કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ‘ઓપનએઆઈ’ (OpenAI) કંપનીના ચેટજીટીપી (ChatGPT) પ્રોગ્રામ ડેવલપ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા સુચિર બાલાજીએ (Suchir Balaji) આત્મહત્યા કરી છે; તેના ન્યૂઝ છેલ્લા બે અઠવાડિયાથી ચર્ચામાં છે. 26 નવેમ્બરના રોજ યુવાન સુચિર બાલાજીનો મૃતદેહ અમેરિકાના સાન ફ્રાસિસ્કોના તેના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. સુચિરની આત્મહત્યાનો સમય અને તેણે છેલ્લા કેટલાંક સમયથી કરેલો ‘ઓપનએઆઈ’ કંપનીના વિરોધથી તેના મૃત્યુનું રહસ્ય ઘેરાયું છે. ‘ઓપનએઆઈ’ કંપની આર્ટીફીશિલય ઇન્ટેલિજન્સના (Artificial intelligence) ક્ષેત્રમાં કાર્યરત છે અને આ કંપનીની ચેટજીટીપી પ્રોડક્ટ પર સુચિરે પ્રશ્નો ખડા કર્યા હતા. સુચિરની આ ટીકા અખબાર-ન્યૂઝમાં પણ ધ્યાને લેવાઈ કારણ કે તે પોતે ચેટજીટીપીને ડેવલપ કરવાની ટીમમાં મુખ્ય ભૂમિકામાં હતો. સુચિરનું કંપનીમાં કામ ઇન્ટરનેટ પરથી ડેટા એકઠા કરવાનું હતું. સુચિરને આ કામ સોંપવામાં આવ્યું ત્યારે તેની ધારણા હતી કે ‘ઓપનએઆઈ’ અથવા અન્ય ટેક કંપનીઓ કૉપીરાઈટ ધરાવતા કન્ટેન્ટનો ઉપયોગ કરી શકે છે. પણ સુચિરની આ ધારણા 2022ના અંત ભાગમાં બદલાઈ; જ્યારે ચેટજીપીટી પ્રોડક્ટ બજારમાં ઉપલબ્ધ થઈ. ચેટજીટીપી સફળ થતું દેખાયું એટલે કૉપીરાઈટને લઈને તેણે ‘ઓપનએઆઈ’ના અધિકારીઓને પૃચ્છા કરી કે, આપણે આ રીતે ડેટા એકઠા કરીએ છીએ તેની કોઈ મંજૂરી આપણે લીધી છે? સ્વાભાવિક છે કે આ પ્રશ્નનો જવાબ ન મળ્યો; એટલે તેણે ડેટા એકઠા કરવાને અંગે કંપનીની નૈતિકતા વિશે પ્રશ્નો કર્યા. ‘ઓપનએઆઈ’ના અધિકારીઓ પાસે તેનો પણ કોઈ જવાબ નહોતો અને સુચિરે આખરે કંપનીમાંથી રાજીનામું આપી દીધું.

પહેલાં કંપનીની અંદર રહીને અને તે પછી જાહેરમાં સુચિરે આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ વિશે અનેક સવાલો ખડા કર્યા હતા. આર્ટીફીશિય ઇન્ટેલિજન્સ અને તે કાર્યક્ષેત્રમાં કામ કરતી કંપની ‘ઓપનએઆઈ’ અને તેની પ્રોડક્ટ ચેટજીટીપી – આ બધી બાબતો હજુ પણ લોકો માટે નવીસવી છે. તેની પાયાની વિગત ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે; તેમ છતાં અહીંયા તેની ચર્ચા આગળ વધારતા અગાઉ પાયાની સમજ મેળવવી જોઈએ. આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ એ મશીન દ્વારા ઓટોમોડ પર કાર્યરત વ્યવસ્થા છે અને તેવી વ્યવસ્થા આજે આપણે અનેક સ્થાને જોઈએ છીએ. જેમ કે, એટીએમ મશીન પણ આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ જેવું કામ કરે છે. તેમાં કોઈ માનવીય સહાય વિના રૂપિયા મેળવી શકાય છે. હવે આ ક્ષેત્ર નેક્સ્ટ લેવલ પર પહોંચી ચૂક્યું છે અને તેમાં ‘ઓપનએઆઈ’ નામની અમેરિકાની કંપની ખૂબ સંશોધન કરી રહી છે. આ સંશોધન થકી તે ઉચ્ચસ્તરીય ઓટોમેટિક સિસ્ટમ તૈયાર કરવા માંગે છે, જેના દ્વારા માણસની જેમ કામ કરે અને તે પણ કિફાયતી કિંમતે. આ ઓટોમેટિક સિસ્ટમમાં અત્યારે સૌથી એડવાન્સ પ્રોડક્ટ ચેટજીપીટી છે. ચેટજીપીટી દ્વારા માણસની જેમ કન્ટેન્ટ તૈયાર થાય તે દિશામાં કામ કરી રહ્યું છે. મતલબ કે, કોઈને પત્ર લખવો હોય કે કવિતા લખવી હોય તો તે સુધ્ધા ચેટજીપીટી દ્વારા થઈ શકશે. હજુ આ મોડલ કેટલું સફળ થશે તે વિશે શંકાકુશંકા છે, પણ પ્રાથમિક ધોરણે અત્યારે સર્જનક્ષેત્રમાં તેનાથી એક ભીતિ પ્રસરી છે. કારણ કે હાલમાં ચેટજીપીટી જે પરિણામ આપી રહ્યું છે તેમાં ઘણાં અંશે તેનું કામ સારું દેખાય છે. જો આ કામ વધુ સારું થાય તો જેમ કમ્પ્યૂટર દ્વારા અનેક કામ સરળ થયા તેમ સર્જનક્ષેત્રમાં ચેટજીપીટીથી બજારને એક નવો વિકલ્પ મળશે. ચેટજીપીટી જ્યારે આ રીતે કન્ટેન્ટ સાથે કામ પાર પાડે ત્યારે સ્વાભાવિક છેકે તે માટે ડેટાબેઇઝ જોઈએ. જેમ કે, ચેટજીપીટીને આજે સુરત શહેરના મોન્યુમેન્ટ્સ પર લખવાનું કહીએ તો તે લખી આપે, પરંતુ તે પહેલાં તેના સોફ્ટવેરમાં એ ડેટા એકઠો કરીને નાંખવો પડે. સુચિર બાલાજીનું આ જ કામ હતું. હવે તે આવી માહિતી અનેક જગ્યાએથી લઈને ચેટજીપીટીના પ્રોગ્રામમાં ફીડ કરતો હતો. પણ તેમાં ‘ઓપનએઆઈ’ દ્વારા ક્યાંય પણ કૉપીરાઈટની પરવા ન કરવામાં આવી. સુચિરને કંપનીની નિયતનો ખ્યાલ આવ્યો ત્યાં સુધી તો ચેટજીપીટી લોન્ચ થઈ ચૂક્યું હતું અને તેમાં અનેક આવી કૉપીરાઇટ ધરાવતું કન્ટેન્ટ મૂકાઈ ચૂક્યું હતું. એટલે જ્યારે આ ચેટજીપીટી લોન્ચ થયું ત્યારે અમેરિકાના જાણીતા અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’એ પણ ‘ઓપનએઆઈ’ કંપની પર દાવો માંડ્યો હતો, કારણ કે ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’માં પ્રકાશિત અનેક લેખો ચેટજીટીપીના ડેટામાં લેવાયા હતા.

‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ અને સુચિર અગાઉ ‘ટાઇમ’ મેગેઝિને પણ ચેટજીપીટીની આવી કરતૂતો બહાર લાવી હતી. ચેટજીપીટીનું જે સ્કેલ પર કામ થઈ રહ્યું છે તેમાં અનેક એવું કન્ટેન્ટ જનરેટ થાય છે જે અણછાજતું હોય. આ કન્ટેન્ટ દૂર કરવા માટે ‘ઓપનએઆઈ’ કંપનીએ એક અન્ય કંપનીને સબકોન્ટ્રાક્ટ આપ્યો હતો. સબકોન્ટ્રાક્ટ લેનારી કંપનીના કર્મચારીઓ કેન્યામાં કામ કરતા હતા. અણછાજતું કન્ટેન્ટ દૂર કરવા માટે ‘ઓપનએઆઈ’ સબકોન્ટ્રાક્ટ ધરાવનારી કંપનીને કર્મચારીઓના કલાક દીઠ સાડા બાર ડોલર ચૂકવતી હતી. પરંતુ કેન્યામાં બેસનારા વ્યક્તિને તેના માત્ર કલાક દીઠ દોઢ ડોલર મળતો હતો. હવે આપણા દેશમાં બેઠા બેઠા જ્યારે આ ભાવનું આકલન કરીએ તો ઘણાંને તે વાજબી પણ લાગે. પરંતુ આ કામમાં કન્ટેન્ટ અને ટેકનોલોજીની એક્સપર્ટાઇઝ ધરાવનારા લોકો હતા અને તેમને જે વળતર ચૂકવાયું તે ખૂબ ઓછું હતું. આ અંગે ‘ઓપનએઆઈ’ કંપનીને આંતરરાષ્ટ્રિય સ્તરે ન્યૂઝ મીડિયામાં સ્પષ્ટતા કરવી પડી હતી. આ ઉપરાંત પણ ‘ઓપનએઆઈ’ની પારદર્શિતાને લઈને પણ પ્રશ્ન છે. જેમ કે તેના દ્વારા કન્ટેન્ટ જનરેટ થાય છે પણ તે કેવી રીતે જનરેટ થાય છે તે જોવા મળતું નથી. એટલું જ નહીં ઘણાં કેસમાં ચેટજીપીટી પર ખોટી માહિતી જોવા મળે છે. સ્વાસ્થ્ય અને ઇન્વેસ્ટમેન્ટ સંબંધે પણ ચેટજીપીટી જે માહિતી આપે છે તેમાં ઘણી વાર ખોટી માહિતી આવે છે. આ માહિતી શેર પણ થાય છે. ચેટજીપીટીએ પોતાનો વ્યાપ એટલો ખોલી દીધો છે કે તેની સાથે અનેકને વાંધો પડે છે. જેમ કે, ચેટજીપીટી પર કોઈ જાણીતા વ્યક્તિનું સર્જન તેની શૈલીમાં ડિમાન્ડ કરો તો તે કન્ટેન્ટ જનરેટ કરે છે. એ વાત અલગ છે કે આ કન્ટેન્ટ તે સર્જકની શૈલી મુજબ આવ્યું કે નહીં, પરંતુ તે તેની બિન્દાસ કૉપી કરે છે. આ બધા પ્રશ્નો સુચિર બાલાજીએ ઊઠાવ્યા હતા. પરંતુ સુચિરને આનો કોઈ ઠોસ જવાબ ન મળ્યો. સુચિરે થોડા દિવસો અગાઉ ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ને વિગતવાર મુલાકાત આપી હતી અને ‘ઓપનએઆઈ’ વિશે તમામ માહિતી જાહેર કરી હતી. ‘ઓપનએઆઈ’ની પોલિસી છે કે તેમના કંપનીમાં કામ કરતા કોઈ પણ કર્મચારીએ વિગતો જાહેર કરવી નહીં. સુચિર બાલાજીને આ નિયમ કંપની છોડી દીધા પછી પણ લાગુ પડતો હતો. પરંતુ સુચિર તો જાહેરમાં કંપની સામે પડ્યો અને તેના થોડા જ મહિનામાં તેણે આત્મહત્યા કરી છે એટલે પણ તેના મૃત્યુને શંકાના નજરે જોવાઈ રહી છે.
‘ઓપનએઆઈ’ના ચેટજીપીટીનું કાર્ય હજુ અંગ્રેજીમાં વધુ છે તેથી ગુજરાતી કે સ્થાનિક ભાષામાં તે અંગેના પ્રશ્નો ઊભા થયા નથી. પણ ભવિષ્યમાં તે થશે. અને તે પ્રશ્નો કેવા થઈ શકે તે અમેરિકાની અભિનેત્રી અને ગાયિકા સ્કેરલેટ જોહસનનો કિસ્સો જાણવા જેવો છે. સ્કેરલેટ જોહસનના વકીલ ‘ઓપનએઆઈ’ને નોટીસ મોકલી છે અને કહ્યું છે કે એઆઈ દ્વારા પર્સનલ આસિસ્ટન્ટનો એક અવાજ ડેવલપ કરવામાં આવ્યો છે. આ અવાજ અદ્દલ સ્કેરલેટને મળતો આવે છે. સ્કેરલેટ આ દાવો કર્યો કારણ કે તેણે પોતાના અવાજ એઆઈમાં સાંભળ્યો તેના થોડા મહિના અગાઉ ‘ઓપનએઆઈ’ કંપનીએ સ્કેરલેટને પોતાનો અવાજ આપવાની ઑફર મૂકી હતી. સ્કેરલેટને એઆઈ માટે અવાજ આપવાનું યોગ્ય ન લાગ્યું, એટલે કંપનીએ અદ્દલ તેના જેવા અવાજને પોતાના ડેટામાં ફીડ કર્યો અને હવે તે અવાજ એઆઈમાં જનરેટ થાય છે.
આ ઉપરાંત પણ ‘ઓપનએઆઈ’માં જે રીતે કન્ટેન્ટ જનરેટ થઈ રહ્યું છે તે અતિજોખમી છે. તે કશાય વિચાર વિના જનરેટ થઈ રહ્યું છે. તેની પૂરી પ્રક્રિયા મશીન દ્વારા થઈ રહી છે; અને ભવિષ્યમાં તેનો અમલ વધુ ને વધુ માણસો કરશે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796