નવજીવન ન્યૂઝઃ નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતના કેટલાક શહેરોમાં 5G સર્વિસ શરૂ કરાવશે. આગામી કેટલાક વર્ષોમાં 5G સર્વિસ સમગ્ર દેશમાં વિસ્તરણ થવાની અપેક્ષા છે. તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે 2030 સુધીમાં 5G ભારતમાં કુલ કનેક્શનના ત્રીજા ભાગથી વધુ હિસ્સો ધરાવશે, જેમાં 2G અને 3Gનો હિસ્સો ઘટીને 10 ટકાથી ઓછો થઈ જશે.
શનિવારથી દેશમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટનો નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ-2022’ના ઉદ્ઘાટન પ્રસંગે સવારે 10 વાગ્યે ઔપચારિક રીતે 5G ઈન્ટરનેટ લોન્ચ કરશે. દેશની ત્રણ સૌથી મોટી ટેલિકોમ કંપનીઓ કાર્યક્રમમાં PM મોદીની સામે 5G ઈન્ટરનેટનો દરેક ડેમો પ્રદર્શિત કરશે. રિલાયન્સ જિયો મુંબઈમાં શાળાના શિક્ષકોને મહારાષ્ટ્ર, ગુજરાત અને ઓડિશાના વિદ્યાર્થીઓ સાથે 5G નેટવર્ક પર જોડશે. જેમાં શિક્ષકો ઓગમેન્ટેડ રિયાલિટીનો ઉપયોગ કરીને માઈલો દૂર બેઠેલા વિદ્યાર્થીઓને શીખવશે.
એરટેલના ડેમોમાં ઉત્તર પ્રદેશનો એક વિદ્યાર્થી વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીની મદદથી સોલાર સિસ્ટમને સમજશે પછી તેનો અનુભવ પીએમ મોદી સાથે શેર કરશે. વોડાફોન તેના 5જી ટેસ્ટ દરમિયાન વર્કર સેફ્ટી સંબંધિત એક પ્રદર્શન બતાવશે. પીએમ મોદી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5જી સંબંધિત અન્ય ટેક્નોલોજી 5G-આધારિત ડ્રોન, ગટર મોનિટરિંગ સિસ્ટમ્સ, આરોગ્ય સંબંધિત ટેક્નોલોજી અને સાયબર સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-વિશિષ્ટ પ્લેટફોર્મ દ્વારા કૃષિની ટેક્નોલોજીની પણ જોશે.
5G સેવાઓ 2023 સુધીમાં દેશના દરેક તાલુકા સુધી પહોંચશે. આનાથી લોકોને હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવાનો આનંદ માણી શકશે. જો કે આ સેવા લોકો સુધી પહોંચવામાં સમય લાગશે. બે મોટી કંપનીઓ Reliance Jio અને Airtel લોકો માટે સેવા શરૂ કરવાની માહિતી આપી ચૂકી છે. રિલાયન્સ જિયો દિવાળી સુધીમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા મહાનગરોમાં હાઈ-સ્પીડ મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ શરૂ કરશે. કંપનીએ આ વર્ષે 5G સ્પેક્ટ્રમની હરાજીમાં રૂ. 88,000 કરોડથી વધુની બોલી લગાવીને સૌથી વધુ નાણાં 5G ટેક્નોલોજી પર ખર્ચ્યા છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ ઓગસ્ટમાં કહ્યું હતું કે ડિસેમ્બર 2023 સુધીમાં Jio 5G દેશના દરેક શહેર અને દરેક તાલુકા પહોંચી જશે. ભારતી એરટેલે 2023 ના અંત સુધીમાં તમામ શહેરોમાં 5G સેવા પ્રદાન કરવાનું વચન પણ આપ્યું છે. 5G સ્પેક્ટ્રમની હરાજીમાં આ કંપનીએ Jio પછી સૌથી વધુ પૈસા ખર્ચ્યા છે. આ કંપની માર્ચ 2024 સુધીમાં ગામડાઓમાં 5G સેવા પૂરી પાડશે.








