2016ની નોટબંધી હવે લોકોની યાદોમાં ધૂંધળી પડી ગઈ છે. 500 અને 1000 રૂપિયાની જૂની નોટો ક્યારેક દેશવ્યાપી ચર્ચાનો વિષય હતી, પરંતુ વર્ષો બાદ હવે એ મુદ્દો જાહેર ચર્ચામાં પણ ભાગ્યે જ સાંભળવા મળે છે. તેમ છતાં, હકીકત એ છે કે હજુ પણ ક્યાંક કોઈ પાસે લાખો રૂપિયાની રદ થયેલી નોટો છુપાયેલી છે — અને તેને કમિશન પર વટાવવાના પ્રયાસો ચાલુ છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં પોલીસે 89 લાખ રૂપિયાની રદ થયેલી 500 અને 1000ની ચલણી નોટો સાથે બે યુવકોને ઝડપી પાડ્યા છે.
ગેલેક્ષી ચાર રસ્તા પાસે ઓપરેશન
નરોડા પોલીસને બાતમી મળી હતી કે મહેસાણા પાસિંગની કારમાં રદ થયેલી નોટોની હેરફેર થવાની છે. પોલીસે ગેલેક્ષી ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક શખસ નોટો ભરેલું પાર્સલ લઈને કાર પાસે પહોંચ્યો હતો. પોલીસ ત્રાટકતાં જ બે શખસો નાસી છૂટ્યા, જ્યારે બેને પકડી પાડવામાં આવ્યા.
પાર્સલ ચેક કરતા તેમાં 500ના દરની 9100 નોટ અને 1000ના દરની 4350 નોટ મળી આવી — કુલ મૂલ્ય 89 લાખ રૂપિયા.
પોલીસે કૃષ્ણપાલસિંહ સોઢા (રહે. માંકા, તા. હારીજ, પાટણ) અને અનિલ દેસાઈ/રબારી (રહે. કૃષ્ણનગર, અમદાવાદ, મૂળ માંકા, પાટણ)ને અટકાયત કરી છે. સાથે બે મોબાઈલ ફોન અને વેગન-આર કાર જપ્ત કરવામાં આવી છે.
કમિશન પર નોટો વટાવવાનો રેકેટ
પૂછપરછમાં માંકા ગામના જીતેન્દ્ર રાઠોડ અને મુકેશ રબારીના નામ સામે આવ્યા છે. પોલીસ મુજબ, નોટબંધીવાળી નોટોની હેરફેર માટે ફેરા દીઠ 25થી 30 હજાર રૂપિયાનું કમિશન આપવામાં આવતું હતું.
મુકેશ રબારી અગાઉ પણ લાખો રૂપિયાની રદ નોટો વટાવી ચૂક્યો હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે. 89 લાખની નોટો વટાવવા માટે જ આપેલ હતી, પરંતુ કોઈ કારણસર પરત લેવામાં આવી રહી હતી, ત્યારે પોલીસ હાથ ધરી ગઈ.
વર્ષો બાદ પણ કેમ બચી છે રદ નોટો?
નોટબંધીને લગભગ એક દાયકાનો સમય વીત્યો છે. લોકોના દૈનિક જીવનમાંથી એ ચર્ચા ગાયબ થઈ ગઈ છે. છતાં આવા કેસો બતાવે છે કે કેટલીક જગ્યાએ જૂની નોટો હજુ પણ ગેરકાયદેસર રીતે વટાવવાનો પ્રયાસ થાય છે.
સવાલ એ ઊભો થાય છે કે આટલા વર્ષો બાદ પણ લાખો રૂપિયાની રદ થયેલી નોટો ક્યાંથી આવી? કોના પાસે જમા રહી? અને કયા નેટવર્ક દ્વારા તેને હજી પણ “કમાણી”માં ફેરવવાનો પ્રયાસ થાય છે?
નરોડા પોલીસ હવે ફરાર આરોપીઓની શોધખોળ સાથે આ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








