કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): “1975 શરૂઆતનો સમય હતો જ્યારે મેં ‘ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ’[આઈએએસ]માંથી રાજીનામું આપ્યું. દિલ્હી છોડ્યું અને ગ્રામિણ ગરીબ વર્ગ સાથે કામ કરવા માટે રાજસ્થાનના તિલોનિયા ગામમાં બેરફૂટ કૉલેજ નામથી ઓળખાતી ‘સોશિયલ વર્ક ઍન્ડ રિસર્ચ સેન્ટર’માં જઈ પહોંચી. ‘આઈએએસ’ અધિકારી હતી તે કારણે મારી ટ્રેઇનિંગ તમિલનાડુમાં થઈ હતી અને હું તે રાજ્યની અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉન્ડેચરી, દિલ્હીના કેટલાંક ગામોમાં ગઈ હતી. તો તિલોનિયમાં અલગ શું હતું? હું ત્યાં પહોંચી એટલે મારી અધિરાઈ શરૂ થઈ, મેં ત્યાંના એક નિવાસીને કહ્યું કે હું કોઈની સાથ વાત કરવા માગું છું. અને તે મને એક આંગણામાં લઈ ગયો, જે બે ખંડનું ઘર હતું. બહાર ઝૂંપડીમાં રસોઈઘર હતું, જ્યાં ઢોર પણ બાંધેલા હતા. રસોઈઘરમાંથી એક મહિલા આવી જેના હાથમાં ઘડો-પેણી હતી. મને લઈ જનાર ત્યાંથી વિદાય થયો, તેણે કહ્યું કે પુરુષના હાજરીમાં અહીંયા કોઈ મહિલા મુક્તપણે તમારી સાથે વાત નહીં કરે.”
સામાજિક કાર્યકર્તા, પ્રોફેસર, ‘નેશનલ ફેડરેશન ઑફ ઇન્ડિયન વુમન’નાં પ્રમુખ અને ‘મઝદૂર કિસાન શક્તિ સંગઠન’નાં સ્થાપક અરૂણા રૉયનો (Aruna Roy)ગ્રામિણ ભારત સાથેના ગાઢ પરિચયનો આ પ્રથમ અનુભવ હતો. અરૂણા રૉય ચેન્નઈમાં જન્મ્યાં અને તે પછી ‘આઈએએસ’ બન્યાં. તેમણે છ વર્ષ સુધી ઉચ્ચ અધિકારી તરીકે કામ કર્યું. પરંતુ પછીથી તેમને આ પદ પર એવો અનુભવ થયો કે અહીંયા કામ કરવું હશે તો તમારે મૌન અને અપ્રવૃત્ત બેસી રહેવાનું થાય. તેમણે સરકારમાં રહીને શીખવાનું ઘણું મળ્યું, જોકે તેઓ એ જાણતાં હતાં કે આમાં પરિવર્તન ઝડપથી નહીં આવે. આખરે તેમણે ‘આઈએએસ’ તરીકે રાજીનામાં આપવાનું વિચાર્યું. આ બાબતે તેમનાં પરિવારમાંથી કોઈ સહમત નહોતું. પણ તેમણે મન બનાવી લીધેલું કે તેઓ તેમનાં જીવનસાથી સંજિત રૉય સાથે બેરફૂટ કૉલેજમાં સામાજિક કાર્ય કરવા જોડાશે. પહેલાં તો છ મહિના અહીં તિલોનિયા ગામમાં કામ કરવા રજા લીધી અને તે પછી રાજીનામું આપ્યું. અરૂણા રૉયની જીવનસફરના સંસ્મરણોનું ‘ધ પર્સનલ ઇઝ પોલિટિકલ’ નામનું પુસ્તક હાલમાં પ્રકાશિત થયું છે. એક ‘આઈએએસ’ અધિકારી રાજીનામું આપ્યા પછી ગ્રામિણ સ્તરે અને અન્ય સામાજિક કાર્યો કેવી રીતે પાર પડે છે તેની વિસ્તૃત વાત તેમાં છે.
તિલોનિયા ગામ વિશેના પોતાના અનુભવ આગળ વર્ણવતાં અરૂણા રૉય લખે છે : “એ મહિલાએ મારી સામે તિક્ષ્ણ નજરે જોયું. તે કદ-કાઢીમાં સશક્ત હતી અને મને ખ્યાલ આવ્યો કે તે બોલવામાંય તીક્ષ્ણ હતી. તેણે મને હિંદીથી હળતી મળતી રાજસ્થાની ભાષામાં પૂછ્યું કે તમે કેમ અહીં આવ્યા છો? મેં આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે હું અહીં તમારી સાથે વાત કરવા આવી છું. તેણે મારી સામે જોયું અને કહ્યું કે મને શિક્ષણ કે નોકરી નથી જોઈતી. તમે અહીંયાથી જતાં રહો. મારી પાસે સમય નથી અને તમારી સાથે મારો સમય ફાજલ કરવો નથી.” અરૂણા રૉયને એમ હતું કે એક પૂર્વ ‘આઇએએસ’ અધિકારી તરીકે તેઓ ગામડાંમાં જઈને કોઈની પણ સાથે સહજતાથી વાત કરી શકશે. પરંતુ તેઓ ખોટાં હતાં. પહેલાં તેઓ કોઈ સરકારી ઓળખ સાથે આ રીતે ગામડાંમાં જતાં અને તે વખતે તેમને જે પ્રતિભાવ મળતો, તે હવે પદ વિના મેળવવો પડકારભર્યું લાગ્યું. અરૂણા રૉયને એ પ્રશ્ન થયો કે અહીંના લોકો સાથે તેઓ કામ કેવી રીતે શરૂ કરશે. પછી તેમણે ધીરે ધીરે બહેનો સાથે સંવાદ કરવાનું શરૂ કર્યું. એક પ્રસંગ નોંધતા તેઓ લખે છે કે, “બેરફૂટ કૉલેજના કેમ્પસમાં જ્યાં હું રહેતી હતી ત્યાં બે બહેનો આવી. મેં તેમની સાથે થોડી સમજદારીથી વાત શરૂ કરી. મને ખ્યાલ આવ્યો કે તેઓ દલિત સમાજમાંથી આવે છે અને રોજિંદી મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તેમની ઠરાવેલી એક દિવસની મજૂરી ત્રણ રૂપિયા હતી. મારી તો કલ્પનામાં પણ નહોતું આવતું કે આટલી નાની રકમથી તેઓ કેવી રીતે પોતાનું દિવસનું ગુજરાન ચલાવતાં હશે.”
આ બે બહેનો – ભુલી અને કેશર – તે પછી અરૂણા રૉય કહે છે તેમ તેની શિક્ષિકા બની, જ્યાંથી તેઓને ગ્રામિણ સ્તરની માહિતી અને સમજ મળી. આ બંનેનાં ઘરે જવાની મંજૂરી અરૂણા રૉયે અગાઉથી મેળવી અને જ્યારે તેઓ તેમનાં ઘરે ગયાં તે અનુભવ વિશે અરૂણા રૉય સંસ્મરણોમાં લખે છે : “આ પહેલાં ઘર હતાં, જ્યાં હું ગઈ હતી. આ ઘરોમાં બારીઓ ન હતી, હવા ઉજાસના નામે દિવાલમાં એક બાકોરું હતું. તેઓ બારીને જોખમી માનતા હતા, કારણ કે તેમને ભીતિ હતી કે તેમાંથી ચોર ઘરમાં પ્રવેશી શકે.” અહીંયા જ અરૂણા રૉયે પહેલીવાર સ્થાનિક ભોજન લીધું અને તેમનું ખરાં ભારતને જાણવાનું શિક્ષણ શરૂ થયું, જ્યાં પછી તેઓ વર્ષો સુધી રહેવાનાં હતાં. તેમની મુશ્કેલી વિશે જણાવતાં અરૂણા રૉય લખે છે : “અહીં મારી દરેક ધારણા પર પ્રશ્નાર્થ ખડો થતો અને મારા અભિપ્રાયને પડકારવામાં આવતો. … શહેરી તરીકે જ્યારે હું અહીં ગ્રામિણ ક્ષેત્રમાં આવી ત્યારે મેં જાણ્યું કે અહીંયા પારંપારિક મર્યાદા સિવાય કશુંય પ્રાઇવસી જેવું નથી. ઘરના દરવાજાં ક્યારેય બંધ ન થાય. કોઈ પણ ઘરમાં ડોકીયું કરી શકે. તમારાં ઘરનું ફર્નિચર હોય કે અન્ય કોઈ પણ બાબત, જ્યાં મહિલા એકઠી થાય ત્યાં તે ચર્ચાનો વિષય બની શકે. સૌ કોઈ તમને બધુંય જાણવા માટે ઉત્સુક દેખાય. રાજકીય કે વ્યક્તિગત બધું લોકોના ચર્ચાનો વિષય બની શકે.” આ માહોલ વચ્ચે અરૂણા રૉય કામ કરવા પ્રેરાયાં તેનું મુખ્ય કારણ અહીંયા જોવા મળતી તે સમૃદ્ધિ અને અસામનતાને લઈને લોકોની ચિંતા અને અપરાધભાવ. જોકે તેમણે જે દારૂણ ગરીબી શહેરમાં કે નાનાં નગરમાં જોવા મળી તેવી ગામડાંમાં નહોતી. રોજીરોટીનો સવાલ કાયમ સ્થિર રહેતો જે આજીવનનો પ્રશ્ન હતો. અને તેમાં જાતિનું સમીકરણ ઉમેરીએ એટલે ચિત્ર પૂરું થતું. આ એકાધિકાર વ્યવસ્થામાં ક્યાંય પ્રશ્ન કરવો સરળ નહોતો. સૌ કોઈ સ્વીકારભાવ કે ભયથી શાંતિથી જીવન વિતાવતાં.
અરૂણા રૉયના આ અનુભવ વાંચવા જેવાં છે, જેનાથી ભારતીય ગ્રામિણ ચિત્ર મળી રહે. તેમણે આ રીતે ગ્રામિણ સ્તરે બનાવેલાં જૂથની આગેવાની બદલ પ્રતિષ્ઠિત રોમન મેગ્સેસેય સન્માન મળ્યું છે. 2011માં તેમનું નામ પ્રતિષ્ઠિત ‘ટાઇમ’ મેગેઝિને વિશ્વના સો સૌથી ઇન્ફ્લુએન્સિઅલ વ્યક્તિઓમાં સામેલ કર્યું હતું. આમ તેઓ અનેક સન્માન મેળવી ચૂક્યાં છે. અરૂણા રૉય પોતાના અનુભવો અહીંયા મૂક્યાં છે, તેમાંથી એકમાં તેઓ કહે છે કે, 1988ના અરસામાં જ્યારે ન્યૂનત્તમ મહેનતાણાંની માંગણીને લઈને રાજસ્થાનમાં એક ક્ષેત્રમાં સ્થાનિક લોકો તહેલીસદારના ત્યાં વિરોધ કરી રહ્યા હતા. અને જ્યારે થોડાં દિવસ પછી અરૂણા રૉયના એક મિત્ર કોઈ કામ અર્થે તહેસીલદારના ઑફિસે ગયા ત્યારે ત્યાંના અધિકારીએ તે મિત્ર સમક્ષ એવી ફરિયાદ કરી કે કેન્દ્રિય મંત્રી રહેનારા વી. પી. સિંઘના પત્ની સીતાદેવી જ્યારે તેમનાં પિતાના ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે વિરોધ પ્રદર્શન કરનારાઓએ તેમનો રસ્તો રોક્યો હતો. હવે ખરેખર વી. પી. સિંઘના સીતાદેવીનો કાફલો જે હાઇવેથી જઈ રહ્યો હતો, તેનાથી વિરોધ પ્રદર્શનની જગ્યા એક કિલોમીટરના અંતરે હતી. પરંતુ વિરોધ પ્રદર્શનને ડામી દેવા માટે આ રીતે જૂઠ્ઠાણું ચલાવવામાં આવ્યું હતું.
અરૂણા રૉયે હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે સતત ઑન-ગ્રાઉન્ડ અને નીતિગત નિર્ણય લેવામાં પ્રવૃત્ત રહ્યા છે. માહિતીનો અધિકાર, કામનો અધિકાર અને આહારના અધિકારને નીતિ બનાવવામાં તેમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. તેમનું એક બીજું પણ અગત્યનું પુસ્તક વાંચવા જેવું છે, જેનું નામ છે : ‘આરટીઆઈ : પાવર ઑફ ધ પીપલ’. અરૂણા રૉયનાં યોગદાનની આ તો ઝલક માત્ર છે, તેમનું ખરું કાર્ય અને જીવન જાણવાં આ પુસ્તક વાંચવું જરૂરી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796