નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં બે દિવસથી કથિત રીતે થયેલા લઠ્ઠાકાંડને લઈને હવે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. દરેક રાજકીય પક્ષો હાલ આ મુદ્દાને લઈને સત્તાપક્ષ ભાજપને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દરેક પક્ષ દ્વારા ભાજપ ઉપર દારૂબંધીના નામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ એક વીડિયો દ્વારા ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટિલ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
ઈશુદાન ગઢવીએ વીડિયો દ્વારા જણાવ્યુ હતું કે, “તાજેતરમાં ગુજરાતમાં જે લઠ્ઠાકાંડ થયો છે તે પહેલી વખત લઠ્ઠાકાંડ નથી થયો, આની પહેલા પણ વારંવાર લઠ્ઠાકાંડ થયો છે. પહેલા પણ ગુજરાતનાં કેટલાય લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા છે અને લઠ્ઠાકાંડની તપાસના નામે અત્યાર સુધી કાંઈ થયું નથી. પાંચ દિવસ થોડી જગ્યાઓ પર રેડ પડે છે અને બે નાના દેશી દારૂના અડ્ડા ચલાવનારા લોકો પકડાય અને આખી વાત ત્યાં જ પુરી થઇ જાય. આખા વર્ષમાં ગુજરાતમાં 10 હજાર કરોડ રૂપિયાનો ગેરકાનૂની દારૂ વેચવામાં આવે છે. તો મારો એક સવાલ છે કે આ રૂપિયા જાય છે ક્યાં?”
તેમણે વધુમાં જણાવ્યુ કે, “ભાજપના લોકો આ આખી ઘટનામાં દોષનો ટોપલો કેમિકલ ઉપર ઢોળે છે, તો શું આ લોકોએ દારુ નહતો પીધો? આ લોકોના મૃત્યુ ખોટા છે? શું ગરીબ હોવું ગુનો છે? આજે ગરીબ લોકોના મૃત્યુ ને તમે ખોટા ઠેરવો છો અને કહો છો કે લઠ્ઠાકાંડ નથી પણ કેમિકલના કારણે મૃત્યુ થયું છે. ગુજરાત સરકાર અને ભાજપમાં જો શરમ હોય તો સૌથી પહેલા આ કેમિકલ-કેમિકલ બોલવાનું બંધ કરે. આ બધું સાંભળીને મારું લોહી ઉકળી ઉઠે છે. ભાજપના કાર્યકર્તાઓએ પણ ભાજપ સરકારને કહેવું જોઈએ કે “જે ભૂલ થઇ છે તે સ્વીકારી લેવી જોઈએ.” કોરોનાના સમયમાં વિજય રૂપાણી સરકારે એવી માહિતી ફેલાવી હતી કે કોરોનાના કારણે લોકોના મોત નથી થઈ રહ્યા. અને ભગવાન તેમને સત્તામાંથી બેદખલ કરી દીધા.”
તેમણે ભુપેન્દ્ર પટેલ અને સી. આર. પાટિલ ઉપર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, “આજે ભુપેન્દ્ર પટેલ અને સી. આર. પાટિલ એવું કહે છે કે લોકોના મોત દારૂ થી નહીં પણ કેમિકલથી થયા છે. આનાથી પણ વધારે દુઃખની વાત એ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે ગુજરાત આવીને લઠ્ઠાકાંડ પીડિતોની મુલાકાત લે છે, મૃતકોને શ્રદ્ધાંજલિ આપે છે, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી અને સી. આર. પાટિલ હજુ સુધી ચૂપ છે. શા માટે તેઓ પીડિતોને મળવા પણ નથી જઈ રહ્યા અને મૃતકો માટે સહાનુભૂતિ પણ નથી દર્શાવી રહ્યા. એ લોકો એક ટ્વિટ કરીને પણ સહાનુભૂતિ નથી દર્શાવી રહ્યા.”








