પ્રશાંત દયાળ (અમદાવાદ):
મૂળ જુનાગઢ જિલ્લાના વતની રાજેશ પરમારને ઘર ચલાવવા માટે 2001માં એસઆરપી જવાન તરીકે નોકરી સ્વીકારવી પડી, પણ મન તો બોડીબિલ્ડર બનવાનું હતું અને દેશનું પ્રતિનિધિત્વ કરવું હતું. આખરે વીસ વર્ષની મહેનત રંગ લાવી અને પોલીસની નોકરીની સાથે સતત મહેનત અને તાલિમને પરિણામ સ્વરૂપ મોસ્કોમાં યોજાયેલા વર્લ્ડ પાવર લીફ્ટીંગમાં રાજેશ પરમારે ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવી માત્ર ગુજરાત પોલીસનું જ નહીં પણ દેશનું નામ પણ રોશન કર્યું છે.
વર્ષ 2001માં એસઆરપીમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયેલા રાજેશ પરમારને કસરત અને બોડી બિલ્ડીંગનો પાગલ શોખ હતો. એસઆરપીની નોકરીની સાથે રાજેશ પરમારે સમય મળે ત્યારે અથવા સમય કાઢી પોતાના બોડી બિલ્ડીંગના શોખને યથાવત રાખ્યો હતો. વર્ષ 2009માં આઈપીએસ અધિકારી મનોજ અગ્રવાલના ધ્યાનમાં રાજેશ પરમાર આવ્યા ત્યારે તેમણે રાજેશ પરમારને આઈપીએસ મેસના જીમમાં સામેલ કરી દીધા.
આઈપીએસ મેસના જીમમાં રાજેશ પરમારે અનેક આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને તાલીમ આપવાની પણ શરૂઆત કરી. નોકરીની સાથે રાજેશ પરમારે પોતાની તૈયારી પણ શરૂ કરી હતી. વીસ વર્ષ સુધી મહેનત કરનાર રાજેશ પરમારને મોસ્કો ખાતે યોજાઈ રહેલી વર્લ્ડ પાવર લીફ્ટિંગ કોમ્પિટીશનમાં જવાની ઈચ્છા હતી, પરંતુ આર્થીક સંકડામણનો પાર ન્હોતો. રાજેશના કામ અને મહેનતથી વાકેફ ગુજરાતના ડીજીપી આશિષ ભાટીયાએ પોતે અને પોતાના મિત્રો દ્વારા કઈ રીતે મદદ થઈ શકે છે તે જોવાનું આશ્વાસન આપી મદદની વ્યવસ્થા પણ કરી, જેના પરિણામ સ્વરૂપ રાજેશ પરમાર મોસ્કો પહોંચ્યા અને વર્લ્ડ પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં તેમણે ત્રણ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવી તેમની ઉપર વિશ્વાસ મુકનાર આઈપીએસ અધિકારીઓના વિશ્વાસને જીવંત રાખ્યો છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.