નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત બાદ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ અવાર-નવાર ગુજરાતમાં જોવા મળે છે. જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રા છોડીને રાજ્યમાં થોડા દિવસો માટે ચૂંટણી રેલીઓ કરશે. સત્તાધારી ભાજપે પીએમ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રીય મંત્રી પ્રચાર માટે આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 નવેમ્બરે બોટાદમાં જાહેર સભા સંબોધશે. પીએમ મોદી બોટાદ, ગઢડા, ધંધુકા અને જસદણ બેઠકના ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે. પીએમ મોદી લગભગ ચારથી છ વિસ્તારમાં પ્રચાર માટે જઈ શકે છે. કોઈપણ ચૂંટણીમાં આ પહેલીવાર બનશે જ્યારે પાર્ટીના તમામ સ્ટાર પ્રચારકો ડોર ટુ ડોર જનસંપર્ક કરશે. અગાઉ ગૃહમંત્રી શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા ઉત્તર પ્રદેશ, હિમાચલ સહિતની કેટલીક ચૂંટણીઓમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરી ચૂક્યા છે.
સુત્ર અનુસાર, પ્રથમ તબક્કાની 89 વિધાનસભા સીટો પર કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના અધિકારીઓ ત્રણ દિવસ રોકાશે. ચૂંટણી પ્રચારના અંતના બે દિવસ પહેલા 28-29 નવેમ્બર અને 2-3 ડિસેમ્બરે પીએમ મોદી, ગૃહમંત્રી શાહ અને દિગ્ગજ કેન્દ્રીય મંત્રીઓ જનસંપર્ક કરશે. પાર્ટીનું માનવું છે કે આ અભિયાનથી રાજ્યમાં પાર્ટીની બેઠકો અને વોટ વધશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, આસામના સીએમ હેમંત બિસ્વા શર્મા અને 54 નેતાઓ પ્રચાર કરવા ગુજરાત આવશે. પીએમ દક્ષિણ ગુજરાતમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.
મળતી માહિતી મુજબ, PM મોદી 19 નવેમ્બર શનિવારથી તેમના પ્રચારની શરૂઆત કરશે. તેઓ ત્રણ દિવસમાં આઠ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. પીએમના ચૂંટણી પ્રચારની શરૂઆત દક્ષિણ ગુજરાતમાંથી થશે. પીએમ મોદી 25 ચૂંટણી સભાઓ કરી શકે છે. રવિવારે સવારે 10:15 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. આ પછી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર ચૂંટણી સભાઓ યોજાશે. વેરાવળમાં સવારે 11 વાગ્યે, ધોરાજીમાં 12:45 વાગ્યે, અમરેલીમાં 2:30 વાગ્યે અને બોટાદમાં 6:15 વાગ્યે જાહેર સભાઓ યોજાશે. આ પછી વડાપ્રધાન મોદી રાજધાની ગાંધી નગર આવશે. રાત્રી રોકાણ રાજભવન ખાતે રહેશે. તેઓ સોમવારે ફરી ચૂંટણી પ્રચારમાં જશે, આ દિવસે પીએમની ત્રણ ચૂંટણી સભાઓ થશે. તેઓ બપોરે 12 વાગ્યે સુરેન્દ્ર નગર, બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં ચૂંટણી સભા કરશે. PM શનિવાર, રવિવાર અને સોમવારે ત્રણ દિવસમાં આઠ વિધાનસભા ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. પીએમ મોદીએ ગત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં 34 જાહેર સભાઓ કરી હતી, આ વખતે તેઓ ઓછામાં ઓછી 25 ચૂંટણી સભાઓ કરશે.
22 નવેમ્બરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમરેલીમાં પ્રથમ જાહેરસભાને સંબોધશે. રાહુલ ગાંધી પહેલા પીએમ મોદી પણ 20 નવેમ્બરે અમરેલીમાં રેલી કરશે. રસપ્રદ વાત એ છે કે પીએમ મોદી અને રાહુલ ગાંધી બંને એક જ સ્થળ પર એક જ ડોમમાં સભાને સંબોધશે. અમરેલી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો ગઢ રહ્યો છે. ભાજપ તેને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલા માટે પીએમ મોદી અહીં રેલી કરવા આવી રહ્યા છે. ગત વખતે પણ પીએમ અહીં રેલી કરવા આવ્યા હતા, પરંતુ બંને સીટો પર ભાજપનો પરાજય થયો હતો.








