નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં દિવસેને દિવસે સરકારી અધિકારીઓ દ્વારા લાંચ લેવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. સામાન્ય માણસને પોતાના નાના-નાના કામ કરવા માટે પણ આ સરકારી બાબુઓને પૈસા ખવડાવવા પડે છે. તેમ છતાં કેટલાક અંશે આ લાંચિયા બાબુઓને રોકવા માટે ACB કાર્યરત છે જે આવા લાંચિયા અધિકારીઓની સામે પગલાં લે છે, પરંતુ તેમની પણ એક સીમા છે સામાન્ય રીતે જ્યારે કોઈ ફરિયાદ કરે ત્યારે ACB એક્શન લે છે, પણ સામાન્ય નાગરિકો ACBમાં ફરિયાદ કરવાની જગ્યાએ પૈસા આપીને પોતાનું કામ કરવી લેવામાં વધુ માને છે.
અમદાવાદનાં અન્ન અને નાગરિક પુરવઠાના એક અધિકારીની તાજેતરમાં ACB દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ ફરિયાદી સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ચીજવસ્તુ ધારા અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેમાં પ્રીવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ મુજબ અટકાયતી પગલાં ન લેવા માટે અન્ન અને નાગરિક પુરવઠાના વર્ગ 3ના અધિકારી ભુપેન્દ્ર ચૌધરી વતી એક ખાનગી વ્યક્તિ અબ્દુલ રઝાકે 1 લાખ 65 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી.
ફરિયાદી આ લાંચની રકમ આરોપીઓને આપવા માગતા ન હોવાના કારણે તેમણે આ અંગે ACBમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ મુજબ ACBએ કાર્યવાહી કરીને છટકું ગોઠવીને બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. હાલ બંને આરોપીઓની ACB દ્વારા અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.