Thursday, May 14, 2026
HomeGujaratગાંધીના નામે તરવું સરળ છે, પણ ગાંધીની જેમ જીવવું અઘરું છે

ગાંધીના નામે તરવું સરળ છે, પણ ગાંધીની જેમ જીવવું અઘરું છે

- Advertisement -

મુકુંદ પંડ્યા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): બરાબર સો વર્ષ પહેલાં,૧૯૨૨માં રાજદ્રોહના ગુના સબબ અંગ્રેજ સરકારે દસમી માર્ચે મોહનદાસ કરમચંદ ગાંધીની ધરપકડ કરી હતી. તે પહેલાં, નવમી માર્ચે અજમેરથી ગાંધી સંદેશ આવ્યો. સર્ચલાઈટમાં પ્રકાશિત આ સંદેશામાં તેમણે કહ્યું હતું કે, (૧)હું પકડાઉં ત્યારે કોઈ જાતના દેખાવો ન થવા જોઈએ કે હડતાળ ન પડવી જોઈએ, (૨)સામુદાયિક સવિનયભંગ ઉપાડવો ન જોઇએ અને અહિંસાનું કડક પાલન થવું જોઇએ, (૩)અસ્પૃશ્યતાનિવારણ અને દારૂનિષેધ ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ.

એક સદી પહેલાંનો આ ગાંધી સંદેશ અત્યારે એટલા માટે યાદ આવ્યો કે આજકાલ રાજકારણી, રાજનેતાઓ તેમને નાની અમથી પરેશાની આવે ત્યારે દેખાવો, ધરણાં, વિરોધ-પ્રદર્શન કરવા પર ઉતરી પડવાના કોલ આપે છે. તાજેતરનો કિસ્સો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ઈડી સમક્ષ હાજર થવાની વાતને લઈને આખા દેશમાં દેખાવો, ધરણાં કરવાના કોલ આપવામાં આવે છે. કોઈ મુદ્દે વિરોધ કરવાનો અધિકાર માથાભેર છે. શું કોંગ્રેસ કે શું ભાજપ, શું એનસીપી કે શું શિવસેના, શું તૃણમૂલ કે શું આપ કે પછી ઈતર રાજકીય પક્ષો- બધા જ એમના એકાદ નેતા વિરુદ્ધ થતી કાર્યવાહીને લોકોની જિંદગી સાથે જોડી દે છે. સરકારી કાર્યવાહીઓ રાજકીય વસૂલાતનો માર્ગ બનતી આવી છે એ નિ:શંક છે. કોઈ સરકારો ચોખ્ખી નથી. બધા રાજકીય પક્ષો સત્તામાં હોય ત્યારે અને વિપક્ષમાં બેસે ત્યારે બધી વાતોને પોતાની ઈલાસ્ટિકની ફૂટપટ્ટીથી માપતા રહે છે. એટલું જ નહીં લોકોને પણ એ માપ પ્રમાણે લાંબા-ટૂંકા થવાનું કહે છે!

- Advertisement -



ગાંધી-પરિવાર સામેની ઈડી કાર્યવાહીનો વિરોધ કરવાનો તેમના કોંગ્રેસ પક્ષનો અબાધિત અધિકાર છે. પણ તો ય એમ કહેવાનું મન થાય કે આવા વિરોધ-પ્રદર્શનને બદલે આખા દેશમાં સફાઈ અભિયાન, વૃક્ષારોપણ કે પછી લોકોપયોગી કાર્યો સાથે વિરોધનો મુદ્દો જોડી દે તો? પણ ખબર છે કે કોંગ્રેસ એમ નહીં કરે. બીજા કોઈ પક્ષો પણ એમ નહીં વિચારે.

વાત એટલી છે કે, ગાંધીના નામે તરવું છે, ગાંધીના કામ કરીને ગાંધીને જીવતા રાખવા નથી. કેમકે જીવતો ગાંધી તો ખોટું થાય તો કાન આમળે એવો હતો. ખોટું થયું તો બે કાન પકડીને લોકોની ક્ષમા માંગે એવો હતો. ચૌરીચોરાની ઘટના પછી પોતે જ આપેલું આંદોલનનું એલાન પાછું ખેંચી લેવાની આંતરિક તાકાત ગાંધી કને જ હતી. આજે એલાનો આપનાર ક્યારેય જવાબદારી સ્વીકારતા નથી કે આંદોલન દરમિયાન દેશની સંપત્તિને નુકસાન થાય, કોઈનો જીવ જાય તો અમે જવાબદાર છીએ.

- Advertisement -



ગાંધીના નામ, કામ, આદર્શ, આચરણ, અને ગાંધીના નામે , ગાંધી જેવી અટક-ઓળખ, ગાંધીચિંધ્યા માર્ગની ખોખલી વાતો વચ્ચે ફરક છે. પેલો ગાંધી સદીઓ લગી જીવતો રહેશે, ગાંધીનું નામ વટાવી ખાતા પક્ષો, રાજનેતાઓ નહીં.
(૨૧જુલાઈ એ, અમદાવાદના નેહરૂ પુલ પર રાત્રે જોયેલાં પોસ્ટર પછી મનમાં જાગેલી વાત. નવમી માર્ચના ગાંધી સંદેશ -ની માહિતી: નવજીવનનો અક્ષરદેહ સામયિક, એપ્રિલ-૨૦૨૨./-મુકુંદ)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular