Monday, September 9, 2024
HomeGeneralમુસ્લિમો માટે દેશનો માહોલ કેટલો બદલાયો છે?

મુસ્લિમો માટે દેશનો માહોલ કેટલો બદલાયો છે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): બિંઇગ મુસ્લિમ ઇન હિંદુ ઇન્ડિયા’ નામનું પુસ્તક હાલ ચર્ચામાં છે અને તે પુસ્તકના લેખક છે ઝિયા ઉસ સલામ. આ પુસ્તકમાં છેલ્લા વર્ષોમાં ભારતીય મુસ્લિમોની બદલાયેલી સ્થિતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હિંદુ અને મુસ્લિમનો વિવાદ આપણા દેશનો સળગતો પ્રશ્ન છે; અને તેના વિશે સતત અભ્યાસ થતો રહે છે. આ અભ્યાસમાં ઝિયા ઉસ સલામનું પુસ્તક અગત્યનું છે. કારણ કે, તેમણે છેલ્લા દાયકામાં મુસ્લિમોની સ્થિતિને ભારતમાં વધુ કથળતી જોઈ છે અને એટલે જ તેમના પુસ્તકનું નામેય એ સ્થિતિ દર્શાવતું રાખ્યું છે : ‘બિંઇગ મુસ્લિમ ઇન હિંદુ ઇન્ડિયા’. લેખક ઝિયા ઉસ સલામ પુસ્તકમાં નોંધે છે કે, “જમણેરી રાજકીય નેતાઓ નવા ભારતમાં શહેરો અને નગરોના નામ બદલી રહ્યા છે, પરંતુ તેઓ ભાગ્યે જ અંગ્રેજકાળના નામ બદલે છે. બલકે તેઓ મુસ્લિમ નામોને ભૂંસે છે અને એ રીતે તેઓ દેશના વિવિધભર્યા ઇતિહાસમાંથી મુસ્લિમ યોગદાનને નાબૂદ કરી રહ્યા છે. અંગ્રેજ કાળથી નહીં, પણ સવિશેષ મુસ્લિમ કાળના શાસકોથી તેઓ અસહજતા અનુભવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 2014માં જ્યારે પદભાર સંભાળ્યો ત્યારે તેઓ હજાર વર્ષની ગુલામી વિશે બોલ્યા હતા. મારા મતે તેમણે સલ્તનત, મુઘલ અને બ્રિટિશ કાળની ગણતરી માંડીને આ કહ્યું હતું. સમાજ-ભાષાના નિષ્ણાત રિઝવાન અહમદ મુજબ ‘વર્ષ 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશ બારસો વર્ષની ગુલામી માનસિકતાથી મુશ્કેલીમાં મૂકાયું છે. તેમનો અર્થ સ્પષ્ટ હતો બસોએક વર્ષનો અંગ્રેજ કાળ અને મધ્યયુગનો મુસ્લિમ કાળ.’”

muslim
muslim

આગળ ઝિયા ઉસ સલામ લખે છે : “મોદી માટે બ્રિટિશર્સ અને મુસ્લિમો બંને વિદેશી શાસકો છે. એ જ પ્રમાણે સાવરકર અને ગોલવલકર પિતૃભૂમિ અને પુણ્યભૂમિના વિચારનો ઉલ્લેખ કરતા હતા. 2014 પછી આપણે જ આપણા વૈવિધ્ય અને અન્ય સમુદાયોના યોગદાનને મિટાવી રહ્યા છીએ, જ્યાં એક સમયે બધા જ ધર્મ-સંપ્રદાય સુમેળથી વસતા હતા. એપ્રિલ-2023માં હિંદુ અખબારમાં લખાયું હતું કે, ‘કેટલાંક શહેરો તે રાજા અથવા સુલતાનોના નામ સાથે જોડાયેલા છે. આમાંથી કેટલાંકના નામો બદલાઈ ચૂક્યા છે. કેટલાંક નામો બદલાયા છે માત્ર તે નામો ઉર્દુમાં હતા માત્ર તે કારણે. આ વક્રોક્તિ છે કે ઉર્દુ ભાષાનો ઉદ્ભવ ભારતમાં જ થયો છે અને તેને ઝાઝો સમય નથી થયો. ઉર્દૂને કોઈ વિશેષ આસ્થા ધરાવનારા લોકો સાથે જોડવામાં નથી આવતી.’ હિંદુ અખબારમાં ફૈઝાબાદનું ઉદાહરણ આપતાં લખ્યું છે કે, આ શહેર નવાબ સાદત અલી ખાન દ્વારા 18મી સદીમાં નિર્માણ પામ્યું હતું. આ શહેર પૂર્વ અને મધ્ય અવધના વેપારી માર્ગમાં સ્થિત હતું. અહીંયા વેપારીઓ અને લોકો ખૂબ નફો રળતા અને તેથી તેથી આ જગ્યા માટે ‘ફૈઝ’ શબ્દ ઉપયોગમાં લેવાયો છે, જેનો અર્થ થાય છે ‘સફળ’ અથવા ‘વિજેતા.’”

- Advertisement -
muslim
muslim

આ પુસ્તકમાં આપણી માન્યતાઓ તૂટે તેવાં કેટલાંક ઉદાહરણ છે અને તે સરળ ભાષામાં રજૂ કરવામાં આવી છે. જેમ કે, હિંદુ અખબારના હવાલેથી પુસ્તકમાં ઝિયા ઉસ સલામ લખે છે : “સદીઓ વીત્યે પણ ક્યારેય અલ્લાહબાદ અથવા ઔરંગાબાદને લઈને કોઈ પ્રશ્ન ન ઉઠ્યો. અલીગઢ અને ઓસ્માનાબાદને લઈને પણ નહીં. સામાન્ય લોકોને હજુ આ નામોથી કોઈ પરહેજ નથી. તમે અલ્લાહબાદ જશો તો હજુ એ શહેરને લોકો અલ્લાહબાદ તરીકે જ સંબોધે છે. સત્તામાં છે તેઓ આમાં અપવાદ છે, જે બધું જ પોતાના ચશ્માથી જુએ છે. હવે એ વાત મહત્ત્વની નથી રહી કે આ શહેરનું નિર્માણ સુલતાને કર્યું હતું અને તેણે જ આ શહેરને મોંગલના હૂમલાથી સુરક્ષિત રાખ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેશના અતિવ્યસ્ત રેલવે સ્ટેશન મુઘલ સરાઈનું નામ પંડિત દિનદયાલ ઉપાધ્યાય કર્યું છે. પંડિત દિનદયાલ ઉપાધ્યાય 1968માં શંકાસ્પદ રીતે કાશ્મીરમાં મૃત્યુ પામ્યા હતા. મુઘલ સરાઈ પૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું પણ જન્મસ્થળ છે. 1992માં પણ ભાજપ દ્વારા મુઘલ સરાઈ નામ બદલાવનો પ્રયાસ થયો હતો, પરંતુ બાબરી મસ્જિદને તોડ્યા બાદ થયેલા રમખાણોમાં તે શક્ય ન બન્યું. જોકે હવે યોગી આદિત્યનાથ પર એવો કોઈ બોજો નથી. વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જંગી બહુમતિ મળી છે.”

યોગી આદિત્યનાથના શાસનમાં ઉત્તર પ્રદેશમાં નામ બદલવાની પ્રક્રિયા જોરશોરથી થઈ અને તે વિશે ઝિયા રસપ્રદ વાત ટાંકે છે : “આદિત્યનાથે તે પછી અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાનો ઉત્સાહ દાખવ્યો. અલ્લાહબાદ નામને ‘અલ્લાહના ઘર’ તરીકે અનુવાદ કરી શકાય. આ સ્થળ યમુના અને પૌરાણિક સરસ્વતી નદીનું સંગમ સ્થળ છે. જોકે ઐતિહાસિક દસ્તાવેજ જોતા આ શહેરનું નામ બદલાવના તર્ક પર પ્રશ્ન થાય છે. મુઘલ શાસક અકબર આ શહેરને ‘ઇલ્લાહ-બાદ’ અથવા ‘ઇલ્લાહી-બાસ’એ એમ નામ આપ્યું હતું. ‘ઇલ્લાહ’નો સર્વસામાન્ય અર્થ ઇશ્વર થતો હતો અને ‘ઇલ્લાહ બાસ’નો અર્થ ‘અલ્લાહનું ઘર’ એમ થાય છે. અકબરે આ સ્થળને હિંદુઓનું સ્થાનક ગણાવ્યું છે. તે વખતના ઇતિહાસકાર બૌદોની મુજબ અકબરને હિંદુઓના આ પવિત્ર સ્થળ વિશે જણાવવામાં આવ્યું હતું, જ્યાં નદીઓનો સંગમ થતો હતો અને લોકો અહીંયા મૃત્યુ ઇચ્છતા હતા. એ સ્થળનું મહત્ત્વ જોતા અકબરે તેને ‘ઇલ્લાહ-બાસ’ એવું નામ આપ્યું હતું. આ રીતે એક મુસ્લિમ શાસકે હિંદુઓની લાગણીને અનુસાર તે જગ્યાને નામ આપ્યું હતું અને તેમણે જૂનું પ્રયાગ નામ બાજુએ રાખ્યું હતું. …મુઘલ કાળમાં પ્રયાગ અને અલ્લાહબાદ બંને નામ ચલણી હતા. પરંતુ આ નવા ભારતમાં અલ્લાહબાદ ભૂંસાઈ રહ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, ડિસેમ્બર 2021માં જાણીતા ઉર્દુ કવિ સૈયદ અકબર હુસૈન જેઓ ‘અકબર અલ્લાહબાદી’ તરીકે ઓળખ પામ્યા છે. તેમણે પોતાનું નામ બદલીને ‘અકબર પ્રયાગરાજ’ કરી દીધું છે. તેમનું આ નામ અત્યારે ઉત્તર પ્રદેશ સરકારના ‘હાયર એજ્યુકેશન સર્વિસ કમિશન’ની વેબસાઇટ પર જોવા મળે છે.

માન્યતા દૃઢ થઈ જાય પરંતુ જ્યારે તે અંગેનું સત્ય આપણી સમક્ષ આવે ત્યારે તે રુચતું નથી. ‘બિંઇગ મુસ્લિમ ઇન હિંદુ ઇન્ડિયા’ પુસ્તકમાં આવી અનેક વાતો ઝિયા ઉસ સલામે ટાંકી છે. તેમના પુસ્તકના કેટલાંક પ્રકરણના નામ વાંચીને ખ્યાલ આવે કે તેમણે વર્તમાન મુસ્લિમોની સ્થિતિને કેવી રીતે બયાન કરી છે. પ્રકરણોના નામ આ પ્રમાણે છે : ‘ધ ડિસેપિઅરિંગ મુસ્લિમ’, ‘ધ મિસિંગ મુસ્લિમ વોટર’, ‘રિકન્સ્ટિટ્યૂટીંગ કન્સ્ટિટ્યૂઅન્સીસ’. લેખક ઝિયાની બધી વાત સાથે સંમત ન થઈ શકાય, પરંતુ તેમણે મૂકેલા કેટલાંક તથ્યોને જરૂરથી વાંચવા જોઈએ. જેમ કે, તેઓ પ્રસ્તાવનામાં લખે છે : “દેશની સૌથી મોટો રાજકીય પક્ષ ‘ભારતીય જનતા પાર્ટી’ ઝડપથી મુસ્લિમોને એક ખૂણામાં ધકેલી રહ્યા છે. 2014માં ભાજપ દ્વારા 482 બેઠકો પર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા, પરંતુ ભાજપમાંથી માત્ર સાત મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી અને તેમાંથી સાત ટિકિટ માત્ર જમ્મુ કાશ્મીરમાં આપવામાં આવી હતી, બાકીની ચાર પૂરા દેશમાં. આઝાદી પછી એવું પ્રથમ વખત થયું છે કે શાસક પક્ષમાં ચૂંટાયેલો એક પણ મુસ્લિમ સાંસદ ન હોય. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી લોકસભામાં એક પણ મુસ્લિમ પ્રતિનિધિ નથી. જુલાઈ 2022નું ચિત્ર એવું છે કે ભારત સરકારમાં એવું પ્રથમ વખત બન્યું કે એક પણ મુસ્લિમ મંત્રી ન હોય.”

- Advertisement -

અહીં તેઓ એમ પણ લખે છે “અનેક સંઘર્ષ છતાં મુસ્લિમોએ હિંદુસ્તાનની ભૂમિને પોતાનું ઘર બનાવ્યું અને તે ખુશીથી તેઓ અહીં વસ્યા છે. અહીંના અનેક સ્થાનિક રાજાઓ સાથે લડ્યાં, કેટલાંક સાથે તેમણે સંધિ કરી. સ્થાનિકો સાથે લગ્ન સંબંધોથી જોડાયા, તેમની સાથે રહ્યાં અને અહીંની સંસ્કૃતિ અપનાવીને તેને ઇસ્લામિક મૂલ્યો સાથે જોડી. આ પરિણામે વિશ્વમાં ઇસ્લામ બહુલક ક્ષેત્રોમાં આજેય ‘ભારતીય મુસ્લિમો’ જુદા તરી આવે છે. અને તેથી ભારતનો મુસ્લિમ અરબ વિશ્વ કરતાં ભાષા, રીતભાત, પરિધાન અને ઇસ્લામ ધર્મ અંગેના તેમના અર્થઘટનથી પણ વેગળા છે.”

ઘણી ધારણાઓને ધ્વસ્ત કરતું આ પુસ્તક ઇસ્લામના મૂળીયા આપણા દેશમાં કેટલાં ઊંડા છે અને મુસ્લિમો ભારત સાથે કેટલાં હળીમળી ચૂક્યા છે તે દર્શાવે છે, અને એટલે જ ‘અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી’ના સ્થાપક સૈયદ અહમદ ખાનની વાત આ પુસ્તકમાં ટાંકવામાં આવી છે તે વાતનો ઇનકાર કોઈ દેશવાસી કરી શકશે નહીં કે, હિંદુ અને મુસ્લિમ હિંદુસ્તાનની બે આંખો છે. સૈયદ અહમદ ખાનની વાતને ગાંધીજીએ પણ ટાંકી છે અને આજીવન માની છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular