રિલ વાયદો બાવન સપ્તાહની ૮૬.૦૫ ટકા ઉંચાઈએ, ૫૪૩૩.૭૫ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) મુકાઈ, મંગળવારે ૫૩૭૮.૩૫ ડોલર બોલાયો હતો. સ્પોટ હાજર સોનું સોમવારે ૫૪૧૯.૩૨ ડોલર થઇ મંગળવારે ૫૩૧૬ ડોલર બોલાતું હતું. જો ભાવ ૫૪૫૦ ડોલરની ઉપર જશે તો, તેજીવાળા તેને ૫૪૮૦ ડોલર અને ત્યાર પછી ૫૫૨૦ ડોલર લઇ જવાનો લક્ષ્યાંક ધરાવે છે. કોમેકસ ચાંદી મે વાયદો ૯૬.૯૩ ડોલરે મુકાયો હતો, જે બાવન સપ્તાહની ૧૮૮.૩૬ ટકા ઊંચાઈ દાખવે છે. ફેબ્રુઆરીમાં ભાવ ૨૫ ટકા વધ્યા બાદ, મંગળવારે સ્પોટ ચાંદી ૮૬.૫૫ ડોલર બોલાતી હતી. ચાંદીનો વર્તમાન રેસીસ્ટન્ટ ૯૭ ડોલર છે, આ ભાવ વટાવી જશે તો ટ્રેડરો ૧૦૦ ડોલર ભાવને લક્ષ્યાંક બનાવશે.
છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇન્ડેક્સ મંગળવારે ૦.૩૬ ટકા વધીને ૯૮.૭૦ પોઈન્ટ થતા, વિદેશી ગ્રાહકો માટે સોનાની ખરીદી મોંઘી બનાવી હતી. પરિણામે ભાવ ઘટવાનું દબાણ વધ્યું હતું. અત્યારે તો યુદ્ધના જોખમોનું વાસ્તવિક પ્રતિબિંબ સોનાચાંદીના ભાવમાં ઝીલાયું છે, પણ ટ્રેડરો એ પણ જાણે છે કે ભાવે યુદ્ધનું વધુ પડતું પ્રીમીયમ લઇ લીધું છે. અને ભાવ તબક્કાવાર વાસ્તવિક સ્તરે આવી જશે. ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે અગાઉ જે વિવાદો થયા હતા, તેના કરતા આ વખતે ઝઘડાનું સ્વરૂપ જુદું છે, ત્યારે અમેરીકા-ઇઝરાયેલ અને ઈરાન આ જોખમને કેટલું આગળ ખેંચે છે તે જોવાનું રહેશે. ચોક્કસ પણે કહી શકાય કે સ્થિતિ હજુ થોડા વધુ દિવસો ગંભીર અને અનિશ્ચિતતાવાળી બની રહેશે, એ જોતા ભાવમાં મોટી ઉથલપાથલ સંભવિત છે. અલબત્ત, સોનાચાંદીના ભાવમાં વધારો આગળ વધી શકે છે. આ યુદ્ધની અસર કેટલી વ્યાપક હશે, તેનું અનુમાન દરેકે પોતાની રીતે કાઢવાનું રહેશે. પણ જો ગત સપ્તાહની વધઘટ જોઈ તો કહી શકાય કે સોનામાં નવા અને ઊંચા ભાવ છપાશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








