નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં યુવાનો માટે મનપસંદ એવા એસ.જી હાઇવે અને સિંધુ ભવન રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સ પેડલરો સક્રિય થયા છે. પોલીસ અગાઉ પણ આ જગ્યાએથી યુવાનોને ડ્રગ્સની લત લગાવતા પેડલરોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, ત્યારે આજે એક યુવતી પણ ડ્રગ્સ વેચતા પોલીસના હાથે ઝડપાઇ ગઈ છે.
અમદાવાદમાં પ્રથમવાર કારમાં ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા પોલીસના હાથે ઝડપાઇ છે. SOG ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એ. ગોહિલના સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. આર. બાંગા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન માહિત મળી હતી કે, મારુતિ સુઝુકી બલેનો કારમાં SG હાઇવે પર એક યુવતી પાસે ડ્રગ્સનો જથ્થો છે.
માહિતીના આધારે SOGની ટીમ SG હાઇવે પર નિરમા યુનિવર્સિટીની સામે આવેલા લોટસ ટેમ્પલ પાસે તપાસ કરતાં હરપ્રીત કૌર નામની યુવતી મળી આવતી હતી. તેની પાસેથી પોલીસે 1.55 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવતી ચાંદખેડાની રહેવાસી છે. તે ત્રણ વર્ષ પહેલા ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી તે દરમિયાન મિત્રો થકી તેને ડ્રગ્સની લત લાગી હતી. ડ્રગ્સ ખરીદવા અને ખર્ચા પૂરા ન પડતાં બે વર્ષથી ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું. હરપ્રીત રખિયાલના સાદ રાજપૂત પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવીને SG હાઇવેના આસપાસના વિસ્તારોમાં વેચાણ કરતી હતી.








