નવજીવન. ગાંધીનગર: ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પરીક્ષાના આગળના દિવસે જ પેપર લીક થયું હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. એલઆરડી આંદોલનના આગેવાન અને અત્યારે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ લગાવ્યો હતો કે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મૌછા ગામના એક ફાર્મ હાઉસમાં લાખો રૂપિયામાં આ પેપર લીક થયું હતું. આ અંગે આજે સવારે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી.
આ બેઠક બાદ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ પ્રેસ કોન્ફરસમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે,”ગુજરાતમાં હેડ કલાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ તે સંદર્ભે હજુ સુધી મંડળને કોઈ પ્રકારની ફરિયાદ મળી નથી. છતાં મીડિયા દ્વારા જે અહેવાલ દર્શાવવામાં આવી રહ્યા છે તે મુજબ પોલીસ દ્વારા તાપસ કરવામાં આવી રહી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ પોલિસ વિભાગને સૂચનો આપ્યા છે કે તપાસમાં જે કોઈ વ્યક્તિ કસૂરવાર મળે તેની સામે કડક પગલાં લેવા. ગુજરાતમાં પેપર લીક મામલે પોલીસની 15થી 16 ટીમ કાર્યરત છે. પોલીસ તપાસમાં જે કાઈ પણ મળશે ત્યાર બાદ પોલીસ જે અભિપ્રાય આપશે તે મુજબ મંડળ દ્વારા કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”
તેમણે ઉમેર્યું હતું કે,” 12 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં 186 જગ્યાઓ માટે હેડ કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2,41,000 જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી. પરીક્ષાના આગળના દિવસે જ પેપર લીક થયું છે તેવા સમાચાર વહેતા થઈ ગયા હતા, પરંતુ હજુ સુધી મંડળને આ અંગે કોઈ ફરિયાદ મળી નથી. તેમ છતાં પોલીસ દ્વારા તાપસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં જો કોઈ આધારભૂત પુરાવા મળશે તો ગેરરીતિ આચરનાર વ્યક્તિ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.”
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજની બેઠકમાં અધિકારીઓને અને પોલીસને સૂચનો આપ્યા હતા કે પુરી નિષ્ઠા અને પારદર્શિતા સાથે આ કેસમાં તાપસ થવી જોઈએ અને પોલિસ તપાસમાં જે પુરાવા મળે તે આધારે FIR નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









