નવજીવન ન્યૂઝ.સુરતઃ રાજ્યમાં અવાર-નવાર ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થતું હોવાના બનાવો સામે આવતા હોય છે. તાજેતરમાં જ નડિયાદમાંથી કેમિકલમાંથી નકલી હળદર બનાવલી ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. ત્યારે ગઈકાલે રાજકોટની આરોગ્ય વિભાગે શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે આજે સુરતમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ઠેર-ઠેર પનીર વેક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં શંકાસ્પદ પનીરનો જથ્થો પહોંચે તે પહેલા જ રસ્તામાંથી જ એક પીકઅપ વાનમાંથી 1600 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે વ્યક્તિ આ જથ્થો લઈને આવ્યો હતો તેની પુછપરછ કરતાં પનીર ભેળસેળ વાળુ હોવાનો અને અન્ય જિલ્લાઓમાં પણ આ પનીર જતું હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે રાજકોટના આરોગ્ય વિભાગના દરોડા બાદ સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ પણ જાગ્યું હતું.
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે સુરતના આઠ ઝોનમાં 18 પનીરના વિક્રેતાઓને દરોડો કર્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે દરોડો કરીને પનીરના સેમ્પલ લીધા હતા. આ તમામ સેમ્પલનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવામાં આવશે. જેનો રિપોર્ટ 14 દિવસ બાદ આવશે. જો આ રિપોર્ટમાં પનીર નકલી કે ભેળસેવાળુ હોવાનું સાબિત થશે તો પનીર વિક્રેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, સાથે જ દંડ પણ ફટકારવામાં આવશે. સુરતમાં આજે ઠેર-ઠેર પનીર વિક્રેતાને ત્યાં દરોડા પડતાં ડેરી ઉત્પાદનનું વેચાણ કરતાં વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.








