નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ બિલકિસ બાનોના દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. સુભાષિની અલી અને અન્ય બે લોકોની અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેના પરિવારના સભ્યોની હત્યા કરવામાં આવી હતી.
આ કેસમાં 11 દોષિતોની મુક્તિને પડકારતી ત્રણ અરજીઓ પર આજે સુનાવણી થશે. મંગળવારે સુપ્રીમ કોર્ટ સુભાશિની અલી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા અને અન્ય વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર વિચાર કરવા સંમત થઈ હતી. આ સુનાવણી આજે મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા થવાની છે. ચીફ જસ્ટિસ એન.વી. રમનાની આગેવાની હેઠળની બેંચ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ (અલી માટે) અને અભિષેક સિંઘવી (મોઇત્રા વતી) અને એડવોકેટ અપર્ણા ભટની દલીલો બાદ આ મામલાની સુનાવણી કરવા સંમત થયા હતા.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે તમામ ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવે. તેમજ ગુજરાત સરકારના જે આદેશ હેઠળ ગુનેગારોને છોડી મુકવામાં આવ્યા છે તે અંગે રજૂઆત કરવા આદેશ આપવામાં આવે. પિટિશનમાં મુક્તિની ભલામણ કરતી સમિતિ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અરજી અનુસાર આ બાબતની તપાસ CBI દ્વારા કરવામાં આવી હતી અને આમ ગુજરાત સરકારને કેન્દ્ર સરકારની સંમતિ વિના કલમ 432 CrPC હેઠળ મુક્તિ/અકાળે મુક્તિ આપવાની સત્તા નથી.
2008માં મુંબઈની એક વિશેષ અદાલતે બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યો સાથે સામૂહિક બળાત્કાર અને હત્યા કેસમાં દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે સજા યથાવત રાખી હતી. 12 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેમાંથી એકનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું અને 11 લોકોને જેલમાં મોકલવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કીસને રૂ. 50 લાખનું વળતર, મકાન અને સરકારી નોકરી આપવાનો આદેશ આપ્યો હતો.








