નવજીવન ન્યૂઝ.દિલ્હી: ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે, પરંતુ કોરોના વાયરસના કારણે 2021 માં થવાની વસ્તી ગણતરી મોકૂફ રાખવામાં આવી હતી. કોરોના વાયરસમાં જે લોકોના ટપોટપ મોત થયા તે આંકડાં ઘણાં ચોંકાવનારા હતા. ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ કરેલી વસ્તી ગણતરીના રિપોર્ટમાં જે આંકડાં સામે આવ્યા છે, તે પણ ઘણાં ચોંકાવનારા સાબિત થયા છે. યુ.એને. જે વસ્તી ગણતરી કરી છે, તેમાં ભારતની વસ્તીના આંકડાં ઘટવાને બદલે વધ્યા છે તે આશ્ચર્યની વાત છે. તો આ સિવાય ચીનની વસ્તીને લઈને પણ કેટલાક ખુલાસા થયા છે.
સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ પોપ્યુલેશન ‘ડેશબોર્ડ’ (ફોરમ) એ 2023ની વસ્તી ગણતરી હાથ ઘરી હતી. તેના આજરોજ આંકડાં જાહેર કરવામાં આવ્યા છે. તેમાં સંયુક્ત રાષ્ટ્રએ દાવો કર્યો છે કે, ભારતની વસ્તી વધીને 142.86 કરોડ થઈ ગઈ છે. એટલું જ નહી પરંતુ ભારત ચીનને પાછળ છોડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. જો કે સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ પોપ્યુલેશન ‘ડેશબોર્ડ’ (ફોરમ) અનુસાર ચીનની વસ્તી 142.57 કરોડ નોંધાઈ છે.
ઉલ્લેખનીય છે કે, 1950થી વસ્તીના ડેટા એકત્ર કરવાની પ્રક્રિયા અભિયાન હાથ ઘરવામાં આવી હતી. જે બાદ એવું પહેલી વાર બન્યું છે કે, ભારતે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોની સંયુક્ત રાષ્ટ્રની યાદીમાં શિખર પ્રપ્ત કર્યુ હોય. જો કે આ મામલે ભારતે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. કોરોનાને કારણે વસ્તી ગણતરી ન થવાના કારણે ભારત પાસે 2011 પછીનો તાજેતરનો કોઈ સત્તાવાર ડેટા પણ નથી.
તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ પોપ્યુલેશન ‘ડેશબોર્ડ’ (ફોરમ) એ જે આંકડા જાહેર કર્યા છે તે પ્રમાણે ચીનની વસ્તી 142.57 કરોડ નોંધાઈ છે. જે ભારત કરતાં ઘણી પાછળ છે. મહત્વનું છે કે, ભૂતપૂર્વ નેતા માઓત્સે તુંગની વિનાશક કૃષિ નીતિઓ હેઠળ લાખો લોકો ભૂખથી મર્યા હતા. ત્યારે 1960 પછી પહેલીવાર ચીનની વસ્તીમાં ગયા વર્ષે ઘટાડો નોંધાયો હતો. જન્મ દરના ઘટાડાને કારણે ચીન પણ વસ્તી વિષયક ઘટાડાનો સામનો કરી રહ્યું છે.જો કે ચીને પણ કેટલાક પ્રદેશોમાં જન્મ દર વધારવાની યોજનાની જાહેરાત કરી છે. પરંતુ સત્તાવાર પ્રયાસો હજુ સુધી ઘટાડાના આંકડાં ઉલટાવી શક્યા નથી.
હાલ તો સરકાર વસ્તી ગણતરીમાં ચીન કરતા આગળ નીકળવાનો યશ ખાટી રહ્યુ છે. જો કે તે ખોટૂં નથી પરંતુ તેની સાથોસાથ કોરોના વાયરસનો ફરીથી જે પગેપસારો થયો છે, કેસોમાં જે વધારો થયો છે તે પણ ચિંતાજનક બાબત છે. આથી કોરોનામાં પરિસ્થિતિ ફરીથી વકરે તે પહેલાં તેને અંકુશમાં લાવવા અને તેના નિરાકરણ લાવવાની દિશામાં સતત પ્રયત્નશીલ રહેવું પડશે તે નકારી શકાય નહીં.








