નવજીવન ન્યૂઝ, વડોદરા : ગુજરાત રાજ્યમાં માર્ગ સુવિધાઓ મજબૂત થઈ રહી છે. દિલ્હી–વડોદરા એક્સપ્રેસવે (Delhi-Vadodara Expressway) નો ગોધરા–વડોદરા સ્ટ્રેચ પૂર્ણ થતાં બે દિવસ અગાઉ ટ્રાયલ રન માટે એક્સપ્રેસવે વાહન વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો છે. ટ્રાયલ રન સફળ થયા બાદ આ સ્ટ્રેચનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવશે.
ભારતમાલા પરિયોજના (Bharatmala Project) અંતર્ગત બનાવાયેલો ગોધરા–વડોદરા સ્ટ્રેચ પંચમહાલ જિલ્લાના ગોધરા નજીકના ભામૈયા ગામથી લઈને વડોદરા નજીકના ડોડકા ગામ સુધી વિસ્તરેલો છે. આ એક્સપ્રેસવે આઠ-લેન અને એક્સેસ-કન્ટ્રોલ્ડ છે. જે ઝડપી મુસાફરી માટે અનુકૂળ છે. આ સ્ટ્રેચ શરૂ થતાં ગોધરા, કાલોલ અને વડોદરા વચ્ચેનું જોડાણ વધુ સરળ બનશે. મુસાફરો અને વાહનચાલકોને ઝડપથી નિયત સ્થળ સુધી પહોંચવામાં સહાય મળશે તેમજ હાલના માર્ગો પરનું ટ્રાફિક દબાણ ઓછું થશે. ગોધરા-વડોદરા એક્સપ્રેસવે (Godhra-Vadodara Expressway) પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ધીમી ગતિના વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં.








