નવજીવન.અરવલ્લીઃ કૃષિ કાયદાના મુદ્દે સમર્થન આપી કિસાનસંઘને સરકારના વ્હાલા થવું છે અને ખેડૂતોના પ્રશ્ને સરકારનો કાન પણ આમળવો છે. સિંચાઇના પાણીથી માંડીને પોષણક્ષમ ભાવ મુદ્દે ઘણા ખેડૂતો ભાજપ સરકારથી ભારોભાર નારાજ જોવા મળ્યા છે ત્યારે આજે ભાજપની ભગીની સંસ્થા ગુજરાત કિસાનસંઘને ખેડૂતોનું હિત યાદ આવ્યું હોય તેમ અરવલ્લી જીલ્લા સહીત ગુજરાતમાં જીલ્લા કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોને પડતર માંગણીઓ અને તેમને પડતી તકલીફોને સત્વરે ન્યાય મળે તેવી માંગ કરી હતી.

રાજ્યમાં અત્યારે ગુજરાતના ઘણા ગરીબ ખેડૂતની દયનીય દશા છે કેમકે, મોંઘાદાટ ખાતર, જંતુનાશક દવા, બિયારણ ઉપરાંત ખેત મજૂરીનો ખર્ચ કર્યા બાદ જે ખેત ઉત્પાદન થાય તેના પોષણક્ષમ ભાવ જ મળતા નથી. ખેડૂતોના આક્ષેપો પ્રમાણે બજારમાં ખેડૂતોએ પડતર કિંમત કરતાં ય ઓછા ભાવે અનાજ વેચવુ પડે છે. ખેડૂતો કહે છે કે, મગફળી અને કપાસને બાદ કરતાં ડાંગર, કઠોળ, ઘઉં સહિતના પાકોના પોષણક્ષમ ભાવ જ મળતા નથી જેથી ખેડૂતો આર્થિક રીતે ભાંગી પડ્યા છે.

અરવલ્લી જિલ્લામાં કિસાન સંઘે ભારતીય કિસાન સંઘ દ્વારા પડતર માંગણીઓને લઈને મોડાસા એપીએમસી માર્કેટથી કલેકટર કચેરી સુધી રેલી યોજી ભારતીય કિસાન સંઘની મુખ્ય દસ જેટલી માંગણીઓને લઈને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં હાલમાં અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને બિયારણનો પ્રશ્ન ઉદભવી રહ્યો છે, ખેડૂતોને બિયારણ લેવા માટે વિવિધ કેન્દ્રો ખાતે લાંબી કતારમાં ઉભા રહેવાનો વારો આવે છે, તેમ છતાં બિયારણ નથી મળી રહ્યું. ભારત માતા કી જયના નારા સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા પડતર માગણીઓનું નિરાકરણ આવે તે માટે ગુજરાતના રાજ્યપાલ સુધી આવેદન પહોંચાડવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

અરવલ્લી જિલ્લા ભારતીય કિસાન સંઘની મુખ્ય માગણીઓમાં વાત્રક ડેમમાંથી તળાવ ભરવાની મંજૂરી મળેલી હોય ત્યાં તળાવ ભરવાની કામગીરી સત્વરે ચાલુ કરવામાં આવે, આ સાથે જ મોડાસા-શામળાજી રેલવે લાઇન માટે જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે, જેમાં યોગ્ય વળતર આપવામાં આવે. જમીન રિ-સર્વેમાં થયેલી ભૂલો તાત્કાલિક સુધારવી, ખેતી પાકમાં થતા જંગલી જાનવરથી નુકસાનનું યોગ્ય વળતર આપવું, દૂધના ભાવમાં વધારો કરવો સમાન સિંચાઈ દર કરવા, જ્યાં સિંચાઈ નથી ત્યાં નવીન સિંચાઇ વ્યવસ્થા ઉભી કરવી, કૃષિમાં મીટર પ્રથા નાબૂદ કરવી, હાલમાં રાસાયણિક ખાતરમાં થયેલ અસહ્ય ભાવ વધારો પાછો ખેંચવો સહિતની વિવિધ પડતર માંગણીઓનું મુખ્ય હતી. મોટી સંખ્યામાં ભારતીય કિસાન સંઘના આગેવાનો એપીએમસી માર્કેટથી કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા, જ્યાં મામલતદારને આવેદનપત્ર આપ્યું.
![]() |
![]() |
![]() |











