નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)માં કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધન (Congress-NCP alliance) માં ફરી રમત થઈ ગયાની ચર્ચા શરૂ થઈ છે. કારણ કે, કોંગ્રેસ અને એનસીપીએ ગુજરાતની ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયા (Devgadhbaria) 3 વિધાનસભા બેઠકો પર ગઠબંધન કર્યું હતું. પરંતુ હવે એનસીપીના ઉમેદવારે એક બેઠક પરથી ફોર્મ પરત ખેંચી લેતા ભાજપ (BJP)નો રસ્તો સાફ થઈ ગયો છે તેવું માનવામાં આવે છે.
ગઠબંધનમાં સોદા બાજીના શરૂઆતથી જ હતા આરોપ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન કરી ચૂંટણી લડે છે. પણ આ વખતે ગઠબંધન થતાની સાથે જ કોંગ્રેસ અને એનસીપીના કેટલાક નેતાઓ અને કાર્યકરો નારાજ થયા હતા. આ નારાજગીના કારણે એનસીપીના રેશ્મા પટેલે રાજીનામું ધરી આમ આદમી પાર્ટીનું ઝાડું ઝાલ્યું હતું. બીજી તરફ ઉમેરઠ બેઠક પર નારાજ કોંગ્રેસીઓએ ગુજરાત કોંગ્રસના મુખ્ય કાર્યાલય પર ધમાલ મચાવી હતી. અને એનસીપીના કુતિયાણાથી ધારાસભ્ય રહેલા કાંધલ જાડેજાએ અપક્ષ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. પરતું બંને પક્ષના નારાજ લોકોમાં સામ્યતા હતી તે એ હતી કે તેમને આ ગઠબંધનમાં સોદા બાજી થયાના આરોપ મુક્યા હતા.
ભાજપનો રસ્તો NCPએ કર્યો સાફ ?
આ તમામ બાબતો વચ્ચે આજરોજ સમાચાર મળી રહ્યાં છે કે, દેવગઢ બારિયા બેઠક પરથી એનસીપીના ઉમેદવાર ગોપસિંહ લવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. આ બેઠક પરથી એનસીપીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બચુ ખાબડ (Bachu Kabad) માટે રસ્તો સાફ થઈ ગયો હોવાનું માનવામાં આવે છે. ત્યારે હવે મુખ્ય પાર્ટીના ઉમેદવારમાં આમ આદમી પાર્ટીના ભરત વાખલા એક માત્ર ઉમેદવાર ચૂંટણી મેદાને રહ્યા છે.
મેં તો ભવિષ્ય ભાખ્યું જ હતું કે સોદો થયો
આ મામલે એનસીપી છોડી આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા રેશ્મા પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, હું પહેલા જ ભવિષ્ય ભાખી ચૂકી હતી કે એનસીપી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ભાજપને ફાયદો કરવા જ આ ગઠબંધન કર્યું છે. કારણે કે દેવગઢ બારિયામાં એનસીપીના કોઈ કાર્યકર પણ નથી પરંતુ ત્યાં ગઠબંધન કરી ભાજપના માણસને એનસીપીમાંથી ઉમેદવાર બનાવી દેવાયો છે. આમ એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીએ કોંગ્રેસના નેતાઓ સાથે મળી ભાજપની સાથે કાર્યકરો અને મતદારો સાથે રમત કરી છે અને તગડી રકમ મેળવી આ સોદો પાર પાડ્યો છે. આમ આ લોકશાહીની પ્રક્રિયા પર તરાપ છે. ભલે હું એનસીપીમાં નથી છતાં પણ હું પહેલાની જેમ જ એનસીપીના શિર્ષ નેતૃત્વને કહીશ કે, ગુજરાતમાં સોદાબાજોને હટાવી નવા લોકો નીમવામાં આવે કે જે તમારા કાર્યકરો અને મતદારો સાથે વફાદારી રાખી ન્યાય કરે.
કોંગ્રેસ તો બોલવા પણ તૈયાર નથી
આ બાબતે કોંગ્રેસના મનીષ દોશી સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેઓ જણાવે છે કે, આ મુદ્દે તમે એનસીપીના પ્રવક્તા સાથે વાત કરો હું આ મામલે કંઈ કહી ન શકું. ત્યારે કોંગ્રેસના પ્રવક્તાની ચૂપકીદી ક્યાંકને ક્યાક છેતરાય ગયાની ભાવના જાહેર કરતા હોય તેમ જણાય છે.
ચૂંટણી પહેલા જ રમતનો શિકાર બની કોંગ્રેસ
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે અગાઉ પણ એનસીપી સાથે કરેલા ગઠબંધનમાં થાપ ખાધી છે. જેમાં ગત રાજ્યસભાની ચૂંટણીમાં પણ એનસીપીના કાંધલ જાડેજાએ ભાજપ તરફી મતદાર કરી ગઠબંધનનો ઉલાળીયો કર્યો હતો. તેમજ આ પ્રકારે અગાઉ પણ તેઓ ક્રોસ વોટ કરી કોંગ્રેસને ઉલ્લુ બનાવી ચૂક્યા છે. ત્યારે હવે દેવગઢ બારિયાના ગોપસિંહ લવારે ફોર્મ પરત ખેંચી ચૂંટણી પહેલા જ એનસીપીએ ફરી કોંગ્રેસને રમતનો શિકાર બનાવી દીધી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.