Friday, May 1, 2026
HomeGeneralઆખા ગુજરાતમાં બુટલેગર્સને દારૂ પહોંચાડનાર જોગીન્દરને SP નિર્લિપ્ત રાયે મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર બોર્ડરથી દબોંચ્યો

આખા ગુજરાતમાં બુટલેગર્સને દારૂ પહોંચાડનાર જોગીન્દરને SP નિર્લિપ્ત રાયે મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર બોર્ડરથી દબોંચ્યો

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દર વર્ષે રૂપિયા 500 કરોડથી વધુનો દારૂ ગુજરાતમાં ઠાલવનાર હરીયાણાના જોગીન્દર શર્માને સ્ટેટ મોનિટરિંગ સેલે મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રની સરહદથી ઝડપી પાડ્યો છે. જોગીન્દર શર્મા દુબઈમાં પકડાયેલા વિનોદ સિંધીનો ભાગીદાર છે અને વડોદરાના ગેંગસ્ટર મુકેશ હરજાણી મર્ડર કેસમાં પણ આરોપી છે. 2008થી દારૂના ધંધામાં આવેલા જોગીન્દર પાલને લાંબા સમયથી ગુજરાત પોલીસ શોધી રહી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે બે ટીમ હરીયાણા રવાના કરવામાં આવી હતી. પરંતું હરિયાણા પહોંચી ટીમને જાણ થઈ હતી કે, જોગીન્દર મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રની સરહદ પર આવેલા એક ગામમાં સંતાયેલો છે. સ્ટેટ મોનિટરિંગની ટીમે હાલ તેને ત્યાંથી ઝડપી પાડ્યો છે.

સામાન્ય રીતે ગુજરાતમાં ઘુસાડવામાં આવતો દારૂ પકડાય ત્યારે ગુજરાત પોલીસ દારૂ લાવનાર અને દારૂ ખરીદનાર બંનેને આરોપી બનાવતી હતી. પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલમાં SP તરીકે નિર્લિપ રાય અને DySP તરીકે કે. ટી. કામરીયાની નિયુક્તિ પછી તપાસની દીશા બદલાય હતી. ગુજરાતમાં ઘુસાડવામાં આવતી દારૂની ટ્રક પકડાય ત્યારે પરરાજ્યમાંથી સપ્લાય કરનાર કોણ છે તેની તપાસ તેમણે આરંભી હતી, જેમાં તેમની સામે એક નામ હરિયાણાના જોગેન્દર પાલ શર્માનું આવ્યું હતું. 2008થી હરિયાણામાં દારૂનો ઠેકો લેનાર જોગીન્દરે અલગ-અલગ સ્થળે વિશાળ ગોડાઉન બનાવ્યા હતા, જેનું માસીક ભાડુ 50 લાખ ચૂકવતો હતો. ઠેકામાં મળેલો દારૂ ગુજરાતમાં ઘુસાડવા તેણે ગુજરાતના બુટલેગર વિનોદ સિંધી સાથે ભાગીદારી કરી હતી અને રોજની 5 ટ્રકો દારૂ ગુજરાતમાં ઠાલવતો હતો. આમ રોજ સવાથી દોઢ કરોડનો માલ તે ગુજરાતમાં મોકલો હતો. સ્ટેટ મોનિટરિંગની તપાસમાં જોગીન્દર પાલનું નામ જાહેર થતાં છેલ્લા એક વર્ષથી તેણે માલ મોકલવાનું બંધ કરી દિધુ હતું. આમ 2008થી 2021 સુધી તેણે ગુજરાતમાં દારૂ ઠાલવ્યો હતો.

- Advertisement -

વડોદરાના ગેંગસ્ટર મુકેશ હરજાણી મર્ડર કેસમાં પણ જોગીન્દરનું નામ હતું. પરંતુ વડોદરા પોલીસ તેને પકડવામાં નિષ્ફળ થઈ હતી, SP નિર્લિપ રાય કોઈ પણ ભોગે જોગીન્દરને ઝડપવા પોતાના સ્ટાફને સુચના આપી હતી. તેમને જાણકારી મળી હતી કે, જોગીન્દર હરિયાણામાં છે. આથી બે ટીમ હરિયાણામાં ત્રણ દિવસથી ધામા નાખીને બેઠી હતી. આ દરમિયાન જાણકારી મળી કે જોગીન્દર પાલ મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રની બોર્ડર પર જોવા મળી રહ્યો છે. આથી એક જ રાતમાં સ્ટેટ મોનિટરિંગની ટીમે 600KMનું અંતર કાપી ટીમ નિરધારીત સ્થળ પર પહોંચી હતી. વહેલી પરોઠના જોગીન્દર ભર ઉંધમાં હતો, ત્યારે જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. SMCને તેની પાસેથી 8લાખ રોકડા એક ઈનોવા કાર અને બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, દુબઈમાં ઝડપાઈ ગયેલા વિનોદ સિંધીનું પ્રત્યાર્પણ કરી ભારત લાવવામાં આવે તે માટે SP નિર્લિપ રાય જરૂરી તમામ દસ્તાવેજો ભારતના વિદેશ મંત્રાલયને સુપ્રત્ત કર્યા છે.

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular