નવજીવન ન્યૂઝ. રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઈકાલે સિન્ડિકેટની બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. તેમાંનો એક મુદ્દો સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષાઓના સીસીટીવી ઓનલાઇન બંધ કરી દેવાયા તેને લઈને હતો. જે મુદ્દે NSUIએ સત્તાધિશોએ ખાનગી કોલેજ સંચાલકોની કઠપૂતળી બની ભ્રષ્ટાચાર આદર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. જેને પગલે વિવાદોનું વંટોળ આંદોલન કરવાની ચીમકીએ પહોંચ્યું હતું.
કયા નિર્ણયનો વિરોધ કરાયો
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષા દરમિયાન અગાઉ પણ ચોરીના કિસ્સા સામે આવ્યા હતા. ખુલ્લેઆમ થતી આવી ગેરરીતિને ડામવા પરીક્ષા કેન્દ્રોમાં દરેક લોકો જોઈ શકે તેવી વ્યવસ્થા કરી CCTV લાઈવ કરાવાયા હતા. પરંતુ આજે સિન્ડિકેટની જે બેઠક મળી તેમાં એનલાઈન CCTVનો નિર્ણય બાતલ કરાયો હતો તેમજ જેને CCTV જોવા હોય તે યુનિવર્સિટી આવી જોઈ શકશે. આ નિર્ણયનો NSUIએ વિરોધ કરીને આંદોલનનો સુર છેડ્યો હતો.
રાજકોટ NSUIના પ્રમુખ રોહિત રાજપૂતનો ખુલાસો
અગાઉ કુલપતિ દ્વારા CCTV ઓનલાઇન જોઈ શકાશેની મોટી મોટી જોહેરાતો કરાયા બાદ માત્ર એક જ પરિક્ષા બાદ આ નિર્ણય રદ કરાયો છે. ત્યારે રાજકોટ NSUIના પ્રમુખ રોહિત રાજપૂતે સત્તાધિશોએ ગેરરીતિઓને પ્રોત્સાહન આપી લાખો રૂપિયાનો તોડ પાડ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. વઘુમાં ઉમેર્યુ હતું કે, પરીક્ષાના CCTV લાઈવ મુદ્દે માત્ર સત્તાધિશો અને મીડિયા વગર કોઈને પણ CCTV જોવાની પરવાનગી નથી. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, “જો આ નિર્ણય પરત નહીં ખેંચાવામાં આવે તો કોંગ્રેસના સિન્ડિકેટ અને સેનેટ સભ્યો સાથે કુલપતિને રજૂઆત કરી જરૂર પડ્યે ઉગ્ર આંદોલન પણ કરીશું”.
અગાઉ બનેલી ભ્રષ્ટાચારની ઘટના
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ,લૉ કોલેજોના પરિક્ષા કેન્દ્રો માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રખાશે તેવી જાહેરાત બાદ અઠવાડિયામાં નિર્ણય પરત લેવાયો હતો. તાજેતરમાં પણ કરાર આધારિત અધ્યાપકોમાં અનામત મામલે અને BAPSના અભ્યાસક્રમ મામલે પણ સત્તાધિશોની ખાનગી કોલેજો સાથેની મિલીભગતથી તોડ પાડી નિર્ણય પરત લેવાયો હતો.








