પ્રશાંત દયાળ (શિવા. ભાગ-5): જે વાત મને પસંદ નહોતી, તે મારે ભાગે આવી હતી. રવિવારે સવારથી મારું મન બેચેન હતું. ભરૂચથી (Bharuch) તેઓ બાર વાગ્યા સુધી મારા ઘરે આવવાનાં હતાં. મારી આઈની અંસખ્ય સૂચનાઓ પૈકી એક સૂચના એ હતી કે, કપડાં જરા સારાં પહેરજે. કપડાં સારાં શું કામ હોવા જોઈએ? તે પ્રશ્ન ત્યારે પણ હતો અને આજે પણ છે. જે કપડાં પહેરીને આપણને ચિંતા થાય કે, ક્યાંક કપડાંને ડાઘ પડશે તો! તેવાં કપડાં જ નહીં પહેરવાનાં. જ્યાં ઇચ્છા થાય ત્યાં બેસી શકાય; તેવાં સાધારણ કપડાં જ પહેરવાના. પણ આઈની ઇચ્છા માથે ચઢાવી મેં સારાં કપડાં પહેર્યાં. બાર વાગ્યે ‘પાર્ટી’ આવવાની હતી, એક વાગી ગયો હતો પણ હજી તેઓ આવ્યાં નહોતાં. મને ગુસ્સો આવી રહ્યો હતો. કારણ કે મારે સ્ટોરી કરવા દહેગામ જવાનું હતું. ત્યારે મોબાઈલ ફોન નહોતા એટલે ક્યાં પહોચ્યા? તેવું પુછવાનો વિકલ્પ જ નહોતો. મારી અકળામણ જોઈને આઈએ કહ્યું, “ભરૂચથી એસ.ટી. પકડીને આવે છે તો મોડું પણ થાય. કદાચ બસ ચૂકી ગયાં હશે!”
આમ કરતાં કરતાં ત્રણ વાગ્યે પ્રવિણા ઉર્ફે શિવાની (Shivani Dayal), તેનાં મમ્મી, ભાઈ અને અનિતાવહીની આવ્યાં. મને બહુ વિચિત્ર લાગણી થઈ રહી હતી. મેં એક પણ વખત શિવાની સામે એકધારી નજરે જોયું નહીં. મનમાં થયું કે, જે ગામ જવું જ નથી, તેનો વિચાર શું કામ કરવો? વીસ-પચ્ચીસ મિનિટ પછી મેં આઈને કહ્યું, “હું નીકળું છું. મારે દહેગામ જવાનું છે.”
આઈએ ઇશારામાં જ હા પાડી. હું ઝડપભેર બૂટ પહેરી ઘરની બહાર નીકળી ગયો. હજી તો હું ચાર–પાંચ પગથિયાં જ ઉતર્યો હતો ત્યાં આઈનો અવાજ સંભળાયો, “મુન્ના…”
મેં પાછળ જોયું. આઈ મને ક્યારેક ‘મુન્નો’ તો ક્યારેક ‘પશુ’ કહેતી. તે બે પગથિયાં ઉતરી મારી પાસે આવી અને ધીમા અવાજે પુછ્યું, “કેવી લાગી છોકરી?”
મેં છોકરી સામે જોયું જ નહોતું; તો કેવી લાગી? એ પ્રશ્ન જ ક્યાં હતો! તો પણ મેં કહ્યું, “મને નથી ગમી.”
મારો જવાબ સાંભળી આઈની આંખમાંથી દડ દડ આંસુ ટપકવાં લાગ્યાં. મને તેણે વિનંતીના સ્વરમાં કહ્યું, “ખૂબ સારી છે.”
મેં તરત કહ્યું, “સારી છેને? તો હા પાડી દે.”
હું વાત પૂરી કરીને નીકળવાની ઉતાવળમાં હતો. તેણે તરત આંસુ લૂંછી નાખ્યાં. ચહેરા પર સ્મિત સાથે તે ઘરમાં પાછી ફરી. ચાર–પાંચ દિવસ પછી આઈએ કહ્યું, “આપણે ભરૂચ જવાનું છે.”
મારી આંખોમાં પ્રશ્ન હતો… કેમ? તેણે કહ્યું, “પ્રવિણાનાં ઘરે.”
મને ફરી કંટાળો આવતો હતો. હવે આઈ, બાબા, મનિષ અને ઉજ્જવલા સાથે મારે ભરૂચ જવાનું નક્કી થયું હતું. રવિવારે આઈ અને બાબાને રજા હોય એટલે અમે ભરૂચ પહોંચ્યાં. ‘ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ’ એ કહેવત જેવું જ… કાયમ ભાંગેલુ જ ભરૂચ મેં જોયું છે.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં પ્રવિણાનું ઘર હતું. અમે બધાં પ્રવિણાનાં ઘરે પહોચ્યાં. નાનકડું ઘર, આગળના રૂમમાં અમે બધાં ગોઠવાઈ ગયાં. મારું ધ્યાન રસોડાં અને રૂમને જોડતા દરવાજા તરફ ગયું. ત્યાં પ્રવિણા સ્કાયબ્લૂ ડ્રેસમાં ઊભી હતી. વાળ ધોયા હોવાને કારણે કોરા હતા. મેં તેની સામે પહેલી વખત જોયું. તેણે મને જોઈને સ્મિત આપ્યું. એના ગાલ પર ખંજન પડ્યું. મને તેનું હસવું, તેની સાદગી અને નિર્દોષતા ગમી ગઈ. તેનો બાંધો પણ પાતળો હતો. મારા મનમાં થયું, છોકરી તો સારી છે! તરત મેં મારા આ વિચારને ખંખેરી નાખતાં પોતાને જ કહ્યું, અરે! તું ક્યાં આ ચક્કરમાં પડે છે?
ચ્હા–નાસ્તો થયો પછી મારાં આઈ–બાબા અને પ્રવિણાનાં આઈ–બાબા વાત કરી રહ્યાં હતાં. પ્રવિણાના પપ્પા પોલીસમાં જમાદાર હતા. તેમનો મોટો દીકરો પ્રદિપ પણ પોલીસ કોન્સટેબલ તરીકે ભરૂચ પોલીસમાં (Bharuch Police) હતો. તેઓની આખી જિંદગી પોલીસ લાઈનનાં મકાનમાં જ પસાર થઈ હતી. પ્રદિપને નોકરી મળતાં તેણે લોન લીધી અને ઉંમરના કારણે થાકી ગયેલા પિતાને સ્વૈચ્છિક નિવૃત્તી લેવડાવી હતી. પ્રવિણાના બાબા મૂળ મહારાષ્ટ્રના ધુલિયાના હતા, પણ પોલીસમાં નોકરી મળતાં તેઓ ભરૂચ આવ્યા હતા. જેથી તેમનું કાયમી ઠેકાણું ભરૂચ થઈ ગયું હતું.
અચાનક પ્રવિણાની આઈએ કહ્યું, “ઉપર એક રૂમ છે. તમે બંને ત્યાં જઈને વાત કરી શકો છો.”
મને એકદમ ફાળ પડી… અરે! વાત શું કરવાની? મને હતું કે, કોઈ મારી મદદમાં આવશે. એવામાં મારી આઈએ પણ કહ્યું, “હા બેટા, તમે એકબીજાં સાથે વાત કરી લો.”
પ્રવિણા ઊભી થઈ, હું તેની પાછળ ચાલ્યો. રૂમની બહાર ઉપર તરફ એક સીડી જતી હતી. અમે બંને ઉપર ગયાં. ત્યાં એક નાનકડી ‘ખોલી’ હતી. આ પ્લાન અગાઉથી જ નક્કી હતો. ત્યાં બે ખુરશી મુકવામાં આવેલી હતી. અમે બંને સામસામે બેઠાં પ્રવિણા નજર ઊંચી કરીને જોતી નહોતી. તેની નજર જમીન તરફ જ હતી. મને એક ‘શેતાની’ વિચાર આવ્યો. આ મોકો સરસ હતો. હવે એવી સ્થિતિ નિર્માણ કરવાની હતી કે, પ્રવિણા જ મને લગ્ન માટે ના પાડે અને કહે કે, મને છોકરો પસંદ નથી. મેં એને પુછ્યું, “તારે મને કંઈ પુછવું છે? મારા વિશે કંઈ જાણવું છે?”
તેણે નજર ઊંચી કર્યા વગર જ નકારમાં માથું હલાવ્યું. મેં કહ્યું, “પણ મારે તને મારા વિશે કંઈક કહેવું છે.”
તેણે કોઈ જવાબ આપ્યો નહીં. મેં વાત મુકતાં કહ્યું, “જો, હું પત્રકાર છું. મને મારાં કામ સિવાય કોઈની સાથે પ્રેમ નથી. મને રજા લેવી ગમતી નથી. હું રજા લેતો નથી. મને ફરવાં જવું ગમતું નથી. હું દારૂ, ચરસ, ગાંજો પીવું છું. માંસ અને મદીરા મને ગમે છે.”
હું જોવા માગતો હતો કે, હું જે કંઈ કહી રહ્યો છું, તેની એના ચહેરા પર શું અસર થાય છે? પણ તે નીચે જ જોઈ રહી હતી. તેના હાવભાવમાં કોઈ ફેરફાર થયો નહીં. મને હતું કે તે ડરી ગઈ હશે. તે કંઈ જ બોલી નહીં એટલે મેં પુછ્યું, “તારે કંઈ કહેવું છે?”
તેણે કહ્યું, “મને કોઈ વાંધો નથી.”
મને એકદમ આઘાત લાગ્યો. અમે થોડીવાર પછી નીચે આવ્યાં. કારણ કે અમારી વચ્ચે સંવાદનો કોઈ વિષય જ નહોતો. મારી આઈ મારી સામે અને પ્રવિણાની આઈ પ્રવિણા સામે જોઈ રહી હતી. તેમને જાણવાની ઉત્કંઠા હતી કે શું થયું? મેં કહ્યું, “પ્રવિણા વિચાર કરીને કહેશે.”
હજી મનમાં આશા હતી કે, જવાબમાં ‘ના’ જ આવશે. અમે ભરૂચથી નીકળ્યાં. મારી આઈએ મને પુછ્યું, “તને ગમીને?”
મેં હા પાડી… તેને ખબર નહોતી કે, મેં શું દાવ નાખ્યો છે? મને પાક્કી ખાતરી હતી કે, કોઈ છોકરી દારૂડિયા, ચરસી છોકરા સાથે લગ્ન કરવાની હા પાડે જ નહીં. પણ હવે બાજી પ્રવિણાના હાથમાં હતી. થોડા દિવસ થયા હશે, હું રાત્રે ઘરે પહોંચ્યો. ત્યારે આઈ–બાબા બંને ખુશ હતાં. બંનેના ચહેરા પર એક મસ્તીભર્યું સ્મિત હતું. હું કંઈ સમજ્યો નહીં. મેં પુછ્યું “શું થયું?”
આઈએ કહ્યું, “ભરૂચથી ફોન આવ્યો હતો.”
હું કંઈ બોલ્યો નહીં. આઈ મારી પાસે આવી ને મારા માથા પર વ્હાલથી હાથ ફેરવતાં કહ્યું, “પ્રવિણાને તું પસંદ છે. તેમણે હા પાડી છે.”
મને પ્રવિણા પર ખૂબ ગુસ્સો આવ્યો. મને થયું આ છોકરી પાગલ હશે કે શું? આટલું બધું સાચું કહ્યા પછી કઈ છોકરી લગ્ન માટે તૈયાર થાય? આ કેમ તૈયાર થઈ હશે? પણ હવે મારી પાસે વિકલ્પ નહોતો. હવે મારે શું કરવું? એ સમજાતું નહોતું. મારે છટકી જવું હતું, પણ મને રસ્તો મળતો નહોતો.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796